35ની ઉંમર પછી દરેક સ્ત્રીએ દિનચર્યામાં કરવા જોઈએ આ ફેરફાર

35ની ઉંમર પછી દરેક સ્ત્રીએ દિનચર્યામાં કરવા જોઈએ આ ફેરફાર

જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ દરેક વ્યક્તિએ તેની દિનચર્યામાં ફેરફાર કરવા જરૂરી છે. તેમાં સૌથી પહેલા બદલવી જોઈએ ખાણીપીણીની આદતો… આ વાતનું ધ્યાન ખાસ કરીને સ્ત્રીઓએ વધારે રાખવું જોઈએ. મહિલાઓ જ્યારે 35ની ઉંમરને પાર કરે છે ત્યારે તેમણે સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સજાગ રહેવું જોઈએ. જો આ ઉંમરે પણ સ્વસ્થ રહેવું હોય તો કેટલીક આદતોને બદલવી જોઈએ. અન્યથા અનેક બીમારીઓ શરીરને ઘેરી વળે છે અને તે તંદુરસ્તી માટે યોગ્ય નથી.

બહારનું ખાવા-પીવાની આદત

મહિલાઓને બહારની ખાણીપીણીનો શોખ પુરુષો કરતાં વધારે હોય છે. પરંતુ 35ની ઉંમર પછી આ શોખ ભારે પડી શકે છે. કારણ કે આ ઉંમરમાં બીમારી ઝડપથી શરીરમાં ઘર કરી શકે છે. આ ઉંમરે સ્ત્રીના શરીરમાં અનેક ફેરફાર થઈ જતાં હોય છે તેના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જતી હોય છે. તેવામાં બહારનું ખાવાપીવાની આદત ભારે પડી શકે છે.

પૂરતાં પ્રમાણમાં પાણી ન પીવું

સ્વાસ્થ્ય સારું રહે તે માટે જરૂરી છે પૂરતાં પ્રમાણમાં પાણી પીવું. મહિલાઓને દિવસભરમાં ભારે દોડાદોડી કરવી પડતી હોય છે. તેવામાં શરીર ડિહાઈડ્રેટ થવાની શક્યતા વધારે હોય છે. શરીરને પાણીની જરૂર સૌથી વધારે હોય છે. જો પૂરતાં પ્રમાણમાં પાણી પીવાની આદત ન હોય તો પણ શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. જો કે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન કોલ્ડડ્રીંક્સ કે અને ઠંડાપીણા પીવા પણ યોગ્ય નથી. દિવસ દરમિયાન પાણી જ સૌથી વધારે પ્રમાણમાં શરીરમાં જવું જોઈએ.

નાસ્તો કરવાની ખોટી રીત

મહિલાઓને નાસ્તો કરવાની આદત હોય છે, દિવસ દરમિયાન કામ-કાજ કરતી વખતે તો નાસ્તો થતો જ રહે છે પરંતુ કેટલીક મહિલાઓને આદત હોય છે કે તેઓ રાત્રે પણ સૂતાં પહેલા નાસ્તો કરે છે. આ આદત સૌથી પહેલા બદલી દેવી જોઈએ. રાતના સમયે ભુખ લાગતી હોય તો ફળ ખાવાનો આગ્રહ રાખવો, કેલેરીયુક્ત નાસ્તા રાત્રે કરવાનું બંધ કરી દેવું.

કસરત ન કરવી

મહિલાઓને દિવસભર કામ આપો તો તે કરવા તૈયાર હોય છે પરંતુ મોટાભાગે તેઓ કસરત કરવાનું ટાળે છે. આ આદત તેમને વધતી ઉંમરે તકલીફ કરાવે છે. આમ તો દરેક ઉંમરએ કસરત જરૂરી છે પરંતુ તે આવશ્યક બની જાય છે 35ની ઉંમરે. આ ઉંમરે કસરત વધારે જરૂરી હોય છે.

ચા કે કોફીનું વધારે પ્રમાણમાં સેવન કરવું

જે સ્ત્રીઓને આદત હોય દિવસમાં બેથી વધારે વખત ચા કે કોફી પીવાની તેમણે આ આદત છોડી દેવી જોઈએ. આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થાય છે.

નાસ્તો ન કરવો

ઘરના કામ કરવાની ઉતાવળમાં મહિલાઓ સવારનો નાસ્તો કરવાનું ટાળતી હોય છે. પરંતુ આમ કરવું પણ યોગ્ય નથી. સવારનો નાસ્તો ખૂબ જરૂરી હોય છે. તેથી નિયમિત રીતે નાસ્તો કરવો જ જોઈએ તેમાં પણ તમારી ઉંમર જ્યારે 30થી વધારે હોય ત્યારે શરીરને આ પોષણ આપવું જરૂરી છે.

error: Content is protected !!
Exit mobile version