પાઉં – ભાજી સાથે ખાવા માટે પાઉં પણ હવે ઘરે જ બનાવો એ પણ કઢાઈમાં બેક કરીને.
કેમ છો મિત્રો? આજે હું તમારી માટે લાવી છું પાઉં બનાવવા માટેની સરળ રેસિપી. અવારનવાર આપણે અમુક વાનગીઓ માટે પાઉં બહારથી લાવવા પડે છે અને કોરોનાને લીધે બહારથી લાવવું એ બહુ સેફ રસ્તો નથી એટલે હવે મારી આ રેસિપીથી તમે પણ પાઉં ઘરે જ બનાવી શકશો. બહુ મહેનત નથી બસ દરેક સ્ટેપ બરાબર ધ્યાનમાં રાખશો તો પરફેક્ટ બનશે જ.
આ મારી બીજી ટ્રાય હતી અને પાઉં એકદમ પરફેક્ટ બની ગયા. તો ચાલો હવે તમારે પણ પાઉં બહાર બેકરીમાંથી લાવવા નહિ પડે ઘરે જ બનાવો શુદ્ધ અને હાઈજેનીક રીતે.
- મેંદો – એક કપ
- હૂંફાળું દૂધ – 120 ml
- યીસ્ટ – અડધી ચમચી
- ખાંડ – એક ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- બટર – બે ટેબલ સ્પૂન
- તેલ – જરૂર મુજબ
સૌથી પહેલા એક બાઉલમાં દૂધ લો. અને તેમાં યીસ્ટ ઉમેરો. દૂધ થોડું હૂંફાળું ગરમ લેવાનું છે. બંનેને બરાબર મિક્સ કરી લો. હવે એ મિશ્રણમાં મેંદાનો લોટ ઉમેરો. તેની સાથે સાથે મીઠું અને ખાંડ પણ ઉમેરી લો.
હવે તેનો એકદમ ઢીલો લોટ બાંધી લો. લોટ કેવો બાંધવાનો એનો અંદાજ અહીંયા આપેલ ફોટો પરથી લગાવી શકો છો. હવે બાંધેલ લોટમાં બટર મિક્સ કરી લઈશું. તેના માટે થોડું ઢીલું થયેલ બટર લોટમાં ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરી લો. બટરને બરાબર લોટમાં મિક્સ કરવું જેથી આપણા પાઉં બરાબર બને.
હવે તૈયાર થયેલ લોટને ઢાંકીને એકબાજુ મૂકી દો. લોટને દોઢ થી બે કલાક ઢાંકીને મુકવાનો છે. હવે તમે ખોલીને જોશો તો ખ્યાલ આવશે કે લોટની સાઈઝ વધી ગઈ હશે. હવે આ લોટને એક પાટિયા પર કે પ્લેટફોર્મ પર લો. જો તમે પ્લેટફોર્મ પર લેવાના હોવ તો પહેલા તેલ લગાવો અને પછી તેની પર લોટ મુકો. હવે લોટ પર પણ તેલવાળો હાથ ફેરવી લો. હવે લોટમાંથી ફોટોમાં બતાવ્યા પ્રમાણે ભાગ કરી લો.
હવે દરેક ભાગને છુટા પાડી લો. હવે એક એક લુવાને તેલવાળા હાથમાં લઈને બરાબર ગોળ વાળીને તૈયાર કરો. લોટને પ્લેટફોર્મ પર લઈએ ત્યારે જ જે ડબ્બામાં કે ટીનમાં પાઉં બનાવવાના હોય એને પણ તેલ લગાવીને રેડી કરો. હેવ ફોટોમાં બતાવ્યા પ્રમાણે દરેક લુવાને ગોળ કરીને ડબ્બામાં કે ટીનમાં ગોઠવી દો.
હવે ડબ્બાને એક કપડાથી ઢાંકી દો અને તેની પર એક ડીશ કે થાળી ઢાંકી લો. 30 મિનિટ પછી ચેક કરશો તો ખ્યાલ આવશે કે પાઉં બનાવવા માટે મુકેલ લોટના લુવા ટીનમાં ફૂલી ગયા હશે. હવે એક બ્રશની મદદથી તેની પર કાચું દૂધ લગાવી લો. હવે એક કઢાઈ કે ઢોકળીયામાં કાંઠલો મૂકીને ગરમ કરો. હવે એ લુવા મુકેલ ટીનને એ કઢાઈ કે ઢોકળિયામાં મુકો.
30 મિનિટ બેક થાય એટલે તમારા પાઉં તૈયાર થઇ ગયા છે એમ સમજવું. હવે એ તૈયાર થયેલ પાઉં પર બ્રશની મદદથી બટર લગાવી લો. હવે એ પાઉંને થોડીવાર કપડું ઢાંકી લો. હવે જો તમારા પાઉં પરફેક્ટ બન્યા હશે તો કોઈપણ ચપ્પા કે બીજા કોઈની પણ મદદ વગર ટીન ઊંધું પાડતા જ પાઉં બહાર આવી જશે.
બસ તો તૈયાર છે તમારા પાઉં જે તમે પાઉં ભાજી, મિસળ પાઉં કે એવી બીજી ઘણી વાનગીમાં વાપરી શકશો. તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.