ઉમળકો – નવું નવું છે એટલે પછી કયા પહેલા જેવુ કશું રહે છે? એક પતિના મોઢે આ વાત સાંભળીને…

‘ઉમળકો’

આજે ઘણા સમયે મેઘા સાથે મુલાકાત થઈ. આમ તો ઉંમર માં એ મારા કરતાં આઠેક વર્ષ નાની પણ પહેલે થી જ એવો મનમેળ આવી ગયો હતો કે અમે ખૂબ સારા મિત્રો બની ગયેલા. પણ સામાજિક જીવન ની વ્યસ્તતા ના કારણે હમણાં થી મુલાકાત જ નહોતી થઈ. આજે લાંબા સમય પછી મેઘા એના ભાવિ ભરથાર રુચિત સાથે ઘરે આવી હતી. હા હમણાં હમણાં જ સંબંધ નક્કી થયો હતો મેઘા અને રુચિત નો.

મેં અને મારા પતિ એ મેઘા અને રુચિત ને પ્રેમ થી આવકાર્યા. બન્ને જણા સોફા માં એકબીજા ની લગોલગ ગોઠવાઈ ગયા. જિંદગી ની નવી સફર શરૂ કરવા જનાર બન્ને કોઈ પ્રેમી પંખીડા ને પણ માત આપી શકે તેવા લાગતા હતા. રુચિત સાથે તો જરાય પરિચય નહોતો મારો પણ મેઘા ના ઘણા સમય થી ઓળખતી એટલે એના હ્ર્દય ની ખુશી અનુભવતા મને વાર ન લાગી.



મેઘા ના ચહેરા પર નું એ નિખાલસ હાસ્ય એની આ નવા સંબંધ પ્રત્યે ની ખુશી વ્યક્ત કરી રહ્યું હતું. દર વખત કરતા આ વખતે એ જાણે અનેરા જ આનંદ માં રાચતી હોય એવું મને લાગ્યું. સામાન્ય વાતચીત બાદ મેં આ નવા યુગલ માટે કોફી બનાવવા રસોડા તરફ પ્રયાણ કર્યું ત્યાં જ મારી પાછળ પાછળ મેઘા પણ દોડી આવી.

પહેલો જ સવાલ કેવા લાગ્યા રુચિત? મને રુચિત નો સ્વભાવ ગમ્યો એટલે મેં એને જવાબ માં સરસ જોડી જામશે કહી દીધું. અને મારો જવાબ સાંભળી એના ચહેરા પર એ શરમ અને સંતોષ ની રેખાઓ ઉપસી આવી. ત્યાર બાદ જેટલો સમય એ મારી સાથે રસોડા માં ઉભી રહી અમે રુચિત અને રુચિત ના પરિવાર વિશે જ વાતો કરી. કોફી માં ખાંડ નાખતી વખતે મને તરત જ મેઘા એ પાછળ થી ટકોર કરી “કોમલ, ખાંડ જરા ઓછી નાખજે. રુચિત થોડી મોળી અને સ્ટ્રોંગ કોફી જ લે છે”

મેં પણ મેઘા ની ટકોર ને ધ્યાન માં રાખી ને એવી જ કોફી બનાવી. ફક્ત 2-4 દિવસ માં જ કેટલું બધું જાણતી થઈ ગઈ હતી એ એના ભાવિ ભરથાર વિશે. મને ખરેખર મનોમન ખુશી થઈ. આવી સામ્યતા ભવિષ્ય માં પણ જળવાઈ રહે એવી ભગવાન પાસે મનોમન પ્રાર્થના પણ કરી લીધી. હું કોફી લઈ ને હોલ માં પહોંચી તો મેઘા અને રુચિત બન્ને અંદરોઅંદર કઈક વાત કરી રહ્યા હતા. ફરી એકવાર એમનો સુમેળ જોઈ મારો ચહેરો ખીલી ઉઠ્યો. મેં બંને ના હાથ માં કોફી નો મગ આપયો અને હું પણ ત્યાં સોફા પર ગોઠવાઈ ગઈ.

પછી તો અમે ઘણી વાતો કરી પણ કેન્દ્રસ્થાને રુચિત જ રહ્યો. મેઘા સંપૂર્ણ રીતે રુચિતમય થયેલી દેખાઈ રહી હતી. થોડા દિવસ માં સગાઈ થઈ જશે અને આવતા વર્ષે લગ્ન એ વાત પણ એને હરખાતા હરખાતા કહી દીધી. થોડી વાતચીત કર્યા બાદ બન્ને જણા એ વિદાય લીધી. એમને દરવાજા સુધી વળાવવા હું ને મારા પતિ બન્ને ઉભા થયા. આવજો અને બાય ની આપ લે કરી મારા પતિ ઘરમાં પરત ફર્યા પણ હું મેઘા અને રુચિત ને હાથ માં હાથ પરોવી જતા જોઈ રહી.

આવી જ રીતે તો હાથ માં હાથ પરોવી ફરતા હતા હું અને મારા પતિ એ વાત જાણે હ્ર્દય માં ક્યાંક લાગી આવી અને પછી તો પવન ની દીશા માં ધૂળ ની ડમરીઓ ઉડે એમ કઈ કેટલીય જૂની યાદો મારા માનસપટ પર ઉડવા લાગી. મને જોવા આવ્યા ત્યારે એમનો ચહેરો પ્રથમ વાર જોયો ત્યારે હ્ર્દય જાણે બમણી ઝડપ થી ધબકી ઉઠ્યું હતું. સંબંધ નક્કી થયો ત્યારે હું ય મેઘા ની જેમ જ મારી ખુશી કોઈથી છાની નહોતી રાખી શકતી. સગાઈ થઈ પછી એ ક્યારેક ક્યારેક થતી મુલાકાત જાણે તરસ્યા ને પાણી જેવી લાગતી.



