ઝટપટ ઇદડા – હવે જયારે પણ સુરતના ફેમસ ઇદડા ખાવાનું મન થાય તો આ સરળ રીતે બનાવજો બધાને ખુબ પસંદ આવશે.
ઝટપટ ઇદડા :
ઝટપટ ઇદડા ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. એ એક પ્રકારના વ્હાઈટ ખાટા ઢોકળા છે. પ્લેટમાં ઢોકળાં કરતા થોડું પાતળુ લેયર કરીને તેને સ્ટીમરમાં કુક કરવામાં આવે છે. આથો આવવાની પરફેક્ટ પ્રોસેસથી જ ઇદડા, ઢોકળા વગેરે સરસ ખાટા અને સોફ્ટ – સ્પોન્જી બને છે.
અહીં હું આપસૌ માટે ઇન્સટન્ટ ઇદડાની રેસીપી લાવી છું. જે લોટમાંથી બનાવ્યા છે, જેથી ચોખા અને અડદની દાળ પલાળવાની પ્રોસેસ માઈનસ થઇ ઝટપટ બની જાય છે. ઘણીવાર ઇદડા ખાવા કે બનાવવા હોય તો પણ લાંબી પ્રોસેસના કારણે બનાવી શકાતા નથી. કેમકે અગાઉથી તૈયારી કરવી પડતી હોય છે. જેમાં સમય વધારે લાગતો હોય છે.
ઇન્સટન્ટ ઇદડા પણ ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે. તેના પર માત્ર સ્પ્રીન્કલ કરેલા અધકચરા કરેલા મરી અને કોથમરીથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે. તમે ઇચ્છો તો તેમાં આદુ મરચા, લસણની પેસ્ટ ઉમેરી વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો. પરંપરાગત રીતે તો કાળા મરીથી તેને ટેસ્ટી અને હેલ્ધી બનાવવામાં આવે છે. થોડી જ સામગ્રીમાંથી બની જતા આ ઈન્સ્ટન્ટ ઇદડાની મારી રેસીપી ફોલો કરીને તમે પણ ચોક્કસથી બનાવજો.
ઇન્સટન્ટ ઇદડા બનાવવા માટેની સામગ્રી :
- ૪ બાઉલ ચોખાનો જીણો લોટ
- ૨ બાઉલ અડદનો લોટ
- ખાટી છાશ જરૂર મુજબ – ખીરું બનાવવા માટે
- ૧ પેકેટ ઈનો ફ્રુટ સોલ્ટ
- ૪-૫ ટેબલ સ્પુન ઓઈલ જરૂરમુજબ – ખીરુમાં ઉમેરવા માટે
- ઓઈલ – પ્લેટ ગ્રીસ કરવા માટે જરૂર મુજબ
- ઓઈલ – બનેલા ઇદડા પર બ્રશિંગ કરવા માટે
- ૨ ટેબલ સ્પુન અધકચરા ખાંડેલા મરી
- બારીક સમારેલી કોથમરી
- સોલ્ટ સ્વાદ મુજબ
ઇન્સટન્ટ ઇદડા બનાવવાની રીત :
મોટા વાસણમાં ૪ બાઉલ ચોખાનો લોટ અને ૨ બાઉલ અડદનો લોટ લઇ તેને મિક્ષ કરી લ્યો. તેમાં ખાટી – હૂંફાળી ( ફ્રીઝમાંથી કાઢેલી –ઠંડી છાશ વાપરવી નહિ. ઠંડી છાશથી પરફેક્ટ આથો નહિ આવે) છાશ જરૂર મુજબ મિક્ષ કરેલા લોટમાં ઉમેરી મિક્ષ કરતા જઈ ઢોકળા જેવું ખીરું બનાવો.
તેને હેન્ડ વ્હિસ્કર કે ચમચા વડે એકદમ ફીણી લ્યો. ઢાકીને ગરમ જગ્યાએ ૭-૮ કલાક માટે મુકી આથો આવવા દ્યો. ૭-૮ કલાક બાદ ખોલીને એકદમ આથો આવી ગયેલા આ ખીરુને ફરીથી સરસ ફીણી લ્યો.
હવે તેમાં ૧ ટેબલ સ્પુન સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. ત્યારબાદ પ્લેટને ઓઈલથી ગ્રીસ કરી લ્યો અને સ્ટીમરમાં પાણી ઉમેરી ગરમ મુકો. એક પ્લેટમાં ઢોકળા કરતા પાતળું લેયર થાય એટલું ખીરું અલગ કાઢી લ્યો.
હવે તેમાં ૧ ટેબલ સ્પુન જેટલું ઓઈલ અને ૧ ટી સ્પુન ઈનો ફ્રૂટ ઉમેરી મિક્ષ કરી સરસથી ફીણી લ્યો. તેમ કરવાથી તેમાં સરસ બબલ્સ આવશે અને ખીરું ફ્લફી થઇ જશે.
હવે સ્ટીમરમાં વરાળ નીકળવા લાગે એટલે તેમાં ઓઈલથી ગ્રીસ કરેલી પ્લેટ મૂકી તેમાં ઈનો મિક્ષ કરેલું ખીરું ઉમેરી પાતળું લેયર કરો. હવે તેમાં ઓલ ઓવર થોડા અધકચરા કરેલા મરી સ્પ્રીન્કલ કરી સ્ટીમરનું ઢાકણ ઢાંકીને ૫-૭ મિનીટ સ્ટીમ કરો.
ચપ્પુ વડે ચેક કરી લ્યો. બરાબર ક્લીન ચપ્પુ ઇદડામાંથી બહાર આવે એટલે ઈદડા સર્વ કરવા માટે રેડી છે. હવે ઇદડાની પ્લેટ બહાર કાઢી, બીજી પ્લેટ પણ એજ રીતે મુકો. આ પ્રમાણે બધા ઇદડા સ્ટીમ કરી લ્યો. રેડી થયેલા ઇદડાની પ્લેટમાં તરતજ બ્રશ વડે ઓઈલ લગાવી દ્યો.
તેમ કરવાથી ઇદડા સરસ સ્પોન્જી રહેશે. અને શીંગતેલનો સરસ ટેસ્ટ આવશે. ત્યારબાદ ૫ મિનીટ ઠરવા દ્યો. તેમાં ચપ્પુ વડે સ્ક્વેર કટ કરી ઇદડા પર કોથમરી સ્પ્રીન્કલ કરી સર્વીગ પ્લેટમાં સર્વ કરો.
ખુબજ સ્પોન્જી, ટેસ્ટી અને હેલ્ધી તથા શીંગ તેલ તથા મરીની ફ્લેવરવાળા ઇન્સટન્ટ ઇદડા સર્વ કરવા માટે રેડી છે. આ ઇદડા શીંગ તેલ, ગ્રીન ચટણી કે કેચપ સાથે પણ સર્વ કરવાથી ખુબજ ટેસ્ટી લાગશે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો. હવે જલ્દી બનતા સ્પોન્જી ઇદડા લેવા બહાર નહિ જવું પડે. ઘરના નાના મોટા દરેક લોકોને ખાવા ખૂબજ પસંદ પડશે.
સાભાર : શોભના વણપરિયા
યૂટ્યૂબ ચેનલ : Leena’s Recipes (અહીંયા ક્લિક કરો)
દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.