આપણા ગુજરાતની ચા વાઘ બકરીનું પહેલું નામ શું હતું? કેવીરીતે થઇ શરૂઆત.
આપણા ગુજરાતની બ્રાન્ડ “વાઘ બકરી ચા” એ આજે વિશ્વમાં બહુ જ પ્રખ્યાત છે. આજે ફક્ત દેશમાં જ નહિ વિદેશમાં પણ અનેક લોકો આ ચાના દીવાના છે. આજે આપણા દરેકની સવાર ચા સાથે જ થાય છે. જયારે પણ કોઈને માથું દુખે કે આપણે કહીએ કે એક ચા આપો ને તો થોડું સારું લાગે. હા આજે અમે વાત કરવાના છીએ દેશ વિદેશમાં પ્રખ્યાત એવી વાઘ બકરી ચાની.
આ ચાની કંપનીની શરૂઆત વર્ષ 1934માં નારણદાસ દેસાઈએ કરી હતી. નારણદાસ દેસાઈએ દક્ષિણ આફ્રિકાથી પરત ગુજરાત આવીને આ વેપાર શરુ કર્યો હતો. આ ચાના વેપારને વધારવા માટે જ તેઓ આફ્રિકા ગયા હતા ત્યાં તેમણે 500 એકર જમીનમાં ચાનો બગીચો ખરીદ્યો હતો પણ અંગ્રેજી હુકુમત અને રંગના ભેદભાવને કારણે તેઓ આપણા દેશમાં પરત આવી ગયા હતા.
તેઓ મહાત્મા ગાંધીને પોતાના આદર્શ માનતા હતા. જયારે તેઓ પરત ભારત આવ્યા ત્યારે તેમની પાસે થોડો સામાન અને ગાંધીજી દ્વારા લખવામાં આવેલ એક ચિઠ્ઠી હતી. એ એક પ્રમાણપત્ર હતું જે જણાવતું હતું કે તેઓ ગુજરાતમાં પોતાનો ચાનો વેપાર શરુ કરી શકશે. આ પત્ર ગાંધીજીએ 12 ફેબ્રુઆરી 1915ના દિવસે લખ્યો હતો. તેમણે આ પત્રમાં નારણદાસજીના વખાણ કર્યા હતા સાથે તેઓ લખે છે “હું નારણદાસને દક્ષિણ આફ્રિકાથી ઓળખું છું ત્યાં તેઓએ ઘણા વર્ષો સુધી સફળ ચાના બગીચાનું ધ્યાન રાખ્યું હતું તેઓ અનેક ચાના બગીચાના મલિક રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ગાંધીજીના આ પત્ર દ્વારા જ તેમને ગુજરાતમાં પોતાનો ચાનો વેપાર કરવાની તક મળી અને બહુ જ ઓછા સમયમાં તેઓએ આપણા ગુજરાતમાં ચાની એક કંપની શરુ કરી.
દક્ષિણ આફ્રિકામાં આટલા સફળ રહ્યા પછી પણ તેઓએ ગુજરાતમાં નવેસરથી ચાના વેપારની શરૂઆત કરી હતી. સૌથી પહેલા તેમણે વર્ષ 1915માં ગુજરાત ટી ડેપોની શરૂઆત કરી અને પછી વર્ષ 1934માં ગુજરાત ટી ડેપોનું નામ બદલીને વાઘ બકરી રાખવામાં આવ્યું. ત્યારબાદ ધીરે ધીરે આ બ્રાન્ડ આખા દેશમાં નામના મેળવવા લાગી.
તમારું ધ્યાન આજસુધી આ વાત પર ગયું છે કે નહિ એ મને ખબર નથી પણ તમે ક્યારેય વાઘ બકરી ચાનો લોગો તમે ક્યારેય ધ્યાનથી જોયો છે? જો ના તો હવે આ મહિને ઘરે સામાન લાવો તો જરૂર નજર કરજો. પેકેટ પરના લોગો પર એક વાઘ છે અને એક બકરી છે જે બંને એક સાથે એક જ પાત્રમાંથી ચા પીતા દેખાઈ રહ્યા છે. આ લોગો વાઘ બકરીના મલિક નારણદાસે બહુ વિચારીને બનાવ્યો હતો. આ લોગો એ એકતા અને સાહસનું પ્રતીક દેખાય છે. આ લોગોમાં વાઘ એટલે કે ઉચ્ચ કક્ષાના લોકો અને બકરી એટલે નિમ્ન કક્ષાના લોકો બંનેને એકસાથે એક જ કામ કરતા બતાવ્યા છે. આ સામાજિક એકતાનું પ્રતીક છે.
આ ચાનું ઉત્પાદન હાલમાં અમેરિકા, કેનેડા, મધ્ય અને પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, મલેશિયા અને સિંગાપુરમાં પણ વેચવામાં આવી રહ્યું છે. આજે આ બ્રાંડની કિંમત 1500 કરોડ રૂપિયાથી પણ વધુ છે. રાજસ્થાન, ગોવા અને કર્ણાટક સહીત સંપૂર્ણ ભારતમાં આ ચા વાઘ બકરીનું સેવન કરવામાં આવે છે. આજે આ એક બહુ જ પ્રખ્યાત ચાની બ્રાંન્ડ બની ગઈ છે. આપણા ગુજરાતમાં તો નાના બાળકથી લઈને મોટા દરેક આ ચા પીવે છે. તમે કઈ ચા પીવો છો? અરે છોટુ એક કટિંગ આપ બકા.