પ્રેમ – સાપુતારા ફરવાનું છે કહી ને દીકરી ભાગી હતી પ્રેમી સાથે, પછી અચાનક આવી રીતે આવી પાછી.
પ્રેમ
પપ્પા ની રાહ જોતી બેઠી ઝંખના પપ્પા આવ્યા એ સાથે જ એમની સામે ગોઠવાઈ ગઈ…..પોતાની લાડલી દીકરી આમ સામે આવી ને બેઠી છે એનું કારણ જાણતા હોય એમ દિનેશ ભાઈ એ પૂછ્યું “બોલ બેટા….શુ કહેવું છે મારી ઢીંગલી ને?”
“અરે મારા કહેતા પહેલા જ તમે તો સમજી ગયા પપ્પા…..પપ્પા કોલેજ માંથી બધા ફ્રેન્ડ્સ 2 દિવસ માટે સાપુતારા ફરવા જઇ રહ્યા છે..મારી ખાસ બહેનપણી શ્રુતિ પણ જવાની છે….મારે પણ એમની સાથે જવું છે..હું જાઉં પપ્પા?” ઝંખના આજીજી કરતા બોલી “લે તે એમાં કઈ આટલી આજીજી કરવાની હોય….તું તારે જા…”દિનેશભાઇ એ જવાબ આપ્યો ને ઝંખના ઉછળતી કૂદતી ખુશ થતી પોતાના રૂમ માં ચાલી ગઈ…બીજા દિવસે રાત્રે 10 વાગે મિત્રો સાથે સાપુતારા જવા રવાના થવાનું હતું એટલે એને પેકીંગ શરૂ કરી દીધું….
“તમે જરૂર કરતાં વધારે છૂટ આપી ને જ આ છોકરી ને બગાડી છે…..કાલે સવારે પરણી ને સાસરે જાય ને તો જજો ભેગા એને લાડ લડાવવા” દિનેશભાઇ ના પત્ની નારાજગી ના સ્વર માં દિનેશભાઇ તરફ ગુસ્સો કરતા બોલી રહ્યા હતા.. “હા …જો એના સાસરીવાળા ને વાંધો ન હોય તો હું ચોક્કસ જઈશ મારી દીકરી સાથે એના સાસરે” મજાક ના સ્વર માં દીનેશભાઈએ જવાબ આપ્યો અને બન્ને પતિ પત્ની હસી પડ્યા…
બીજા દિવસે સવાર થી જ ઝંખના રાત પડવાની રાહ જોવા લાગી…રોજ કરતા એ આજે વધારે ખુશ જણાઈ રહી હતી…અને એને આમ ખુશ જોઈ દિનેશભાઇ અને એમના પત્ની પણ ખુશ હતા…સમય દોડતો પસાર થઈ ગયો…સાંજે બને એટલું જલ્દી જમવાનું પતાવી ઝંખના એ ફરી એકવાર પેકીંગ કરેલા સામાન પર નજર ફેરવી લીધી..કઈ રહી નથી જતું ને એની તપાસ પણ કરી જોઈ…આખરે 10 વાગ્યા અને ઝંખના પોતાનું બેગ લઈ ઘર બહાર જવા નીકળી
“બેટા…..તને મૂકી જઉં હું?….” દિનેશભાઇ એ પાછળથી સાદ પાડતા કહ્યું “ના,પપ્પા..બધા મિત્રો અહીંયા આપણા ઘર ની ગલી ની બહારથી જ મને લઈ જવાના છે…તમે ચિંતા ન કરશો હું જતી રહીશ” કહેતા ઝંખના ચાલી નીકળી… ઘરથી થોડે દુર પહોંચતા જ એને પોતાના ઘર તરફ જાણે એક છેલ્લી નજર કરતી હોય એમ જોઈ લીધું….મનોમન મમ્મી પપ્પા સામે ખોટું બોલી એની માફી પણ માંગી લીધી…અને પછી નીરવ ને ફોન જોડ્યો “હેલો નીરવ..હું ઘરેથી નીકળી ચુકી છું….તું ક્યાં છે?”
