મેથીના થેપલા – બહાર પેકેટમાં તૈયાર મળે છે એવા થેપલા.
કેમ છો મિત્રો? આજે હું લાવી છું થેપલા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. થેપલા એ એવી વસ્તુ છે જે લગભગ દરેક ગુજરાતીને પસંદ હોય છે જ, જયારે આપણા કોઈ મિત્ર કે સ્નેહી ક્યાંય ફરવા જવાના હોય કે પછી વિદેશ જવાના હોય આપણા બેગમાં થેપલા તો પહેલા હોય જ. હા બીજી પણ એવી ઘણી વસ્તુઓ છે જે આપણને જોઈએ જ પણ થેપલાની તો વાત જ અલગ છે.
હમણાં તમે પણ જોયું હશે કે ઘણી દુકાનોમાં પેકેટમાં થેપલા મળતા હોય છે જેમાં સાથે અથાણાંનું નાનું પાઉચ પણ આપવામાં આવે છે. એ થેપલા બહુ ટેસ્ટી લાગે છે અને એ થેપલાને એવી રીતે શેકવામાં આવતા હોય છે કે તે કાચા પણ ના લાગે અને ટેસ્ટ પણ મસ્ત આવે. તો આજે આપણે સેમ એના જેવા જ નહિ પણ એ થેપલાથી પણ વધુ ટેસ્ટી થેપલા બનાવીશું. ચાલો ફટાફટ શીખી લઈએ પરફેક્ટ થેપલા બનાવતા.
સામગ્રી
- ઘઉંનો જીણો લોટ – 500 ગ્રામ
- ચણાનો લોટ – 1 વાટકી
- લીલી મેથી – 250 ગ્રામ
- લીલા મરચા – 3 નંગ (વધારે તીખા બનાવવા હોય તો વધુ મરચા લેવા.)
- આદુ – એક નાનો ટુકડો
- લસણ – 10 થી 12 કળી
- તેલ – થેપલા શેકવા માટે
- કસૂરી મેથી – આના કારણે થેપલાંમાં મેથીની ફ્લેવર આવશે.
- તલ – એક ચમચી
- અજમો – અડધી ચમચી
- લાલ મરચું – અડધી ચમચી
- હળદર – અડધી ચમચી
- ધાણાજીરું – એક ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- હિંગ – એક ચપટી
થેપલા બનાવવા માટેની સરળ રેસિપી
1. સૌથી પહેલા આપણે લસણ, આદુ અને લીલા મરચાને મીક્ષરમાં બરાબર ક્રશ કરી લો, આ એકદમ પેસ્ટ જેવું ક્રશ કરવાનું છે.
2. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકીશું અને ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ ઉમેરવાની છે.
3. હવે આ વઘારમાં લીલી મેથી ધોઈને ઉમેરવી. આમાં મેથી સાથે થોડું મીઠું ઉમેરવું જેનાથી મેથી બરાબર ચઢી જશે અને થેપલામાં તેની ફ્લેવર સરસ ચઢી જશે.
4. હવે મેથી શોષવાઈ જાય એટલે કે ઉમેરી હતી તેનાથી ઓછું પ્રમાણ થઈ જાય એટલે ગેસ બંધ કરી લો.
5. હવે ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરો.
6. હવે લોટમાં આપણે મસાલો કરીશું લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, તલ અને અજમો હથેળીમાં મસળીને ઉમેરો.
7. સાથે કસૂરી મેથી પણ હથેળીમાં મસળીને ઉમેરો.
8. હવે બધું બરાબર મિક્સ કરો અને પછી તેમાં ક્રશ કરેલ લસણ, આદુ અને મરચાની પેસ્ટ ઉમેરો.
9. હવે તેમાં તેલમાં શેકેલ મેથી ઉમેરો આપણે આ જે ઉમેર્યું છે તેનાથી જ લોટ બાંધવાનો પ્રયત્ન કરીશું.
10. બધું બરોબર મિક્સ કરો અને પછી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીને શકો છો.
11. હવે બરાબર લોટ બાંધી લો. છેલ્લે હાથને તેલવાળા કરીને લોટને બરાબર બાંધી લો.લોટનેપરાઠાજેવોથોડોકઠણબાંધવાનોછે.
12. 10 થી 20 મિનિટ માટે આ લોટને ઢાંકીને મૂકી રાખો.
13. હવે લોટમાંથી માપસરનું લુંવું લઈને તેને ઘઉંના લોટના અટામણમાં રગદોળી લઈશું. આ સ્ટેપ પર ધ્યાન રાખજો કે તે લુવાને અટામણમાં ફક્ત એક જ વાર રગદોળવાનું છે, રોટલીમાં જેમ આપણે બીજીવાર લોટ લઈએ છીએ એવું આમાં કરવાનું નથી. તેનાથી થેપલા બરાબર શેકાશે નહિ.
14. હવે થેપલાને ફોટોમાં બતાવ્યા પ્રમાણે પાતળું વણી લો. આને બહુ જાડું નથી રાખવાનું પાતળી રોટલી જેવું વણવાનું છે.
15. હવે થેપલાને લોઢીમાં શેકવા માટે મુકો. એક બાજુ થોડા ડાઘ પડે એટલે ફેરવી લેવાનું છે. બહુ ડાઘ નથી પડવા દેવાના અને બહુ કડક પણ નથી શેકવાના.
16. હવે બંને બાજુ તેલ મૂકીને શેકી લો, થેપલું શેકતા હોવ ત્યારે તાવેથાથી થેપલાને બહુ દવબાવવાના નથી હલકા હાથે જ શેકવાના છે.
17. થેપલા શેકાય ગયા પછી તેને એકની ઉપર એક એવી રીતે ગોઠવવાના છે આમ કરવાથી આ થેપલા બહાર પેકેટમાં મળે છે તેના જેવા જ પરફેક્ટ બનશે. આ થેપલાને અથાણાં સાથે, દૂધ, ચા કે કોફી સાથે ખાવાની ખુબ મજા આવે છે.
તો હવે જયારે પણ ક્યાંય બહાર જવા માટેનો પ્લાન બને તો આ થેપલા જરૂર બનાવજો જેથી બહારથી તૈયાર થેપલા લેવા પડે નહિ આ થેપલા ત્રણ થી ચાર દિવસ માટે સારા રહે છે તો હવે જયારે પણ જરૂર પડે આ થેપલા બનાવજો.
તમને મારી આ થેપલાંની રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું આવી જ કોઈ પરફેક્ટ રેસિપી સાથે.
વિડિઓ રેસિપી :