શરીરના સાત ચક્રો ન હોય સક્રીય ત્યારે થાય છે આવી સમસ્યાઓ
માણસના શરીરમાં ઊર્જાના સાત કેન્દ્ર આવેલા છે. જેને સામાન્ય ભાષામાં ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાંથી નકામી ઊર્જાને બહાર કાઢવાનું કામ અને સકારાત્મક ઊર્જા ગ્રહણ કરવાનું કામ આ ચક્રના માધ્યમથી જ થાય છે. આમ તો માણસના શરીરમાં 112 ચક્ર હોય છે પરંતુ આદિયોગી શિવએ તેને સાત વર્ગમાં વિભાજીત કરી અને સપ્ત ઋષિઓને દીક્ષિત કર્યા હતા. તેના કારણે સાત ચક્રોનું મહત્વ વધારે છે.
શરીરના આ સાત ચક્ર જો જાગૃત થઈ જાય તો વ્યક્તિ અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. પરંતુ વર્તમાન જીવનશૈલીમાં આ ચક્રોને જાગૃત કરવા લગભગ અશક્ય બાબત બની જાય છે. તો ચાલો આજે જાણી લો શરીરના સાત ચક્રોના મહત્વ વિશે અને તે ચક્ર સક્રિય ન હોય તો કેવી સમસ્યા થાય છે તેના વિશે.
સહસ્ર ચક્ર એ મગજના ઉપરના ભાગમાં આવેલું છે. જો સહસ્ર ચક્ર સક્રિય ન હોય તો તેને કારણે હતાશા, કંપવા, સ્કીઝોફેનિયા, અલ્ઝાઈમર જેવા માનસિક રોગ થઈ શકે છે.
આજ્ઞા ચક્ર એ કપાળના મધ્યમાં આવેલું છે. આ સાત ચક્રોમાંનું બીજું ચક્ર છે. જો આજ્ઞા ચક્ર સક્રિય ન થાય તો તેને કારણે ચિંતા, તાણ, માથાનો દુઃખાવો, માઈગ્રેન, આંખની ઊણપો, દૃષ્ટિની ખામી, ગ્લુકોમા, મોતિયા, સાઈનસની સમસ્યાઓ, કાનની સમસ્યાઓ વગેરે ઉદ્ભવી શકે.
વિશુદ્ધ ચક્ર ગળા અને શ્વાસનળીના ભાગમાં આવેલું હોય છે. જો વિશુદ્ધ ચક્ર સક્રિય ન હોય તો તેને કારણે થાઈરોઈડ, અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાંભળવાની સમસ્યાઓ વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે.
અનાહત ચક્ર હૃદયના ભાગમાં આવેલું છે. જો અનાહત ચક્ર સક્રિય ન હોય તો તે હૃદય રોગ, સ્નાયુઓનો દુખાવો જેવી બીમારીઓને પણ નોતરી શકે છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિની ખામી, એલર્જીઓ, બ્રેસ્ટ કેન્સર વગેરે જેવી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.
મણિપુર ચક્ર જે પિત્તાશય, બરોળ અને જઠરમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રોમાંનું પાંચમું ચક્ર છે. જો આ મણિપુર ચક્ર સક્રિય ન હોય તો તેને કારણે ડાયાબિટિસ, પેન્ક્રિયાટાઈટીસ, પિત્તાશયના રોગો, પેપ્ટીક અલ્સર, પેટના દુખાવાના રોગ, પિત્તાશયમાં પથરી વગેરે જેવાં રોગ થઈ શકે છે.
સ્વાદિસ્થાન ચક્ર એ ગર્ભાશયના ભાગમાં આવેલું હોય છે. આ ચક્ર સક્રિય થયેલું ન હોય તો તેને કારણે માસિકની સમસ્યા, યુટેરાઈન ફ્રાઈબ્રોઈડ્સ, અંડાશયની કોથળીમાં થતી પાણીની ગાંઠો, આંતરડાની પીડા જેવા રોગ થઈ શકે છે.
મૂલાધાર ચક્ર કરોડરજ્જુના આધાર સ્થાનમાં આવેલું હોય છે. જો મૂલાધાર ચક્ર સક્રિય થયેલું ન હોય તો તેને કારણે કબજીયાત, ડાયેરિયા, પાઈલ્સ, કોલીટીસ, કરોડના રોગો, આંગળીઓ અને ટેરવાઓ ઠંડા પડી જવા, વારંવાર પેશાબ જવાની સમસ્યા ઉદ્ભવી શકે છે.