“બસ હું 5 મિનિટ માં જ પહોંચ્યો” સામે છેડેથી નિરવે જવાબ આપ્યો અને ફોન કપાઈ ગયો…નીરવ ની રાહ જોતી ઝંખના ભૂતકાળ માં સરી પડી…આજ થી 5 વર્ષ પહેલાં જ્યારે કોલેજ માં પગ મૂક્યો ત્યારે અનાયાસે જ નીરવ સાથે અથડાયેલી..અને એ અથડામણ માં જ બંને ના હૈયા જાણે અદલાબદલી થઈ ગયા….રોજ લાયબ્રેરી માં વાંચવા જતી ઝંખના ને નીરવ પણ દેખાતો..ધીમે ધીમે મૈત્રી બંધાઈ….અને આ મૈત્રી પ્રેમ માં પરિણમી…..બંને યુવાન હૈયા માં પાંગરેલો પ્રેમ નો છોડ મોટો થતો ચાલ્યો…એકબીજા વગર જાણે જીવવું અઘરું થઈ પડ્યું…બાળકો ના નામ સુધ્ધાં વિચારી રાખેલા આ યુવાનો હવે જીવન ના એવા વળાંક પર આવી ને ઉભા રહ્યા હતા કે હવે બંને ના ઘરે લગ્ન ની વાતો ચાલી રહી હતી….માં બાપ ને એકવાર પણ કહેવાની હિંમત એકઠી ન કરી શકનાર ઝંખના અને નીરવ આખરે ઘરથી ભાગી ને લગ્ન કરવા માટે તૈયાર થયા હતા….અને આખરે આજે એ ઘડી પણ આવી જ ગઈ.
નીરવ પોતાની બાઇક લઈ આવી ચડ્યો….એને ઝંખના પાસે આવી ને બાઇક ઉભું કરી દીધું…ઝંખના ભૂતકાળ માંથી બહાર આવી…નીરવ ને જોતા વેંત એને વળગી પડી….એમને કરેલો પ્લાન સફળ થાય એ માટે જ એમને સાપુતારા નું બહાનું બનાવેલું જેથી કરી ને 2 દિવસ સુધી એમના ભાગી જવાની જાણ કોઈને થાય નહિ અને એ બંને પોતાની પ્રેમ ની દુનિયા માં બને એટલા દૂર જઇ શકે….પ્રેમી પંખીડા એકબીજા ના પ્રેમ માં એકાકાર થઈ જવા નીકળી પડ્યા હતા…શહેર ની બહાર આવેલા એક મિત્ર ના ફાર્મ હૉઉસ પર બંને જણા રોકાયા….બંને વચ્ચે અનહદ પ્રેમ હતો…પણ એ પ્રેમે હજી સુધી મર્યાદા ની હદ વટાવી નહોતી..બંને પરિપક્વ હતા અને એથી પણ વધુ પરિપક્વ હતો એ બંને નો પ્રેમ…..બંને ને દેહ મેળવવા કરતા મન મેળવવા માં વધુ રસ હતો..અને આ જ વાત બંને ના પ્રેમ ને વધુ ગાઢ બનાવતી…બંને એ રાત્રે ફાર્મ હાઉસ પર જ રોકાયા…સવારે ઉઠી ને તૈયાર થઈ બંને નજીક માં આવેલ મંદિરે પહોંચી ગયા…નક્કી કર્યા મુજબ મંદિર માં લગ્ન કર્યા બાદ બંને ક્યાંક દૂર ચાલ્યા જશે..
ઝંખના એ અગાઉથી જ તૈયારી કરી રાખી હતી…..પોતાની માતા ની લાલ રંગ ની સાડી એને ખૂબ ગમતી…એ સાડી એ પોતાની સાથે લઈ આવી હતી..સાડી પહેરેલી ઝંખના રોજ કરતા પણ આજે વધુ સુંદર લાગી રહી હતી એ નિરવે પણ અનુભવ્યું…બંને જણા લગ્ન ન ઉત્સાહ માં હતા….મંદિર ના પગથિયાં ચડી રહેલી ઝંખના એ છેલ્લા પગથિયે પહોંચતા જ સામે એક નાનકડી છોકરી ને મંદિર ના ઘંટ વગાડવા માટે મહેનત કરતા જોઈ….એના કેટલાય પ્રયત્ન બાદ પણ એ ઘંટ સુધી ન પહોંચી શકી ત્યારે એકાએક એક પુરુષે એને ઊંચકી ને ઘંટ સુધી પહોંચાડી…નાનકડી છોકરી એ જોશ માં આવી જોરથી ઘંટ વગાડ્યો…એના ચહેરા પર ખુશી છવાઈ ગઈ..