દિવસ ની એ ફોન પર કલાકો ચાલતી વાતો જાણે અમને એકબીજા ની સાવ નજીક લઈ જતી. ક્યારેક ચાલતા એ રિસામણા અને મનામણા કેટલા મીઠા લાગતા. એ પ્રેમ થી થયેલો ઝગડો ક્યારે સુલેહ થાય એની બંને કેટલી આતુરતા થી રાહ જોતા. ભૂલ કોની છે એના કરતાં ભૂલ મારી છે એમ કહી અમે કઈ કેટલીય વાર ઝગડો પતાવ્યો હશે. ઘણી વાર તો ભૂલ મારી છે એમ હું કહેતી અને સામે એ પણ આવું જ કહેતા અને પછી એ વાત પર પણ મીઠી નોકજોક થઈ જતી. કેટલો ઉમળકો હતો સંબંધ પ્રત્યે, એકબીજા પ્રત્યે, પોતાના ભવિષ્ય પ્રત્યે. લગ્ન ની તૈયારીઓ પણ કેટલા સ્નેહથી કરી હતી. જીવનસાથી ને શુ ગમશે અને શું નહિ એનું બરાબર ધ્યાન અમે બન્ને એ રાખેલું.

એકબીજા નો પડતો બોલ ઝીલવા હમેશા આતુર રહેતા અમે બંને જાણે લગ્ન ન 8 વર્ષ બાદ સાવ વિપરીત જ થઈ ગયા છે એનો મને આજે અહેસાસ થયો. ઘણી ફરિયાદ છે મને કે હવે એ પહેલાં જેવા નથી પણ આજે મેઘા ને જોઈને એમ લાગ્યું કે હું પણ ક્યાં હવે પહેલા જેવી છું. સંબંધ પ્રત્યે નો એ ઉમળકો જાણે ઓસરી ગયો. લગ્ન બાદ એમને એમના કામ ને અને મેં મારા ઘર ને જાણે એની સાથે બાંધી જ દીધા. અને એટલી હદ સુધી બાંધ્યા કે હવે આ બંધન અમને અમારા વચ્ચે આવતું જણાવા લાગ્યું. નાહક ની કલાકો થતી વાતો ની જગ્યા આજે જવાબદારીઓ ની આપલે ના 2-4 મિનિટ ના કોલે લઈ લીધી. એકબીજા નું ગમતું કરવાની હરીફાઈ માં કદાચ એકબીજા ને ગમતા રહેવાનું જ અમે ભૂલી ગયા.

થોડીવાર સુધી આમ જ દરવાજે ઉભી રહી હું વિચારો માં ડૂબી ગઈ. ત્યાં જ અંદર થી પતિદેવ દ્વારા મારા નામ ની પડેલી બૂમ જાણે મને વર્તમાન માં ખેંચી લાવી. હું ફટાફટ અંદર પ્રવેશી. એમની સામે ઓઢણીનો એક છેડો આમ તેમ કરતી હું ઉભી રહી. ઘણું બધું કહી દેવાનું મન થઇ ગયું હતું. અમારા સંબંધ નો એ ઉમળકો ફરી ઠાલવવા નો પ્રયાસ આદરવો હતો. એકબીજા ને કેટલો પ્રેમ કરીએ છે એ આજે મારે એમને કહી દેવું હતું. હું મૂર્તિ ની માફક ત્યાં જ ઉભી રહી. કઈ બોલવા જાઉં એ પહેલાં જ સામે છેડે થી પહેલ થઈ.



મોબાઈલ માં માથું નાખી ને જ એમને જમવાનું પીરસવા નું ફરમાન જારી કરી દિધું. ફરી એકવાર ઓસર્યો એ ઉમળકો. હું ચૂપચાપ રસોડા માં જઇ થાળી પીરસી , થાળી ને ડાઇનિંગ ટેબલ પર મૂકી એમના આવવાની રાહ જોવા લાગી. થાળી ના અવાજ થી એ ઉભા થઇ ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યા. હજી એ ફોન નામ ની બલા એમના હાથ માં જ હતી. કદાચ મારા ચહેરા ના બદલાયેલા ભાવ ની જાણ હવે એમને થઈ ગઈ એટલે એમને ફોન સાઈડ માં મૂકી મને પૂછ્યું

“શુ થયું” “કાઈ નહિ. મેઘા અને રુચિત ની જોડી સરસ લાગતી હતી ને” મેં ફરી એકવાર એ ઉમળકો પરત લાવવા વાત ની શરૂઆત કરી “હા નવું નવું છે એટલે આકર્ષણ વધુ હોય” વળતો જવાબ મળ્યો. “હા સાચી વાત” બસ એટલું કહી હું એ એઠી થાળી અને મારો એ પ્રેમ પરત લાવવા નો નિર્થરક પ્રયત્ન લઈ રસોડા તરફ પરત ફરી. કમને પણ મારી થાળી પીરસી અને અશ્રુભીના ખૂણા સાથે જેમ તેમ કરી એ જમવાનું પતાવ્યું.

લેખક : કોમલ રાઠોડ “અનિકા”

તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.

error: Content is protected !!
Exit mobile version