મૂળાની ભાજીનું બેસનવાળું શાક – ત્રણ દિવસ સુધી સારું રહે છે આ શાક.

કેમ છો મિત્રો? જય જલારામ. આજે હું આપની માટે લાવી છું મૂળાની ભાજીનું બેસણવાળું શાક બનાવવા માટેની સરળ રેસિપી. આ શાક તમે બપોરના ભોજનમાં બનાવીને ખાઈ શકો છો. આ શાક તમે રોટલી, ભાખરી અને રોટલા સાથે પણ ખાઈ શકશો. મૂળા આપણે સલાડમાં ખાતા હોઈએ છે અને જયારે લેવા જઈએ ત્યારે ભાજી કઢાવી નાખતા હોઈએ છીએ પણ હવે ભાજી સાથે જ લાવજો અને આ ટેસ્ટી અને મસાલેદાર શાક જરૂર બનાવજો. પણ હા ખાસ વાત : મૂળો, મોગરી અને દહીં બપોર પછી નહિ ઓકે ચાલો ફટાફટ શીખી લઈએ આ સરળ અને ટેસ્ટી રેસિપી.

સામગ્રી

  • મૂળાની ભાજી – 250 ગ્રામ
  • ચણાનો લોટ – એક નાની વાટકી (બેસન)
  • મરચું – સ્વાદ મુજબ
  • મીઠું – સ્વાદ મુજબ (રીતમાં જણાવેલ સ્ટેપ ફોલો કરો.)
  • ધાણાજીરું
  • ગરમ મસાલો
  • હળદર

શાક બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા આપણે મૂળાની ભાજીને સમારીને ધોઈને કોરી કરી લેવી.

2. હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મુકીશું.

3. હવે એ તેલમાં લીલા મરચા, લસણ અને આદુ જીણું સમારીને ઉમેરવું. હવે આની સાથે જ આપણે એ ગરમ તેલમાં અડધી ચમચી જીરું ઉમેરી લઈશું.

4. બધું બરાબર તતડે એટલે તેમાં હિંગ ઉમેરો.

5. હવે આમાં આપણે ધોઈને સમારેલ અને કોરી કરેલી મૂળાની ભાજી ઉમેરી લઈશું.

6. હવે અહીંયા ખાસ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે ભાજી તમે ઉમેરશો ત્યારે તેનું પ્રમાણ વધારે લાગશે એટલે આપણે એ ભાજી જ્યાં સુધી શોષવાય નહિ જાય ત્યાં સુધી તેને હલાવી લઈશું. મસાલા પણ આપણે ભાજી શોષવાઈ જાય પછી જ ઉમેરીશું જેથી એકદમ માપસરના મસાલા થઇ જાય.

7. હવે ભાજી શોષવાઈ જશે એટલે તેમાં આપણે મસાલા કરીશું તેમાં મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી લઈશું.

8. મૂળાની ભાજીમાં તેની પોતાની પણ થોડી ખારાશ હોય છે એટલે આપણે મીઠું એ ધ્યાનમાં રાખીને જ ઉમેરી લઈશું.

9. હવે આને આપણે થોડીવાર માટે ઢાંકીને થવા દઈશું જેથી મસાલા બરાબર ચઢી જાય.

10. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું અને પછી તેની પર બેસન ઉમેરી લઈશું. બેસનને ઉમેરીને શાક હલાવવાનું નથી (તમે વિડીઓમાં જોઈ શકો છો કે બેસન સાથે શું પ્રોસેસ કરવાની છે.)

11. હવે આને આપણે ઢાંકીને ચઢવા દઈશું. થોડીવારમાં બેસન બરાબર ચઢી જશે તમને લોટ કાચો લાગે તો મૂંઝાવું નહિ એ બેસન પણ વરાળથી ચઢી જ ગયું હશે.

12. હવે તેને બરાબર હલાવી લેવું. બધું બરાબર હલાવી લેવું અને થોડીવાર તેને ધીમા તાપે ચઢવા દઈશું.

13. હવે તમે જોઈ શકશો કે શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું હશે એનો અર્થ થાય છે કે શાક બરાબર થઇ ગયું છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું.

આ શાક તમે બપોર પછી નહિ ખાઈ શકો એટલે જો વધારે બનાવ્યું હોય તો તેને વાટકી કે બીજા કોઈ માપના પાત્રમાં કાઢીને ફ્રીઝમાં મૂકી દો. અને જયારે પણ ખાવાનું મન થાય એટલે ફ્રીઝમાંથી કાઢીને ગરમ કરીને ખાઈ શકશો. આ શાક એટલું ટેસ્ટી બનશે કે તમારે વધશે જ નહિ અને જે મિત્રોના ઘરમાં બાળકો મૂળા કે તેની ભાજી નથી ખાતા તેમને પણ આ રીતે બનાવેલ શાક ખુબ પસંદ આવશે.

તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને હા ખાસ વાત મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ. પરફેક્ટ મૂળાની ભાજીનું શાક બનાવવા માટે વિડિઓ ખાસ જુઓ.

YouTube video player

error: Content is protected !!
Exit mobile version