“you are too good daddy” કહેતા એ નાનકડી દીકરી પેલા પુરુસ ને બાજી પડી…ઝંખના ને પોતાના પિતા સાંભરી આવ્યા….એમને પણ આમ જ સહારો આપીને એને ભણાવી ગણાવી હતી ને…એનું મન બેચેન થઈ ગયું…પોતાના મન ને વાળવા એને પોતાનું ધ્યાન બીજી તરફ વાળ્યું…પણ ફરી ફરી ને પેલી છોકરી જ એની આંખો સમક્ષ આવી જતી..એની કાલીઘેલી ભાષા માં એ અસંખ્ય સવાલો પૂછી રહી હતી અને એના માતા પિતા એના દરેક સવાલ નો બમણા ઉત્સાહથી જવાબ આપી રહ્યા હતા….મંદિર માં દર્શન કર્યા બાદ પેલી નાનકડી છોકરી ના માતા પિતા મંદિર ના ઓટલે બેઠા અને એ છોકરી એમની આસપાસ દોડાદોડી કરી રહી હતી…..બંને પતિ પત્ની વાતો માં મશગુલ હતા..અચાનક આજુબાજુ જોયું તો એમની એ નાનકડી દીકરી ક્યાંય દેખાઈ નહોતી રહી..બંને અધીરા બની ગયા…પોતાની નાનકડી દીકરી ને શોધવા આમ તેમ ગાંડા ની જેમ દોડવા લાગ્યા…દૂર એક ઝાડ નીચે ખિસકોલી સાથે રમતી એમની નાનકડી દીકરી જોઈ એમના જીવ માં જીવ આવ્યો…આ સમગ્ર ઘટના જોતાવેંત જ ઝંખના નું મન પોકારી ઉઠ્યું
“મને અત્યાર સુધી લાડકોડ માં ઉછેરનાર ની નજરો સમક્ષ થી હું પણ આમ ઓઝલ જ થઈ ને આવી ગઈ છું ને….એમની શુ દશા થશે જ્યારે એ જાણશે કે એમની વ્હાલસોયી એમને મૂકી ને ચાલી ગઈ” ઝંખના ના આંખ ના ખુણા ભીના થઈ ગયા..બીજી જ ક્ષણે એને નીરવ ને કહી દીધુ .”સોરી નીરવ પણ હું તારી સાથે આમ લગ્ન નહિ કરી શકું”. નીરવ ના તો જાણે પગતળે થી જમીન ખસી ગઈ…ઝંખના ને અપાર ચાહતો નીરવ તો જાણે ભાંગી જ પડ્યો..
