પ્રેમલગ્ન – દીકરો કરવા માંગે છે પ્રેમલગ્ન પણ પરિવારમાં આજસુધી કોઈ નથી થયું એવું જે આવું કરે..
ઘર નું વાતાવરણ કાલ રાતથી જ તંગ હતું.અને હોય પણ કેમ નહિ જે કુટુંબ ની સાત પેઢી માં કોઈએ પ્રેમલગ્ન અંગે વિચાર સુદ્ધા નહોતો કર્યો એવા કુટુંબના વંશજ મિહિરે ગઈ રાત્રે જ પોતાના પરિવાર ને એના અને સલોની વિશે જણાવેલું. મિહિર ની વાત સાંભળી એના દાદા દાદી એ તો એની ગણતરી લાજ શરમ નેવે મૂકી દેનાર વ્યક્તિઓમાં કરી નાખેલી. એની પુરી વાત સાંભળ્યા વગર જ “તમતમારે તમને ફાવે એમ કરો”એમ કહી એ ત્યાંથી છટકી ગયેલા. રહ્યા હું અને અશોક. પોતાના દીકરા મિહિર ની લાગણીઓને સમજતા મને જરા સરખી પણ વાર ન લાગી. પણ અશોક નું મન કચવાતું હતું. અને અશોક ના ચહેરા ના બદલાયેલા ભાવ જોઈ મિહિર નબળો પડતો જતો હતો એ મેં અનુભવ્યું. મેં અશોક ના ખભે હાથ મુકતા બસ એટલું જ કહ્યું
“અશોક, મિહિર આપનો દીકરો છે. શુ તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી? એકવાર સલોની અને એના પરિવાર ને મળી લેવા માં શુ વાંધો છે” “હા પપ્પા…મમ્મી સાચું જ કહી રહી છે. એકવાર તમે મળી લો પછી જો તમને ઠીક નહિ લાગે તો હું તમેં કહેશો ત્યાં પરણી જઈશ” મિહિર વચ્ચમાં જ બોલી ઉઠ્યો.
મારી અને મિહિર ના વાત અશોક ના ગળે ઉતરી એટલે આખરે એમને સલોની અને એના પરિવાર ને એકવાર મળી લેવામાં મંજૂરી આપી. અને હરખપદુડા મિહિરે બીજા દિવસ ની જ બન્ને પરિવાર ની મુલાકાત ગોઠવી દીધી. રાત્રે બધું કામ આટોપી છેલ્લે જ્યારે આખા ઘર માં એક ચક્કર મારી લેવાની રોજ ની આદત મુજબ ફરી રહી હતી ત્યાં જ મિહિર ના રૂમ પર નજર પડી. બારી ની બહાર જાણે કઈ શોધી રહ્યો હોય એવી મુદ્રા માં બેઠેલો મિહિર થોડો ઉદાસ જણાઈ રહ્યો હતો. દીકરા નું દુઃખ માઁ થી વધુ કોણ સમજી શકે. મેં એના ખભે હાથ મુક્યો ત્યાં જ એ મને વળગી પડ્યો. રડમસ અવાજે માંડ એટલું બોલી શક્યો
“મમ્મી, પપ્પા ને જો સલોની અને એનો પરિવાર અનુકૂળ નહિ આવે તો…” બાકી ની ખાલી જગ્યા એની આંખમાંથી ટપકી પડેલા આંસુ એ પુરી કરી. એને માથા પર પંપાળતા બસ એક જ વાત કહી મેં “બેટા, તારા પ્રેમ પર વિશ્વાસ રાખ. તું બસ સલોની ના પરિવાર ને ગમી જાય એની તૈયારી કર. બીજું બધું મારા પર છોડી દે” આ સાંભળતા જ મિહિર ફરી એકવાર મને વળગી પડ્યો.
