અમેરિકન મકાઈનું પંજાબી શાક

અમેરિકન મકાઈનું પંજાબી શાક

પંજાબી એ એક એવું મેનુ છે જે લગભગ દરેકને પસંદ આવતું હોય છે. ઘરમાં નાના હોય કે મોટા દરેકને ગ્રેવીવાળું પનીરનું શાક અને તંદુરી બટર રોટી પસંદ હોય છે. આજકાલ લગભગ બધા જ પંજાબી પનીરના શાક ઘરે બનાવીને ખાતા જ હોય છે. હવે બધે હોટલમાં પણ પંજાબી શાક સાથે અનેક વેરાયટીના અખતરા કરેલા જોવા મળતા હોય છે. પણ આજે હું તમારી માટે લાવી છું એક અલગ પંજાબી શાક.

અમેરિકન મકાઈ એ આજે દરેક માર્કેટમાં ફ્રેશ મળે જ છે તો આજે આપણે અમેરિકન મકાઈના ઉપયોગથી બનાવીશું એક ટેસ્ટી અને મસાલેદાર શાક. આની માટે તમારે પૂર્વ તૈયારી રૂપે ફક્ત મકાઈના દાણા અલગ કરવાના છે. આ શાકમાં તમે તેજાના મસાલા પણ ઉમેરી શકો છો પણ મારા ઘરમાં એવું શાક કોઈને પસંદ નથી એટલે હું આમ જ સરળ અને ટેસ્ટી શાક બનાવું છું તમે પણ તેજાના વગરનું બનાવજો ખુબ સ્વાદ આવશે અને ઘરમાંથી વારંવાર ફરમાઈશ પણ આવશે આ શાક બનાવવા માટે.

સામગ્રી

  • અમેરિકન મકાઈ – એક કપ
  • ડુંગળી – 4 થી પાંચ નંગ (નાની સાઈઝ)
  • લીલા મરચા – તીખાશ જોઈએ એ પ્રમાણે
  • આદુ – 1 નાનો ટુકડો
  • મીઠો લીમડો (ઓપશનલ)
  • મરચું – અડધી ચમચી
  • હળદર – અડધી ચમચી
  • મીઠું – સ્વાદાનુસાર
  • ધાણાજીરું – અડધી ચમચી
  • હિંગ – એક ચપટી
  • ગરમ મસાલો – અડધી ચમચીમાં પણ થોડો ઓછો

મકાઈનું પંજાબી શાક બનાવવાની પરફેક્ટ પદ્ધતિ

1. સૌથી પહેલા આપણે મિક્સરના નાના કપમાં ડુંગળી, મરચા અને આદુ સમારી લઈશું. હવે તેને અધકચરું ક્રશ કરી લેવું. મિક્સરમાં બહુ ફેરવવાનું નથી નહિ તો પેસ્ટ થઇ જશે.

2. હવે મિક્સરના કપમાંથી એ મિશ્રણ કાઢી લેવું અને અને એ જ કપમાં મકાઈના દાણા ધોઈને લઈ લેવા અને ક્રશ કરી લેવા. મકાઈના દાણાને એકદમ ક્રશ કરવાના છે પેસ્ટની જેમ.

3. હવે એક પેનમાં શાક વધારવા માટે તેલ લઈશું

4. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને મીઠો લીમડો ઉમેરો.

5. હવે આ વઘારમાં અધકચરા ક્રશ કરેલા ડુંગળી, મરચા અને આદુ ઉમેરીશું

6. થોડીવાર બરાબર શેકાઈ જાય પછી તેમાં મસાલો કરીશું તેમાં હવે મરચું, હળદર, ધાણાજીરું, મીઠું અને ગરમ મસાલો ઉમેરીશું

7. બધું બરોબર મિક્સ કરો અને થોડીવાર શેકાઈ જવા દેવું તેનાથી મસાલા બરોબર ચઢી જશે.

8. હવે આમાં આપણે અમેરિકન મકાઈની ક્રશ કરેલી પેસ્ટ ઉમેરીશું.

9. બરોબર મિક્સ કરી લેવું જેથી મકાઈમાં પણ મસાલો ભળી જાય. હવે એ મિશ્રણમાં અડધો કપ પાણી ઉમેરીશું તમે ઈચ્છો તો મિક્સરના કપમાં ચોંટી રહેલ મકાઈની પેસ્ટમાં પાણી ઉમેરીને એ પાણી પણ ઉમેરી શકો છો. પાણી ઉમેરવાથી મકાઈ કાચી નહિ રહે અને બરાબર મસાલો પણ મિક્સ થશે.

10. હવે તેમાં ધાણા ઉમેરીશું, મેં અહીંયા ધાણા સુકવેલા હતા એમાંથી ઉમેર્યા છે તમે લીલા ધન પણ ઉમેરી શકો છો.

11. હવે બધું બરોબર મિક્સ કરીને શાકને આખા પેનમાં બરોબર ફેલાવી લેવું અને ઢાંકી દેવું જેથી મકાઈ બરોબર ચઢી જાય.

12. ત્રણ થી ચાર મિનિટમાં તમે જોશો કે શાકમાંથી તેલ છૂટું પડી રહ્યું હશે આનો અર્થ એ છે કે તમારું શાક હવે તૈયાર છે.

આ શાક તમને ભાગ્યે જ કોઈ હોટલ કે ઢાબામાં ખાવા મળશે. બાળકોને આ શાક ખુબ પસંદ આવે છે. જયારે પણ ઘરમાં પનીર નથી હોતું અને બાળકો પનીરનું શાક ખાવાની ફરમાઈશ કરે ત્યારે હું આ શાક બનાવી આપું છું, તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. શાક દેખાવથી તો તમને ગમશે જ પણ બનાવશો નહિ તો ટેસ્ટની ખબર કેવી રીતે પડશે? એટલે એકવાર જરૂર બનાવજો.

તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. આવજો ત્યારે ફરી મળીશું એક નવીન, સરળ અને પરફેક્ટ રેસિપી સાથે.

error: Content is protected !!