“શુ થયું ઝંખના આમ અચાનક તને…કેમ આવી વાતો કરીને મને બીવડાવી રહી છે” નિરવે ડૂમો ભરાયેલા અવાજે કહ્યું “હું તને ડરાવી નથી રહી..સાચું કહી રહી છું…હું મારા ઘરે પાછી જવા માંગુ છું નીરવ” ઝંખનાએ પોતાનો નિર્ણય જણાવતા નીરવ ને કહ્યું “તું મારી સાથે આમ ન કરી શકે…..આપણે છેલ્લા 5 વર્ષ થી એકબીજા ના પ્રેમ માં છે….આવો વિશ્વાસઘાત હું નહિ ઝીરવી શકું ઝંખના” કહેતા નીરવ રડી પડ્યો
“નીરવ હું પણ તને ખૂબ જ ચાહું છું…પણ જો તું 5 વર્ષના પ્રેમ માં વિશ્વાસઘાત ન જીરવી શકતો હોય…તો મારા માતા પિતા મને મારા જન્મ સમયથી પ્રેમ કરે છે…છેલ્લા 22 વર્ષથી કાંઈ જ અપેક્ષા રાખ્યા વગર એ મારા પર એમનો પ્રેમ વરસાવી રહ્યા છે..જેને મારા લગ્ન ન અગણિત સપના જોયા છે…..હું તારી સાથે આમ ભાગી ને લગ્ન કરી લઉં એ વિશ્વાસઘાત એ કઈ રીતે જીરવી શકશે….મને માફ કરજે પણ હું તારી સાથે લગ્ન નહિ કરી શકું” ઝંખના ચોધાર આંસુ એ રડતા રડતા બોલી જાણે ઝંખના ની વાતો એ નિરવને હચમચાવી મુક્યો…પોતે કોઈ બહુ ખોટું કામ કરતા અટક્યો હોય એમ એને પણ ઝંખના ની વાતો સમજાઈ
“ઝંખના તારી વાત સાચી છે…આપના માટે બધું જ ત્યજી દેનાર આપના માતાપિતા ને આપણે ક્ષણિક પ્રેમ માં ત્યજી દઈએ એ તો યોગ્ય નથી જ..ચાલ આપણે બંને ઘરે પાછા વડીએ” કહેતા નીરવ અને ઝંખના મંદિર ની બહાર નીકળ્યા…નિરવે પોતાનું બાઇક હંકારી મૂક્યું અને સાંજ સુધી બંને પોતપોતાના ઘરે પહોંચી ગયા એકબીજા ને ફરી ક્યારેય ન મળવાનો વાયદો કરી ને…એકબીજા ના પ્રેમ ને ભુલાવી પોતાના માબાપ ના સપના સાર્થક કરવા લાગણીઓનું બલિદાન આપી દીધું. 2 દિવસનું કહી ને ગયેલી ઝંખના ને વહેલી ઘરે આવેલી જોઈ દિનેશભાઇ એ પૂછી લીધું “કેમ બેટા વહેલી આવી ગઈ…તું તો 2 દિવસ નું કહી ને ગઈ હતી ને”
“પપ્પા એક બહેનપણી ની તબિયત ખરાબ થઈ એટલે અમે વહેલા પાછા વળ્યા” એટલું કહી ઝંખના એ વાત વાળી લીધી અને સીધી જ રૂમ માં ચાલી ગઈ..એ રાત્રે એ જમી પણ નહીં…કદાચ થાક ના કારણે ભૂખ ન લાગી હોય અને ઊંઘ આવતી હોય એમ સમજી એના માતાપિતા એ એને કોઈ પ્રશ્ન ન કર્યા..બીજા દિવસે સવારે ઝંખના ઉઠી ને તૈયાર થઈ બહાર આવી…કોલેજ નું ભણતર હવે પૂરું થયું હતું…ઝંખના ને જોતા જ એની મમ્મી એ એના હાથ માં ચા નો કપ પકડાવ્યો..