રેગ્યુલર ઈડલી તો તમે બનાવતા જ હશો હવે આ સ્ટફ ઈડલી જરૂર બનાવજો.

કેમ છો? જય જલારામ. આપણે રેગ્યુલર ઈડલી અને ઢોસા તો બનાવતા જ હોઈએ છીએ પણ જો આપણે એમાં નવીનતા લાવીએ તો ઘરમાં બાળકોને અને બીજા સભ્યોને પણ કાંઈક નવીન લાગે. તો આજે હું તમારી માટે લાવી છું સ્ટફ ઈડલી બનાવવા માટેની સરળ રેસિપી. અમારા ઘરમાં તો બધાને આ ખુબ પસંદ આવી છે તમે પણ ટ્રાય કરજો મને ખાતરી છે કે તમારા ઘરમાં બધાને પસંદ આવશે.

સામગ્રી :

સ્ટફ ઈડલી બનાવવા માટેની સરળ રીત:

1. સૌથી પહેલા આપણે ઈડલીમાં ફીલિંગ કરવા પૂરણ બનાવીશું. તેના માટે એક કઢાઈમાં તેલ ગરમ મુકો અને તેમાં રાઈ ઉમેરો.

2. હવે રાઈ તતડે એટલે તેમાં ચણાની દાળ ઉમેરો. દાળ કાચી જ ઉમેરવાની છે એ તેલમાં તળાઈને થોડી ક્રિસ્પી થઇ જશે. જે ખાવામાં બહુ સરસ લાગે છે.

3. હવે આમાં આપણે લાંબા સમારેલા લીલા મરચા ઉમેરી લઈશું. અને સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરો.

4. હવે આમાં ડુંગળી સમારેલી ઉમેરી લઈશું.

5. ડુંગળીને બરોબર સાતળવાની છે તમે ફોટોમાં જોઈ શકો છો કે બધી ડુંગળીના લેયર છુટા પડી ગયા છે એવું કરવાનું છે.

6. હવે આપણે આમાં બાફેલા બટાકાના મેશ કરીને અથવા તો ટુકડા કરીને આમાં ઉમેરી દો.

7. હવે આપણે તેમાં મસાલો કરી લઈશું. હળદર, ધાણાજીરું ,ગરમમસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

8. હવે બધું બરાબર મિક્સ કરી લેવું અને તેમાં લીલા ધાણા ઉમેરો.

હવે આપણે ખીરું તૈયાર કરી લઈશું. (ખીરું બનાવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જાણવા અહીંયા ક્લિક કરો.)

1. હવે તૈયાર ખીરુંમાં આપણે જીરું ઉમેરી લઈશું. અને સ્વાદ અનુસાર મીઠું અને ચપટી સોડા ઉમેરી લઈશું.

2. બધું બરાબર હલાવી લેવું. હે ખીરું બહુ ઘટ્ટ લાગતું હોય તો તેમાં થોડું પાણી ઉમેરી શકો. હવે ઈડલી બનાવવા માટે ખીરું તૈયાર છે.

3. ઈડલીના ઢોકળીયામાં પાણી ઉમેરીને ગરમ કરવા મુકીશું.

4. હવે સૌથી પહેલા ઈડલી થાળી માં થોડું ખીરું પાથરી લઈશું. આમાં ખાસ ધ્યાન રાખીને થોડું ઓછું જ ભરજો કેમ કે તેની પર આપણે હજી પૂરણ મુકીશું અને પછી તેની પર ફરી થોડું ખીરું ઉમેરી લઈશું.

5. હવે અધૂરી ભરેલ ઈડલીમાં આપણે બનાવેલ પૂરણને ચમચીની મદદથી ઉમેરી લઈશું.

6. હવે આની પર આપણે ઇડલીનું ખીરું ઉમેરી લઈશું જેથી પૂરણ સંપૂર્ણ કવર થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

7. હવે આ ઈડલીની થાળીને આપણે પાંચ મિનિટ માટે ગરમ થયેલ ઢોકળીયામાં મુકીશું. પહેલીવાર થાળી મુકીશું ત્યારે પાંચ મિનિટ લાગશે અને પછી જયારે બીજી થાળી મુકશો ત્યારે ઢોકળીયુ વધારે ગરમ હોવાથી બીજી થાળીમાં રહેલ ઈડલી વહેલા બની જશે.

8. હવે તમે ઈડલીની થાળી કાઢીને જોઈ શકો છો કે ઈડલી બરાબર ચઢી ગઈ છે.

9. ચપ્પુ કે ચમચીની મદદથી ઈડલીને કાઢી લઈશું.

10. તમે ફોટોમાં બતાવ્યા પ્રમાણે કટ કરીને જોઈ શકો છો કે સ્ટફ ઈડલી અંદરથી પણ બરાબર જાળીદાર બની ગઈ છે.

આ ઈડલીને તમે સાંભાર, કોકોનેટની ચટણી, લાલ ચટણી વગેરે સાથે ખાઇ શકો છો. તમને મારી આ ઈડલી બનાવવાની રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

error: Content is protected !!