મસાલેદાર અને હેલ્થી ખીચડી.

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લાવી છું એક સરસ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની રેસિપી. આપણા ગુજરાતી ઘરમાં ક્યારેય ખાવા માટે ગણતરી કરવાવાળા ઓછા લોકો મળે. કોઈપણ ઘરમાં જમવાનું બનાવે તો તેમાં ઘટે એવું તો ભાગ્યે જ બને હા, વધે ખરું પણ ઘટે તો નહીંજ. અમારા ઘરમાં અઠવાડિયામાં એકવાર કોરી દાળ એટલે કે તુવેરની દાળ જેને ઘણા મિત્રો છૂટી દાળ, લચકો દાળ પણ કહેતા હોય છે. આની સાથે કઢી, ભાત અને રોટલી બનાવવામાં આવે છે.

આજે હું આ સવારે બનાવેલ કોરી દાળ અને સાથે ખાતા વધેલ ભાતમાંથી યમ્મી મસાલેદાર ખીચડી બનાવતા શીખવાડીશ. આની સાથે તમે સવારની વધેલી કઢી પણ ખાઈ શકશો. જો તમે કઢી નથી બનાવી તો આ ખીચડી સાથે ખાવા માટે સ્પેશિયલ કઢી બનાવજો. બહુ ટેસ્ટી લાગે છે.

સામગ્રી

  • વધેલો ભાત – એક વાટકો
  • વધેલી કોરી દાળ – એક નાની વાટકી
  • ફુલાવર – જરૂર મુજબ
  • બટેકા – એક નંગ
  • રીંગણ – એક નંગ
  • વટાણા – એક મુઠ્ઠી
  • ટામેટા – એક મીડીયમ સાઈઝનું
  • લીલા મરચા – બે થી ત્રણ
  • આદુ – એક નાનો ટુકડો
  • મીઠો લીમડો – થોડો
  • ઘી – બે થી 3 ચમચી
  • જીરું – અડધી ચમચી
  • લાલ મરચું – એક થી દોઢ ચમચી
  • હળદર – અડધી ચમચી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • ધાણાજીરું -એક ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ

યમ્મી દાલ ખીચડી બનાવવા માટેની સરળ રેસિપી.

1. સૌથી પહેલા એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકીશું અને તેમાં જીરું ઉમેરીશું

2. જીરું તતડે એટલે તેમાં સમારેલ શાક ઉમેરીશું. (હજી આ શાકમાં તમારી પાસે ગાજર હોય તો એ પણ ઉમેરી શકો છો. સાથે સાથે ફણસી પણ ઉમેરી શકીએ.)

3. હવે શાક થોડું સાંતળાઈ જાય એટલે તેમાં આપણે મસાલો કરીશું. આ શાકમાં હળદર, મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરો.

4. બધું બરાબર હલાવી લો અને હવે તેમાં થોડું અડધા ગ્લાસથી પણ થોડું ઓછું પાણી ઉમેરો.

5. હવે પાણી ઉમેરીને આ બધું બરાબર ઉકાળવા દેવાનું છે.

6. રસો ઓછો થાય એટલે તેમાં સવારનો વધેલો ભાત ઉમેરી લઈશું

7. હવે આમાં વધેલી કોરી તુવેરની દાળ ઉમેરી લો.

8. હવવે આ બધું બરાબર મિક્સ કરી લો.

9. આ મિશ્રણને થોડીવાર ખદખદવા દેવાનું છે જેનાથી બધા મસાલા બરાબર ભળી જશે.

10. બસ તો રેડી છે આ યમ્મી દાલ ખીચડી જે ઘરમાં બધાને પસંદ આવશે અને એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે. અમારા ઘરમાં તો બધાને ખુબ પસંદ આવી છે આ ખીચડી. તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

error: Content is protected !!
Exit mobile version