“Mamma..you are too good” કહી એને પોતાના બેડ પર છલાંગ લગાવી. એની આ ખુશી જોઈને હું હસી પડી. એક માતા તરીકે પોતાના દીકરા ના દિલ ની વાત સમજી શકવા માં હું જરાય પાછી નથી પડી એ વાત નો આજે ગર્વ થઈ રહ્યો હતો. આખરે પ્રેમ ની વાતો તો જેને પ્રેમ કર્યો હોય એ જ સમજી શકે. પછી હું તો એ પ્રેમની રમત માં હારેલો સિપાહી હતી. હું તો સમજી શકું એની વાત ને. પ્રેમ પામવાની એની કોશિશ ને હું સફળ કરવા માગતી હતી.અને એટલે મેં અશોક ને એકવાર સલોની ના પરિવાર ને મળી લેવા મનાવી લીધા હતા. એ રાતે મિહિરને તો શાંતિથી ઊંઘ આવી ગઈ. અશોક પણ ઘસઘસાટ સુઈ ગયા. પણ મારી આંખે તો જાણે ઊંઘ સાથે રિસામણા કરી લીધા હતા. રહી રહી ને બસ એનો જ ચહેરો સાંભરી આવતો હતો. સફળ લગ્ન જીવન ના 25 વર્ષ બાદ આમ આજે અચાનક એનું યાદ આવવું મારા મન ને પણ ખટક્યું. પણ યાદો ને ક્યાં કોઈ દરવાજા અટકાવી શકે. એ તો જરાક ભીનાશ દેખાય કે દોડી આવે એની હાજરી પુરાવવા.
આજે પણ યાદ છે મને મારો કોલેજ નો પ્રથમ દિવસ. ઘરનું વાતાવરણ પહેલેથી જ રૂઢિચુસ્ત એટલે કોલેજ માં ફક્ત ભણવા જ જવાનું છે એ શબ્દો ગોખાઈ ગયેલા. ના કોઈ નવા કપડાં નો ઠઠો….ના નવા મિત્રો બનાવવા નો ઉમળકો..બસ કઈક કરી બતાવવા ના લક્ષ્ય સાથે હું કોલેજ માં દાખલ થઈ. રંગબેરંગી વ્યક્તિત્વ ધરાવતા ઘણાબધા છોકરા છોકરીઓ ને જોઈ મારી આંખી અંજાઈ ગયેલી. કોલેજ નો ઠાઠમાઠ નિહાળી રહેલી હું આમતેમ જોઈ રહી હતી ત્યાં જ સામે 3 4 છોકરાઓનું ટોળું જાણે મારુ જ સ્વાગત કરવા ઉભું હતું.
મારા કપડાં પરથી જ મને “બહેનજી ” નું ટેગ ચિપકાવી દીધેલું. રેગીંગ માટે હું જાણે પહેલેથી જ પોતાની જાત ને તૈયાર કરીને આવેલી. મારા જેવી બીજી ઘણી છોકરીઓ પણ નતમસ્તક થઈ ત્યાં ઉભેલી જ હતી. એ છોકરાઓ કઈ બોલવા જાય ત્યાં જ કોઈના આંખ ના ઈશારા માત્રથી એમને ત્યાંથી ચાલતી પકડી. મેં પાછળ વળી ને જોયું તો એક અત્યંત દેખાવડો યુવાન અમારી પાછળ ઉભો હતો. પાંચ હાથ પૂરો અને એ આકર્ષક નાક નકશો જોઈ ઘડીભર હું એને જોઈ જ રહેલી. અમને રેગીંગ થી બચાવવા બદલ ત્યાં ઉભેલી છોકરીઓ એનો આભાર વ્યક્ત કરી રહી હતી.
પણ હું તો એના વ્યક્તિત્વ માં એટલી અંજાઈ ગઈ હતી કે કઈ જ બોલી ન શકી.
પછી થી ખબર પડી કે એ છોકરીઓના ટોળા માં એની બેન પણ હતી જે મારા જ કલાસ માં હતી. એની બેન સાથે ધીમે ધીમે મિત્રતા કેળવાઈ ગઈ હતી. એટલે હવે થોડો ઘણો પરિચય નીરજ સાથે પણ કેળવાઈ ગયેલો. હા નીરજ નામ હતું. અમારા કરતા એક વર્ષ આગળ ના વર્ગ માં હતો એટલે અમારો સિનિયર જ વળી. પહેલી જ નજર માં જાણે એ મારા હૈયે વસી ગયેલો. પણ એનો હંમેશા છોકરીઓથી ઘેરાયેલો કોલેજ સમય મને પોતાની જાત પર હસાવતો એમ થતું કે કયા હું બહેનજી અને ક્યાં એ આ કોલેજ નો હીરો. વિચારો મેં ને વિચારો માં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી.
