ટોસ્ટ બ્રેડ – તમે બ્રેડ બહારથી તૈયાર લાવો છો?
બ્રેડ આજકાલ દરેક ઘરમાં બધાને ભાવતી હોય છે ગમે ત્યારે ભૂખ લાગે અને બાળકોને પૂછ્યે કે શું ખાશો અને એમાં પણ જો બ્રેડ બટર ઓપશન હોય તો તેઓ અવશ્ય એ જ સિલેક્ટ કરે. બસ તો હવે મારી આ રેસિપી શીખીને તમારે બ્રેડ બહારથી લાવવાની જરૂરત નહિ રહે. બહુ સરળ છે રેસિપી બસ બધા સ્ટેપ બરાબર ફોલો કરજો એટલે પરફેક્ટ બ્રેડ બનશે.
સામગ્રી
- મેંદો – 250 ગ્રામ
- યીસ્ટ – 1 ચમચી
- મીઠું – અડધી ચમચી
- દૂધ – અડધી વાટકી
- ખાંડ – 2 ચમચી
- મિલ્ક પાવડર – બે ચમચી
- બટર – 2 ચમચી
- તેલ – બે ચમચી
ટોસ્ટ બ્રેડ બનાવવા માટેની સરળ રેસિપી
1. સૌથી પહેલા આપણે યીસ્ટ એક્ટિવ કરવા માટેની પ્રોસેસ કરીશું. તેના માટે એક વાટકીમાં દૂધ લો. હવે તેમાં યીસ્ટ અને ખાંડ ઉમેરો બધું બરાબર મિક્સ કરી લો.
2. હવે એ વાટકીને બરાબર ઢાંકીને મૂકી દો. વાટકીને ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દો.
3. હવે એક બાઉલમાં મેંદાનો લોટ લો અને તેમાં મીઠું ઉમેરો.
4. હવે તેમાં અમુલ મિલ્ક પાવડર ઉમેરો.
5. હવે આપણે આ લોટમાં તેલનું મોણ અને એક્ટિવ યીસ્ટ ઉમેરીશું.
6. હવે પાણીની મદદથી લોટ બાંધીશુ.
7. લોટ એકદમ ઢીલો અને નરમ બાંધવાનો છે. લોટ બંધાઈ જશે ત્યારે તે હાથમાં બહુ ચોંટશે.
8. હવે હાથ તેલ વાળો કરો લોટને હાથથી મસળી લો.
9. હવે લોટને ઉપરથી નીચેની તરફ વળતા જાવ.
10. ફોટોમાં બતાવ્યા પ્રમાણે નીચેથી લોટ આવો વળશે.
11. હવે બાઉલને તેલ વાળું કરો.
12. હવે એ લોટને એ બાઉલમાં મુકો.
13. હવે એ બાઉલને ફિટ બંધ કરી દો અને ઉપર વજન મૂકી દો. આમ કરવાથી યીસ્ટ એકદમ એક્ટિવ થઇ જશે અને લોટ ફૂલી જશે.
14. હવે 20 મિનિટ પછી તેને તમે ખોલશો તો લોટ બરાબર ફૂલી ગયો હશે.
15. હવે ફૂલી ગયેલ લોટમાં મુઠીઓ મારીને તેમાંથી હવા નીકાળી લઈશું.
16. હવે એ લોટના લુવાને પ્લેટફોર્મ પર અથવા કોઈ પાટિયા પર ફોટો પર બતાવ્યા પ્રમાણે ફેલાવી લો.
17. હવે ફોટોમાં બતાવ્યા પ્રમાણે એક બાજુથી રોલ બનાવવાનું શરુ કરો અને છેલ્લે સુધી બરાબર વાળી લો.
18. હવે ટોસ્ટ બ્રેડ બનાવવા માટેના ટીનને ઓઇલથી ગ્રીસ કરી લો.
19. હવે રેડી કરેલ બનના લોટને એ ટીનમાં મુકો.
20. હવે એ લોટ પર બ્રશની મદદથી દૂધ લગાવી લો.
21. હવે દૂધ લગાવેલ લોટના ટીનને એક ઢાંકણા વડે ઢાંકી લો.
22. હવે એક પેનમાં કાંઠલો મુકો અને ગરમ થવા દો. ઢાંકેલા લોટને 15 મિનિટ પછી ખોલો.
23. હવે એ ટીનને ગરમ થયેલ પેનમાં મુકો.
24. હવે થાળીની મદદથી તેને ઢાંકી લો અબે તેની પર વજન પણ મૂકી દો.
25. 20 મિનિટ એ બનને ચઢવા દેવાનું છે. 20 મિનિટ પછી તમે જોશો કે તે તૈયાર છે.
26. હવે ટીનમાંથી તેને કાઢી લો અને બ્રશની મદદથી તૈયાર થયેલ બ્રેડ લોફ પર બટર લગાવી લો.
27. બસ હવે એક ધારદાર ચપ્પુની મદદથી તેને માપસર કાપી લો.
તો તૈયાર છે તમારા ટોસ્ટ બ્રેડ જેને તમે તવી પર શેકીને તેની પર ચીઝ ઉમેરીને ચીઝ ટોસ્ટ પણ કરી શકો અને જયારે બ્રેડ ખાવાની મન થાય ત્યારે આ ખાઈ શકો છો. હવે બહારથી બ્રેડ ટોસ્ટ લાવવાની જરૂરત નથી. મારા ઘરમાં આ બ્રેડ ટોસ્ટ ઘીમાં શેકીને ખુબ પસંદ છે. તમને કેવીરીતે પસંદ છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહિ.