એક સમયે 5000 રૂપિયા માટે પણ તરસતા હતા એરટેલ કંપનીના માલિક, આ વ્યક્તિએ કરી હતી મદદ.

એરટેલ કંપનીના માલિક સુનિલ ભારતી મિત્તલ એ દેશના મોટા ઉદ્યોગપતિમાંથી એક છે. દેશ જ નહીં પણ વિદેશમાં પણ હવે એરટેલ કંપની સર્વિસ આપી રહી છે. હાલના સમયમાં સુનિલ ભારતી મિત્તલ પાસે ધન-સંપત્તિની કોઈ કમી નથી પણ તેઓ આજે જયા પહોંચ્યા છે એ જગ્યાએ પહોંચવા માટે તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી અને તેમણે જીવનમાં ખૂબ મહેનત કરી હતી. આજે આ લેખમાં અમે તમને એરટેલ કંપનીના માલિક સુનિલ ભારતી મિત્તલ વિષે રસપ્રદ અને પ્રેરણાદાયી માહિતી જણાવીશું.

સુનિલ ભારતી મિત્તલનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો. તેમના પિતાનું નામ સત પૉલ મિત્તલ હતું, તેઓ પંજાબના એક પ્રસિધ્ધ રાજનેતા અને બે વાર સાંસદ પણ રહ્યા હતા. સુનિલ ભારતી એ ભલે એક સારા કુટુંબથી આવતા હતા તેઓ ઇચ્છતા તો તેમનું જીવન બહુ આરામથી પસાર કરી શકતા હતા પણ તેમને તેમનું જીવન સરળ નહીં પણ સફળ જોઈતું હતું, એટલે તેમણે ખૂબ મહેનત કરી અને ખૂબ જ સંઘર્ષ કર્યો.

સુનીલ ભારતી મિત્તલે તેમનો પ્રારંભિક અભ્યાસ મસૂરીની બિનબર્ગ સ્કૂલમાંથી કર્યો હતો, ત્યાર બાદ તેમણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાંથી તેમનો આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 1976માં તેમણે પંજાબ યુનિવર્સિટીની આર્ય કૉલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું હતું. સુનીલ ભારતી મિત્તલનું માનવું છે કે મોટી-મોટી સ્કૂલ કોલેજોમાં ભણવા છતાં તેણે સફળતાનો વાસ્તવિક પાઠ શેરીઓમાંથી જ શીખ્યો છે.

તેમણે પોતાના સાયકલના વેપારને ચલાવવા માટે પોતાના પિતા પાસેથી 20,000 રૂપિયા ઉધાર લીધા હતા અને પોતાનું કામ શરૂ કર્યું હતું. જ્યારે સુનિલ સાઇકલના વેપારમાં હતા તો એ સમય દરમિયાન હીરો સાઇકલના માલિક અને સંસ્થાપક બ્રિજમોહન લાલ મુંજાલ સાથે તેમની મિત્રતા થઈ હતી. તેઓ સારા ઘરના હોવા છતાં તેમણે તેમના જીવનમાં સફળ થવા માટે બહુ મુશ્કેલ રસ્તો અપનાવ્યો હતો.

સુનીલ ભારતી મિત્તલના જીવનમાં એક સમય એવો હતો કે તેઓ ફક્ત 5000 રૂપિયા પણ ભેગા કરી શક્યા હતા નહીં હા, માત્ર ₹5000ની વ્યવસ્થા કરવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સુનીલ ભારતી મિત્તલે પોતે પોતાના આ મુશ્કેલ સમય વિશે જણાવ્યું છે.

એક ઈવેન્ટ દરમિયાન સુનીલ મિત્તલે સફળતા પહેલા પોતાના સંઘર્ષની સ્ટોરી શેર કરી હતી. તેણે કહ્યું હતું કે તે દિવસોની વાત છે જ્યારે લોકો પૈસાની લેવડદેવડ માટે માત્ર રોકડની વ્યવસ્થા કરતા હતા. કોઈને ચેકથી પૈસા આપવાની પ્રથા ત્યારે એટલી જોરથી નહોતી. કદાચ લોકોને ચેક દ્વારા પૈસાની છેતરપિંડીનો ડર હતો.

સુનીલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં તેઓ હીરો સાયકલના માલિક બ્રિજ મોહન લાલ મુંજાલ પાસે પહોંચ્યા અને પોતાના માટે ₹5000ની લોન માંગી. તે જ સમયે, બ્રિજ મોહન લાલે તેમને તરત જ ₹ 5000 નો ચેક પણ આપ્યો. જ્યારે સુનીલ ભારતી મિત્તલ ત્યાંથી જવા લાગ્યા ત્યારે બ્રિજ મોહન લાલે તેમને રોક્યા અને કહ્યું, “દીકરા, આની આદત ન કરો.” સુનીલના જીવનનો સૌથી મોટો પાઠ એ જ બની ગયો.

સુનિલ મિત્તલએ વર્ષ 1986માં પુશ બટન ફોન ઇમ્પોર્ટ કરવાનું નક્કી કર્યું. તાઇવાનથી ઇમ્પોર્ટ થયેલ પુશ બટન ફોનની મદદથી મિત્તલએ ભારતમાં બીટેલ બ્રાન્ડ ફોનની શરૂઆત કરી. જ્યારે તેમનું કામ ચાલવા લાગે છે ત્યારે સુનિલ 1990ના દશક દરમિયાન પુશ બટન ફોન સાથે ફેક્સ મશીન અને બીજા પ્રોડક્ટ પર પણ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

સુનીલ મિત્તલ હવે મોબાઈલની દુનિયામાં ખળભળાટ મચાવવાની તક જોઈ રહ્યા હતા અને તેમને આ તક 1992માં મળી હતી. આ સમયે ભારત સરકારે પ્રથમ વખત મોબાઈલ સેવા માટે લાયસન્સનું વિતરણ શરૂ કર્યું હતું અને આ તકનો લાભ લઈને સુનિલે ફ્રેન્ચ કંપની વિવેન્ડી સાથે મળીને દિલ્હી અને આસપાસના વિસ્તારોના સેલ્યુલર લાઇસન્સ મેળવ્યા હતા. સુનિલ મિત્તલે સેલ્યુલર સેવાઓ પ્રદાન કરવા માટે 1995 માં ભારતીય સેલ્યુલર લિમિટેડની શરૂઆત કરી અને આ રીતે એરટેલ બ્રાન્ડનો જન્મ થયો.

એરટેલ કંપનીની શરૂઆત બહુ શાનદાર રહી હતી. બહુ જ જલ્દી જ 20,000 થી 2 લાખ અને 20 કરોડ યુઝર્સ આ કંપની પાસે થઈ ગયા. જેમ જેમ એરટેલને સફળતા મળવા લાગી તેમ તેના જેવી જ બીજી કંપનીઓને પોતાની સાથે લઈ ચાલવા લાગી. 1999માં કર્ણાટક અને આંધ્રપ્રદેશના જેટી હોલ્ડિંગ્સ, 2000માં સ્કાઈસેલ કોમ્યુનિકેશન અને 2001માં સ્પાઇસ સેલ કોલકત્તાનું અધિગ્રહણ એરટેલે કર્યું હતું.

જ્યારે સુનીલ મિત્તલની કંપની એરટેલ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ ત્યારે તેને મોટી સફળતા મળી. 2008 સુધીમાં, એરટેલના ભારતમાં 60 મિલિયન ગ્રાહકો હતા. આ સાથે, આ કંપનીનું મૂલ્યાંકન $ 40 બિલિયન સુધી પહોંચ્યું અને વિશ્વની ટોચની ટેલિકોમ કંપની ભારતી એરટેલ બની.

તમને જણાવી દઈએ કે એક સમયે આ કંપની 4.50 લાખ રૂપિયામાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજે આ કંપનીએ 35 કરોડથી વધુ ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. ફોર્બ્સ દ્વારા સુનિલ ભારતી મિત્તલને $11.6 બિલિયનની નેટવર્થ સાથે ભારતના 6મા સૌથી ધનિક વ્યક્તિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

error: Content is protected !!