રસોડા માં નાસ્તો લેવા ગયેલી મમ્મી પરત ફરે એ પહેલાં તો ચા નો આખો કપ ઝંખના ગટગટાવી ગઈ…અને સીધી જ બહાર હીંચકે બેઠી…સાપુતારા જઇ ને આવ્યા બાદ ઝંખના શાંત થઈ ગઈ હતી એ એના માતા પિતા બંને એ અનુભવ્યું…એને ખુશ કરવા ના બનતા બધા જ પ્રયત્નો કરતા એના માતા પિતા ને ઝંખના જોયા કરતી…પણ એના માટે નીરવ ને ભૂલવો કપરો હતો…..15 દિવસ આમ જ નીકળી ગયા પણ એના માતાપિતા એ એને હસાવવા નો એક મોકો પણ જવા નહોતો દીધો…આખરે પોતાના માતાપિતા ની ખુશી માટે ઝંખના પણ ધીમે ધીમે ખુશ રહેવા લાગી…હસવા બોલવા લાગી…અને ઝંખના ને આમ ખુશ જોઈ એના માતા પિતા ને તો જાણે શેર લોહી ચડ્યું…
એક રાતે જમવા ના ટેબલ પર દિનેશભાઇ એ વાત ચલાવી “ઝંખના હવે મોટી થઈ રહી છે…એનું ભણવા નું પણ પૂરું થઈ ગયું છે….તો હવે આપને એના લગ્ન અંગે વિચારવું જોઈએ હેને” “હા હું ય તમને આ જ કહેવાની હતી…કે હવે કોઈ સારો છોકરો જોઈ ઝંખના ને પરણાવી દઈએ” ઝંખનાની માતા એના પિતા ના સુર માં સુર પરોવતા બોલી. ઝંખના મૂંગી જ રહી…એની આંખ ના ખુણા ભીના થઈ ગયા..પણ માતાપિતા જોઈ ન જાય એમ એને એની આંખો લૂછી નાખી.. “હા એટલે જ મેં મારા એક મિત્ર ના દીકરા માટે ઝંખના ની વાત ચલાવી છે…અને એ લોકો કાલે ઝંખના ને જોવા આવવાના છે” દીનેશભાઈએ કહ્યું
અત્યાર સુધી નીરવ ની યાદો માં જીવતી ઝંખના ને આજે નીરવ ખૂબ યાદ આવી રહ્યો હતો….જો છોકરા વાળા ને ઝંખના ગમી જાય અને બધું બરાબર પાર પડે તો ઝંખના ના લગ્ન થઈ જશે…એ વિચારે ઝંખના થોડી ઢીલી પડી ગઈ….પણ પછી બીજી જ ક્ષણે અત્યાર સુધી પોતાના દરેક સપના …પોતાની દરેક જીદ પુરી કરનાર એના માતાપિતાને જોઈ એને પોતાનુ દુઃખ ભુલાવી દીધું…માં બાપ તરીકે શ્રેષ્ઠ પુરવાર થયેલા એના માતાપિતાની શ્રેષ્ઠ દીકરી બનવાનો મોકો એ ઝડપી લેશે એવો મક્કમ નિર્ણય કરી એ પોતાની રૂમ માં ચાલી ગઈ..
બીજા દિવસે સવાર થી જ આવનારા મહેમાન ની આગતાસ્વાગતા ની તૈયારી શરૂ થઈ ગઈ હતી…મમ્મીએ જુદા જુદા નાસ્તા તૈયાર કરી રાખ્યા હતા…આખરે 11 વાગે છોકરો એના પરિવાર સહિત ઝંખના ને જોવા આવ્યો…ઝંખનાની માતાએ સૌને આવકાર આપ્યો…..થોડી ઔપચારિક વાતો કરી ત્યાં જ ઝંખના ચા નાસ્તો લઈ આવી…સૌને નીચી નજરે ચા આપતી ઝંખના જોવા આવેલા છોકરા તરફ જોઇ અચંબિત થઈ ગઈ…
“નીરવ તું…….?” ઝંખના ને જોવા આવેલો નીરવ કઈ બોલી ન શક્યો ને ખડખડાટ હસવા લાગ્યો…ત્યાં બેઠેલા સૌકોઈ હસવા લાગ્યા….ઝંખના ને કાઈ જ સમજાઈ નહોતું રહ્યું કે શું થઈ રહયુ છે..ત્યાં જ એની મુંજવણ દૂર કરવા દિનેશભાઇ બોલ્યા “હા..બેટા નીરવ……તને શું લાગતું હતું કે તું અમને વાત નહિ કરે તો અમને ખબર નહિ પડે” ઝંખના નીચું જોઈ ગઈ…એની આંખો માંથી આંસું દળદડ વહેવા લાગ્યા..
