તીખી અને મસાલેદાર ચટણી જે દરેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ભળી જશે.
કેમ છો મિત્રો, આપણા દરેકના ઘરમાં સાઉથ ઇન્ડિયન વાનગીઓ બનતી જ હોય છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સાથે તમે નારિયળ અને શીંગદાણાની ચટણી તો ખાતા અને બનાવતા જ હશો પણ આજે હું લાવી છું એક તીખી અને મસાલેદાર ચટણીની રેસિપી જે ચટણી તમે ઢોસા, ઈડલી, ઉત્તપા અને અપ્પમ સાથે આનંદથી ખાઈ શકશો. હવે જયારે પણ કોઈપણ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવો તો આ ચટણી જરૂર બનાવજો. મને ખાતરી છે તમારા ઘરમાં બધાને ખુબ પસંદ આવશે.
સામગ્રી
- તેલ – વઘાર કરવા માટે
- જીરું – અડધી ચમચી
- ચણાની દાળ – એક ચમચી
- લસણ – ચાર થી પાંચ કળીઓ
- ડુંગળી – બે મીડીયમ
- ટામેટા – બે મીડીયમ
- લાલ સૂકા મરચા – ચાર થી પાંચ નંગ
- હળદર – અડધી ચમચી
- ગરમ મસાલો – એક ચમચી
- મીઠું – જરૂર મુજબ
- લાલ મરચું – અડધી ચમચી
- હિંગ – એક ચપટી
1. સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકીશું
2. હવે એ તેલમાં જીરું અને ચણાની દાળ ઉમેરીશું. બંને બરાબર તતડવા દેવાના છે.
3. હવે તેમાં લસણની કળીઓ ઉમેરો
4. લસણની કળીઓ તતડે એટલે તેમાં હિંગ અને સૂકા લાલ મરચા ઉમેરો
5. હવે તેમાં ડુંગળી સમારીને ઉમેરો.
6. ડુંગળી સહેજ પિન્ક થાય એટલે તેમાં ટામેટા સમારીને ઉમેરો.
7. હવે તેમાં મસાલો કરીશું જેમાં હળદર, ગરમ મસાલો, મીઠું ઉમેરો.
8. હવે બધું બરાબર મિક્સ કરો. ટામેટાને એકદમ ગળી જવા દેવાના નથી. અધકચરા ચઢવા દેવાના છે.
9. હવે ટામેટા ચઢે એટલે તેમાં લાલ મરચું ઉમેરો. લાલ મરચું પહેલા ઉમેરવાથી તે બળી જશે અને જોઈએ એવો ટેસ્ટ નહિ આવે.
10. હવે બધું બરાબર મિક્સ કરી લો. અને આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે.
11. હવે ઠંડુ થાય એટલે એ મિશ્રણને મિક્સરના નાના કપમાં લઈ લો.
12. હવે તેને એકદમ ક્રશ કરી લો. અને તૈયાર છે તમારી આ તીખી સાઉથ ઇન્ડિયન રેડ ચટણી જે તમે ઢોસા, ઈડલી, ઉત્તપા અને અપ્પમ સાથે આનંદથી ખાઈ શકશો.
તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહિ. આવી જ બીજી પરફેક્ટ અને નવીન રેસિપી સાથે ફરી મળીશું. આવજો.