સવારે રોજના સમયે ઉઠી. ચા નાસ્તો અને ઘરનું કામ આટોપી હું સલોની ના માતા પિતા ને મળવા તૈયાર થવા લાગી.અશોક અને મિહિર તો ક્યારનાય તૈયાર થઈ સોફા પર ગોઠવાઈ ગયા હતા. સાડી પહેરી હું અરીસા સામે ઉભી રહી. ત્યાં જ એક પતંગિયું મારી આસપાસ ઉડવા લાગ્યું. અને એ જોઈ ફરી મન ચડ્યું ચકડોળે. નીરજ પણ આમ જ ફરતો રહેતો હતો ને મારી આસપાસ. કોલેજ ના દિવસો પસાર થતા ગયા તેમ તેમ મને ખ્યાલ આવતો ગયો કે મારો પ્રેમ એકતરફી ન હતો. નીરજ ને પણ હું ગમવા લાગી હતી. બસ એટલે જ એ કોઈના કોઈ બહાને મારી આસપાસ રહેવાનો પ્રયત્ન કરતો રહેતો. એ પ્રત્યક્ષ ન રહી શકે તો એની નજરો તો મારી આસપાસ જ ફર્યા કરતી.
હું પણ ક્યારેક એને અને એની આ નજરો ને ત્રાંસી નજરે જોઈ લેતી. ઘણીવાર માંરી અને એની નજર પણ એક થઈ જતી પણ પછી હું નજર ફેરવી લેતી. કોલેજ ની કેન્ટીન માં ખૂણા ના ટેબલ પર બેઠેલા નીરજ ની એ બત્તીશી જોવી મને ખુબ ગમતી. એ ક્યારેય ઓછું વધતું ન હસતો. હંમેશા ખિલખિલાટ જ હસતો. એની એ બત્તીશી જાણે મારા દરેક દિવસ ને વધુ સારો બનાવતી. એની એ ઝીણી ઝીણી આંખો અને એ આંખું નું મારી સામું જોયા કરવું એ જાણે મારુ રૂટિન બની ગયું હતું. એને ઘણીવાર એની બેન દ્વારા એનો પ્રેમ સંદેશો પહોંચાડવા ના પ્રયત્ન કરેલા. પણ પપ્પા ની બીક જ એવી હતી કે હું હા કે ના કોઈ જવાબ જ ન આપી શકી. હું બસ એને અને એના પ્રેમ ને અવગણતી રહી.
એક દિવસ આમ જ હું કોલેજ માં પ્રવેશી. સામેથી આવતા નીરજ ને જોયો. એનો એ ગોરો ચહેરો અને એ ચહેરા પર મહાપરાણે ફૂટેલા મૂછ અને દાઢી મા એ સોહામણો લાગી રહ્યો હતો. બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ એને વધારે આકર્ષક બનાવી રહી હતી. એમાંય પેલી બત્તીશી તો ખરી જ જે એના ચહેરા પર ચાર ચાંદ લગાવી રહી હતી. જોત જોતા માં એ મારી સાવ નજીક આવી ને ઉભો રહી ગયો. મિત્રતા નો પ્રસ્તાવ મુકવા આવેલા નીરજ ને મેં લગભગ જાટકી જ કાઢેલો. હું જાણતી હતી કે હું આમ નહિ કરું તો એ આમ જ મારી પાછળ ફર્યા કરશે. પ્રેમ તો મને પણ અપાર હતો પણ એ પ્રેમ ની કોઈ દિશા ક્યારેય દેખાય એમ જ નહોતી અને એ વાત હું સારી પેટે જાણતી.
એ દિવસ બાદ પરીક્ષા શરૂ થઈ અને ત્યારબાદ નીરજ નું ભણવાનું પૂરું થયું. એ બત્તીશી હવે કોલેજ માં દેખાતી બંધ થઈ ગઈ. એ બાદ પણ એને એકાદ વાર પોતાની બેન મારફત મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ હું મારા નિર્ણય પર મક્કમ રહી. મારુ પણ ભણવાનું પૂરું થયું કે તરત જ અશોક સાથે પરિવાર ની મરજીથી લગ્ન લેવાઈ ગયા. લગ્નજીવન ખુશીઓથી ભરેલું રહ્યું. પણ કોણ જાણે કેમ આજે રહી રહી ને નીરજ નો ચહેરો મારી નજરો ની સામે તરવરી રહ્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે એક આંસુ ની ટીપું આંખ માંથી પડું પડું થઈ રહ્યું હતું. માંડ જાત પર કાબુ મેળવી માથા માં સેથો પુરી હું ફરી એકવાર અરીસા સામું જોઈ બહાર નીકળી.
