સૂંઠ પાવડર – ઘરે જ બનાવો સસ્તો અને સ્વચ્છ સૂંઠ પાવડર.
કેમ છો મિત્રો. આજે હું તમારા માટે લાવી છું સૂંઠ પાવડર બનાવવા માટેની એક સરળ અને પરફેક્ટ રીત. બહાર માર્કેટમાંથી તમે આ પાવડર લેવા જશો તો એ 60 થી 80 રૂપિયા 100 ગ્રામ મળશે જ્યારે આપણે ઘરે જ 20 થી 30 રૂપિયામાં 150 ગ્રામ જેટલો પાવડર બનાવી શકશું. અત્યારે માર્કેટમાં આદુ ઘણું સારું અને સસ્તું મળે છે. વહેલામાં વહેલી તકે આદુ લાવો અને બનાવો આ સૂંઠ પાવડર.
સૌથી પહેલા જાણી લો કે કેવું આદુ પસંદ કરવું જોઈએ. જયારે આદુ પસંદ કરો તો એ ધ્યાન રાખો કે આદુ આપણે થોડી જાડી છાલનું અને મોટી ગાંઠો વાળું પસંદ કરવાનું છે. બહુ જીણું અને કુણું આદુ પસંદ કરશો તો તે જલ્દી બગડી જશે અને તેમાંથી સૂંઠ પાવડર પણ ઓછો નીકળશે. એટલે આપણે બહુ જાડી છાલવાળું આદુ નહિ પણ નોર્મલ છાલવાળું આદુ લેવાનું છે.
ચાલો હવે જોઈ લઈએ કે આદુમાંથી સૂંઠ કેવીરીતે બનાવશો.
અહીંયા મેં એક કિલો આદુ લીધું છે. સૌથી પહેલા આપણે આદુની બધી ગાંઠો છૂટી પાડી લઈશું અને તેને ચોખ્ખા પાણીથી બે થી ત્રણ વાર ધોઈ લઈશું. બહારથી લાવેલ આદુમાં ખુબ જ માટી અને સાથે થોડી ગંદકી પણ હોય છે જે સાફ કરવી બહુ જરૂરી છે.
હવે એ આદુને આપણે છોલી લેવાનું છે. છોલવામાં શું ધ્યાન રાખવું એ જાણવા માટે એકવાર અહીંયા સાથે આપેલ વિડિઓ જરૂર જુઓ તેમાં બીજી ઘણી વાતો કવર કરેલી છે.
હવે છોલેલ આદુના આપણે ટુકડા કરી લઈશું આદુના ટુકડા બહુ મોટા નથી રાખવાના અને બહુ જીણા અને પાતળા પણ નથી રાખવાના. વિડિઓમાં જોઈ શકો છો એવીરીતે તમારે આદુને કટ કરવાનું છે. જેનાથી તમારા સૂંઠનો પાવડર વધુ નીકળશે અને તેની ફ્લેવર પણ એકદમ સ્ટ્રોંગ રહેશે.
હવે એ આદુના ટુકડાને આપણે બે થાળીમાં ભાગ કરીને તાપમાં મુકવાના છે. જો તમારા ઘરની ગેલેરીમાં તાપ ના આવતો હોય તો તમે ઘરમાં પણ તેને સુકવી શકો છો તાપમાં સૂકવીશું તો બે દિવસમાં સૂંઠ તૈયાર થઇ જશે અને જો ઘરમાં જ સુકવો છો તો તેને સુકાતા ત્રણ થી ચાર દિવસ લાગી શકે છે.
બે દિવસમાં તમે જોઈ શકો છો આદુ કેવું પરફેક્ટ સુકાઈ ગયું છે. હવે એને આપણે ક્રશ કરી લઈશું. મીક્ષરના કપમાં સુકાયેલ આદુ લેવું અને તેને ક્રશ કરવું.
એક જ વાર ક્રશ કરવાથી પરફેક્ટ પાવડર નહિ થાય તેને તમારે બે થી ત્રણ વાર ચાલીને ક્રશ કરવું પડશે આમ ચાળતા ચાળતા છેલ્લે જે વધે તેને ક્રશ નથી કરવાનું તેને તમારે રોજિંદા ચા, દૂધ અને ઉકાળામાં વાપરી લઈશું સેમ એવું જ આપણે આદુ છોલતાં સમયે નીકળેલી છાલ સાથે કરીશું.
આદુને આપણે પહેલા જ ચોખ્ખા પાણીથી ધોઈ લીધું હતું એટલે તેની છાલ ચોખ્ખી જ હશે એટલે તેનો ઉપયોગ આપણે રોજના ઉકાળા બનાવવા માટે પણ કરી શકીશું.
હવે ક્રશ કરેલ સૂંઠને ચારણીથી બરાબર ચાળી લો. હવે આ તૈયાર થયેલ પાવડરને કાચની ચોખ્ખી બરણી અથવા તો એર ટાઈટ ડબ્બામાં ભરી લો.તૈયાર થયેલ સૂંઠ પાવડરના ઘણાબધા ઉપાય છે જે હું ટૂંક સમયમાં તમને જણાવીશ. એના માટે તમે મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રીત સાથે.
સૂંઠ પાવડર વિડિઓ