પિંડું – કાશ વ્યક્તિનું મગજ પણ આટલી સરળતાથી બધી વાતોને સમજી અને વિચારી શકે.
‘પિંડું’
સમાચાર પત્રની અંદર છપાયેલી ખબર સારી હોય કે ખરાબ , અરાજકતા વાળી હોય કે શાંતિની , વિખવાદની હોય કે સમાધાનની એથી શું ફર્ક પડે છે! ફેરિયાવાળા ભાઈ તો એ બધી જ ખબરોનું પિંડું વાળી નાખે છે. આ તો આપણે છીએ કે એ ખબરના પિંડાને ખોલીને વાગોળીએ છીએ.
ઘરે ઘર છાપા (સમાચાર પત્ર) ની delivery કરતાં ફેરિયાભાઈને તમે તમારા કે કોઈના ઘરે છાપાને પિંડું વાળીને નાખતાં જોયા જ હશે. બે -ત્રણ માળના એપાર્ટમેંટમાં એ તો નીચેથી જ પિંડું વાળેલૂ છાપું નાખે છે અને એ પણ એક્દમ ચોક્કસ ઘરની બાલ્કનીમાં જઇ ને જ પડે. આવા થ્રો જો ક્રિકેટમાં થાય તો બાઉન્દ્રી પરથી પણ સ્ટંપનું નિશાન તેઓ ન ચૂકે એટલું પરફેક્ટ કામ તેઓનું હોય છે.
એ છાપાવાળા ભાઈ પાસે સમયસર સમાચાર પત્રો એના પાઠકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી હોય છે. તેઓ તે જ કામ કરે છે અને એ પણ સમયનો વ્યય કર્યા વિના તેઓ આ કામ કરે છે કેમ કે તેઓની પાસે છાપા વહેચવા સિવાય અન્ય કામ સુધી પણ પહોંચવું જરૂરી હોય છે.
ઉપરોક્ત પ્રસ્તાવના પરથી એ કહેવા ચાહું છું કે એ છાપાવાળા ભાઈ દરેક છાપાને પિંડું વાળી જે તે ઘર સુધી પહોચાડી જતો રહે છે. એને મન પણ એની પોતાની સમસ્યા હશે એની ના નહીં પણ એ અહી અભિવ્યક્ત નથી કરતો એ બધી જ ખબરોનું પિંડું વાળી નાખે છે. એના પરથી આપણે એક સારા વાચક તરીકે એ શીખવાનું છે કે સમસ્યા વિષે વિચારી વિચારી એને ભેગી કરવાને બદલે એનું નિરાકરણ લાવી સમાધાનનો માર્ગ શોધવો રહ્યો.
માથે હાથ મૂકીને એને પકડી ના રાખવી જોઈએ. અને જો સારી ખબર હોય, સારો આર્ટીકલ (લેખ) હોય તો આપણે એનું કટિંગ કરી યાદગીરી રૂપે સાચવીએ પણ છીએ. જ્યારે આપણે એ પિંડું વાળેલું છાપું ખોલી સીધું કરીએ છીએ ત્યાં સુધીમાં આપણાં મનમાં ઘણા વિચારો ઉપસી આવતા હોય છે. કે આજે શું હશે છાપામાં!? સારી ખબર હોય તો સાચવી રાખવી ને નકારાત્મક ખબરોનું છાપાવાળાની જેમ પિંડું વાળી દેવું જ સારું.
અને છેલ્લે : ખબર સારી હોય કે નરસી છાપાની જેમ એ સાંજના વાસી જ થઈ જતી હોય છે. ને આપણે મનુષ્યો તો રોજ નવી ખુશી અને રોજ નવી સમસ્યાઑ સાથે જીવવા ટેવાઇ ગયા છીએ એ વાત પણ નકારી ન શકાય. ખુશીને એક સારા લેખને જેમ સાચવીએ છીએ એમ હ્રદયની ફાઇલમાં સકારાત્મક ખબરો સાચવી રાખીએ અને નકારાત્મક ખબરોનું પિડું વાળીને પસ્તીમાં જવા દઈએ.
ઉત્તરાયણ આવે જ છે એ સંદર્ભમાં પણ ‘પિંડું યથાર્થ ઉપાય તરીકે કારગર નીવડે એમ છે કે સમસ્યામાં વધારે ગુચવાડો ઊભો થાય એ પહેલાં એનું પિંડું વાળી લેવું જ સારું આ તો જસ્ટ વાત
લેખક : © નરેન કે સોનાર ‘પંખી
ખુબ સારી અને સમજવા જેવી વાત કહી નરેનભાઈએ તમારા વિચારો કોમેન્ટમાં જણાવજો.