“પપ્પા મને માફ કરી દો….” બે હાથ જોડી ઝંખના બોલી “અરે ગાંડી….કઈ વાત ની માફી…..” “પપ્પા…મેં એક ખોટું પગલું ભર્યું એ વાત ની માફી” “અરે દીકરા સાચો માણસ એ જ છે જેને પોતાના ખોટા પગલાં ની જાણ થાય અને એને સુધારવા ના એ પ્રયત્ન કરે….અને તે પણ તો એવું જ કર્યું છે ને….મને તારા પર ગર્વ છે બેટા” “પણ પપ્પા તમે આ નીરવ વિશે કેવી રીતે જાણી શક્યા”
“બેટા જે રાત્રે તું સાપુતારા જવા નીકળી એના બીજા જ દિવસે સવારે મોર્નિંગ વોક કરવા જતી વખતે મેં તારી ખાસ મિત્ર શ્રુતિ ને સ્ફુટી લઈને જતા જોઈ…મને વિચાર આવ્યો કે શ્રુતિ અહીંયા કઈ રીતે હોઈ શકે એ તો સાપુતારા ગઈ હતી ને….પણ મેં મારા મન ને મનાવી લીધું…..ઘરે આવીને સીધો ઓફિસ જવા નીકળ્યો….બપોરે તારી સાથે વાત થઈ ત્યારે તને શ્રુતિ વિશે પૂછ્યું હતું તો તે તારી સાથે જ છે એમ કહ્યું એટલે મેં મારો વહેમ સમજી ને વાત ને ભુલાવી દીધી…..પણ જ્યારે સાંજે હું ઘરે પરત ફર્યો ત્યારે તને વહેલી ઘરે આવેલી જોઈ મને થોડી શંકા ગયેલી અને એ શંકા તારા બદલાયેલા વર્તનથી વધુ ગાઢ બની ગઈ અને એટલે જ મેં શ્રુતિ નો સંપર્ક કરી એને તારા વિશે પૂછ્યું…શરૂ માં તો એ ગભરાઈ ગયેલી એટલે કઈ જણાવવા નહોતી માંગતી પણ પછી એને મને તારા અને નીરવ ના પ્રેમસંબંધ ની વાત કરી અને હું તરત જ નીરવ ને મળવા પહોંચી ગયો” “હા બેટા…તારા પિતાજી સીધા અમારા ઘરે જ નીરવ ને મળવા આવેલા” નીરવ ના પિતા એ વાત ને સહકાર આપતા કહ્યું
“હું નીરવ ના પરિવાર ને મળ્યો….મને નીરવ અને નીરવ નો પરિવાર ગમ્યો…ઉલટ તપાસ માં પણ નીરવ ક્યાંય પાછો પડે એમ નહોતો..એટલે મેં નીરવ ના માતાપિતા સામે તમારા બંને ના લગ્નની વાત ચલાવી….ત્યારે મને નિરવે તારા અને એના ઘરેથી ભાગી જવા વાળી ઘટના કીધી…અને કઈ રીતે તું ફક્ત અમારા પ્રેમ ખાતર પોતાના પ્રેમ ને ત્યજી ને ઘરે પરત ફરી એ સઘળી હકીકત મારી સામે આવી….મને મારી દીકરી પર ….મારા સંસ્કાર પર ગર્વ છે બેટા”.આટલું કહેતા દિનેશભાઇ ની આંખ ભરાઈ ગઈ..ઝંખના દોડી ને એમને વળગી પડી…. “પણ મને તારા થી એક ફરિયાદ છે બેટા……તે નીરવ અંગેની વાત અમને કેમ ન જણાવી”.. “પપ્પા હું ડરતી હતી કે કદાચ તમે અને મમ્મી નીરવ ને નહિ સ્વીકારો તો…..બસ એટલે જ ન કહી શકી તમને”
“અરે મારા દીકરા……મારી ઢીંગલી એના માતાપિતા ના પ્રેમ માટે પોતાનો પ્રેમ ત્યજી શક્તી હોય તો અમારે તો બસ એ પ્રેમ ને સ્વીકારવા નો જ હતો ને ……તને સારા ખરાબ નું બરાબર ભાન છે બેટા…..એટલે તે નીરવ ને એમને એમ તો નહીં જ પસંદ કર્યો હોય ને…..અને તારી અત્યાર સુધી ની દરેક પસંદગી પર મને ગર્વ જ રહ્યો છે એ પછી નાનપણ માં રમકડાં ની હોય કે આ ઉંમરે જીવનસાથી ની” એટલું કહેતા દિનેશભાઇ એ પોતાની લાડકી નો હાથ નીરવ ના હાથ માં થમાવી દીધો.
લેખક : કોમલ રાઠોડ “અનિકા”
તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.