અશોક અને મિહિર મારી જ રાહ જોઈ રહ્યા હોય એમ મને જોઈને જ ઉભા થઇ ગયા. અશોકે ગાડી કાઢી અને અમે નીકળ્યા સલોની અને એના માતાપિતા ને મળવા. પ્રથમ મુલાકાત માટે એક કેફે ની પસંદગી કરેલી ત્યાં અમે નક્કી કરેલા સમયે પહોંચી ગયા. સામે જ સલોની એની માતા સાથે અમારી રાહ જોઈ ઉભી હતી. મિહિર અને સલોની એકબીજા ની સામું શરમાતા વદને જોઈ લીધું. એકબીજા ની ઓળખાણ આપ્યા બાદ અમે એક ટેબલ પર ગોઠવાયા. સલોની દેખાવ માં ખૂબ જ સુંદર અને સંસ્કારી હતી. પહેલી જ મુલાકાત માં એ અમારી સાથે હળીમળી ગઈ હતી. અશોક ને પણ સલોની વહુ તરીકે પસંદ આવી ગઈ હોય એમ જણાતું હતું. ખાસ વાત હતી સલોની નું એ નિખાલસ હાસ્ય જે ભલભલા ને એની તરફ આકર્ષી જતું. જોતજોતામાં તો બંને પરિવાર જાણે વર્ષો ની ઓળખાણ ધરાવતા હોય એમ વાતો કરવા લાગ્યા. આ જોઈ સલોની અને મિહિર ના જીવ માં જીવ આવ્યો. મિહિરે રમૂજ સાથે કહ્યું
“મમ્મી મારા લગ્ન બાદ તમારા બંને માંથી એક નું નામ બદલવું પડશે” “કેમ મિહિર બેટા આમ કહે છે” સલોની ની માતા એ પૂછી લીધું “મામ્મા મિહિર ની મમ્મી નું નામ પણ સલોની જ છે” સલોની એ મિહિર વતી ઉત્તર આપ્યો. અને અમે બધા હસી પડ્યા. “મામ્મા ડેડી ને બહુ વાર લાગી ને..હું જરા એક ફોન કરી જોઉં એમને” કહેતા સલોની ફોન લઈ અમારાથી જરા દૂર ચાલી ગઈ. “સલોની એના પપ્પા ને ખૂબ જ વ્હાલી છે. એ એના ડેડી ને ખૂબ જ પ્રેમ કરે છે” સ્લોનીની મમ્મી એ સલોની અને એના પિતા વચ્ચે ના વ્હાલ ને બતાવતા કહ્યું. “અને હું પણ સલોની ને ખૂબ જ ચાહું છું” પાછળથી એક આધેડ નો અવાજ સંભળાયો.
સલોની” ડેડી” કહેતા એમને બાજી પડી. મિહિર એમને પગે લાગ્યો. અશોકે એમની સાથે હાથ મિલાવ્યો.આશ્ચર્યવશ મેં બસ એમની સામે જોયા કર્યું. એ જ ગોરો ચહેરો….એ જ નાક નકશો….બસ વાળ થોડા સફેદ થઈ ગયેલા..મહાપરાણે ફૂટી નીકળેલી એ મૂછ અને દાઢી સમય સાથે પરિપક્વ થઈ ગયેલા.શરીર થોડું વધેલું જણાયું. ચહેરો ઉંમરની સાથે થોડો કરચલીઓ વાળો થઈ ગયેલો. અકબંધ હતી તો બસ એ બત્તીશી. એ બીફિકર હાસ્ય.
હા એ નીરજ જ હતો. સલોની અને મારા નામ માં સામ્યતા નું રહસ્ય મેં કળી લીધું. એનો પ્રેમ એને હજી પણ પોતાની દીકરી ના નામ માં જીવંત રાખ્યો હતો. બધા જ વાતો કરી રહ્યા હતા પણ હું તો જાણે સાવ મૂંગી જ થઈ ગઈ હતી. નસીબ માં હશે તો ક્યાંક મળી જ જઈશું એવું સાંભળ્યું હતું પણ આજે જોઈ પણ લીધું. પણ આમ આ રીતે મળી જઈશું એવું ક્યારેય નહોતું વિચાર્યું. આખરે સલોની અને મિહિર ના સંબંધ પર આંખ ની મહોર મારી અમે છુટા પડ્યા.
“પ્રેમલગ્ન મુબારક તમને બન્ને ને” કહેતા નીરજ મિહિર અને સલોની ને બાજી પડ્યો “બધા ના નસીબ માં નથી હોતા આ પ્રેમલગ્ન…અમુક ના નસીબ માં તો પ્રેમ પણ નથી હોતો” નિરજે ફિલોસોફર ના અંદાજ કહ્યું. અને મારી આંખ માં સવારથી અટકી રહેલું એ આંસુ વહી ગયું
લેખક : કોમલ રાઠોડ “અનિકા”
તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.