કાજુ કતરી નહિ આ તો છે શીંગની મીઠાઇ – એકવાર પછી વારંવાર બનાવશો.

આજે હું શીખવાડવાની છું શીંગ કતરી, આ મીઠાઈ બનાવતા સમયે અમુક સાવચેતી રાખીએ તો આ પરફેક્ટ એક પરફેક્ટ મીઠાઈ બને છે. આપણા જેવા મધ્યમવર્ગી મિત્રો અવારનવાર કોઈપણ તહેવારે કાજુ કતરી જેવી મોંઘી મીઠાઈ નથી લાવી શકતા પણ બાળકો હોય છે જે કાજુ કતરી ખાવા માટે જીદ્દ કરતા હોય છે તો તેમની માટે આ એક બહુ બેસ્ટ ઓપશન છે.

જો કે શીંગ ખાવી એ હેલ્થ માટે પણ બેસ્ટ ઓપશન છે. મને તો કાચી શીંગ અને સાથે ગોળ ખાવો એ ખુબ પસંદ છે. ચાલો ફટાફટ તમને શીખવાડી દઉં શીંગ કતરી બનાવવા માટેની સરળ અને રેસિપી.

  • કાચા શીંગદાણા – એક કપ (તમે શેકેલા પણ લઈ શકો પણ એ વધારે પડતા શેકેલા ના હોવા જોઈએ નહિ તો કતરીનો રંગ શ્યામ પડી જશે)
  • ખાંડ – અડધો કપ
  • પાણી – અડધાનો અડધો કપ
  • અમુલ દૂધનો પાવડર – એક નાનું પેકેટ
  • ઘી – એક ચમચી

શીંગ કતરી બનાવવા માટેની સરળ રીત

સૌથી પહેલા કાચા શીંગદાણાને શેકી લઈશું. શીંગને શેકવાની છે પણ પણ બહુ ડાઘ પડવા દેવાના નથી જેથી તમારી શીંગ કતરી શ્યામ ના થાય અને સફેદ બને. શીંગ શેકાતી હોય ત્યારે થોડી થોડીવારે હલાવતા રહેજો જેથી શીંગ બધી બાજુથી બરોબર શેકાઈ જાય. હવે શીંગના ફોતરાં ઉતારી લેવા બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે શીંગ પર થોડું પણ ફોતરું ના રહે.

હવેનું કામ પણ થોડું સાચવીને કરવાનું છે, છોતરા કાઢેલ શીંગને મીક્ષરના નાના કપમાં લો અને તે શીંગને ક્રશ કરો. પણ ક્રશ એવીરીતે કરવાનું છે કે શીંગનો બારીક ભૂકો થાય, મિક્ષરને સતત ચાલુ રાખવાથી શીંગમાંથી તેલ છૂટું પડશે અને ભૂકો નહિ થાય પણ થોડા ગઠ્ઠા જેવું થશે. તેના માટે જયારે શીંગ ક્રશ કરો ત્યારે મિક્ષરના બટનને થોડી થોડીવારે ઊંધું ફેરવો અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહો.

વિડીયો રેસીપી :

YouTube video player

હવે ક્રશ થયેલ શીંગના ભૂકાને ચારણી વડે એક થાળીમાં ચાળી લો. હવે ચળાઈ ગયેલ શીંગના ભુકામાં અમુલ દૂધનો પાવડર ઉમેરો. બંનેને બરોબર મિક્સ કરી લો અને એકબાજુ મૂકી ડો. હવે એક લોયામાં ખાંડમાંથી ચાસણી બનાવવા માટે મુકીશું. ખાંડમાં હવે પાણી ઉમેરો. ખાંડ ઓગળે એટલે તમે ચેક કરી શકો છો અને તમારે એક તારની ચાસણી બનાવવાની છે.

હવે એ ચાસણીમાં શીંગ અને દૂધના પાવડરનું બનાવેલ મિશ્રણ ઉમેરીશું. બધું બરોબર મિક્સ કરી લઈશું, જેથી ચાસણી, દૂધનો પાવડર, અને શીંગનો ભૂકો બધું બરોબર મિક્સ થઇ જાય. હવે આ મિશ્રણમાં આપણે એક ચમચી ઘી ઉમેરીશું. હવે બીજી તરફ એક ડીશ કે થાળીને ઘી લગાવીને ગ્રીસ કરી લઈશું જેમાં કતરી પાડવાની હોય.

હવે શીંગ કતરી માટે તૈયાર થયેલ મિશ્રણને ગ્રીસ કરેલ થાળીમાં લઈશું અને ચમચી કે ચમચાની મદદથી થાળીમાં મિશ્રણ પાથરી લઈશું. (ચમચી કે ચમચો જે પણ લો તેને ઘી વાળું કરજો જેથી બહુ ઈઝીલી પથરાઈ જાય.) તમે ઈચ્છો તો હાથથી પણ આ મિશ્રણ થાળીમાં ફેલાવી શકો છો.

જો ચાંદીની વરખ હોય તો તમે તેની પાર પાથરી શકો છો, ના હોય તો પણ ટેસ્ટમાં કોઈ ફર્ક પડવાનો નથી. હવે ઠંડુ થાય એટલે થોડીવાર પછી મનગમતો આકાર આપીને કટ કરી લો પણ આપણે નામ આપ્યું છે શીંગ કતરી તો તેને ડાયમંડ શેપમાં જ કટ કરજો. બસ હવે આ શીંગ કતરી ખાવા માટે તૈયાર છે પણ પહેલા એક બાઈટ ભગવાનને ધરાવજો પછી ઉપયોગમાં લેજો.

વિડીયો રેસીપી :

YouTube video player

તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો તો શું બીજી સારી રેસિપી તમને આપવા માટે પ્રેરણા મળે. બસ ત્યારે આવજો, ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી લઈને, આવજો અને હા આ વાનગી એકવાર જરૂર બનાવજો બાળકો ખુશ થઇ જશે.

error: Content is protected !!
Exit mobile version