સાક્ષી એટલે અશ્વિની અને અશ્વિની એટલે સાક્ષી, વાત દરેક માતા અને દીકરીની…
આ વાત થોડી જૂની છે પણ મને વિશ્વાસ છે તમને જાણવી ગમશે.
કાલે ઘરમાં એક બહુ સામાન્ય ઘટના બની, એક્ચુલી બધા માટે બહુ સામાન્ય હતી પણ મારા માટે એ બહુ મહત્વની વાત હતી. ફક્ત મારા માટે નહિ મારા જેવી કેટલીય દીકરીઓ,બેહનો અને સ્ત્રીઓ માટે મહત્વની છે.
મિત્રો વાત એમ છે કે છેલ્લા ૧૦ દિવસથી મારી ૫ વર્ષની દીકરી એના મામાના ઘરે સુરત વેકેશન કરવા ગઈ હતી અને કાલે સાંજે જ એ ઘરે પરત આવી હતી. મેં એને પાણી પીવા માટે આપ્યું એ પાણી પી ગઈ અને પછી હું રસોઈ તૈયાર કરવામાં થોડી વ્યસ્ત થઇ ગઈ. બીજી બાજુ મારી દીકરી તેની બેગમાંથી એની નાનીએ શું શું આપ્યું છે એ બતાવી રહી હતી અને તે સુરતમાં ક્યાં ક્યાં ગઈ શું શું જોયું એ ઘરમાં બધાને એની કાલી કાલી ભાષામાં ઉત્સાહભેર કહી રહી હતી. હું ભલે રસોઈ કરતી હતી પણ મારું ધ્યાન એની વાતો ઉપર પણ હતું. થોડીવાર પછી અચાનક જાણે કઈક યાદ આવ્યું હોય એમ એ સોફા પરથી ઉભી થઇ અને આખા ઘરમાં ફરી વળી, નાનું બાળક છે એટલે શરૂઆત એણે રસોડાથી કરી.
ફ્રીઝ ખોલ્યું અને પછી બંધ કરી દીધું, જોકે એણે ફ્રીઝમાંથી કશું લીધું નહિ. પછી મેડમે વારાફરતી રસોડાના દરેક કબાટ અને ડ્રોઅર ખોલીને જોયા અને એમનેએમ બંધ કરી દીધા. અમે ઘરના બધા સદસ્યો એને આમ કરતા જોઈ રહ્યા. પછી વારો આવ્યો બેડરૂમનો અંદર જઈ જાતે લાઈટ ચાલુ કરીને એણે બંને કબાટ ખોલ્યા અને થોડીવારમાં બંધ કરી દીધા. પછી બેડ ઉપર ચઢી અને ત્રણ ચાર કુદકા માર્યા અને પછી લાઈટ બંધ કરીને બહાર આવી. ફરી કઈક યાદ આવ્યું હોય એમ ફરી રસોડામાં ગઈ અને ગેલેરીનો દરવાજો ખોલી બહાર ગઈ અને તરત દરવાજો બંધ કરીને પાછી અંદર આવી ગઈ.
મારા સાસુએ ઘણું પૂછ્યું, “બેટા શું જોઈએ છે? શું શોધે છે તું?” તો એણે જવાબ આપ્યો “ કઈ નઈ જોવું છુ.”
એણે કેટલી સરળ રીતે કહી દીધું કે જોવું છુ. એની આ વાત પરથી જ મને મારી યાદ આવી ગઈ. હું જયારે લગ્ન પછી પેહલીવાર મારા પિયર ગઈ હતી ત્યારે મેં પણ આખા ઘરમાં આવી જ રીતે ખાંખાખોળા કર્યા હતા. મમ્મીએ કેટલું પૂછ્યું કે શું શોધી રહી છુ? તો મેં પણ જણાવી દીધું “કઈ નહિ જોવું છુ” ત્યારે હું કોઈ વસ્તુ નોહતી શોધી રહી હું જોઈ રહી હતી કે મારા લગ્ન પછી ઘરમાં બધું બરોબર તો છે ને? ક્યાંક મારા માતા પિતાને કોઈ તકલીફ તો નથીને.
હવે તમને થશે કે આમ ખાંખાખોળા કરવાથી શું ખબર પડે? તો મિત્રો તમને જણાવું જયારે કબાટમાં પપ્પાના ઈસ્ત્રી કરેલા અને વ્યવસ્થિત ગોઠવેલા કપડા જોયા તો મમ્મીની તબિયતનો ખ્યાલ આવી ગયો, મમ્મીની તબિયત સારી ના હોય તો તે ઈસ્ત્રી નથી કરતા. એ રસોડામાં અત્યાર સુધી જીવેલા પ્રસંગોની સુવાસ મારામાં સમાવી રહી હતી. હું જોઈ રહી હતી કે મારા ગયા પછી મારા માતા પિતાને કોઈ તકલીફ તો નથી પડી ને. બધું જોયું પણ મને ક્યાંય એમની તકલીફ કે દુઃખ દેખાયું નહિ કારણકે હું મારા સાસરે સુખી હતી એનાથી વધુ સારી વાત શું હોય.
કાલે એ પાંચ વર્ષની સાક્ષીમાં મને પચ્ચીસ વર્ષની અશ્વિની દેખાઈ રહી હતી… મેં બધાને કીધું કોઈ એને રોકશો નહિ એને શાંતિથી બધું જોઈ લેવા દો. મિત્રો આ વાત પરથી હું તમને બધાને એક વાત કેહવા માંગું છુ. જયારે પણ તમારા ઘરે તમારી દીકરી કે વહુ ઘણા સમય પછી પાછી આવે અને જો એ પણ આવી રીતે કઈક શોધતી હોય તો એને શોધી લેવા દેજો, એ તમારું કશું લઇ લેવાની નથી બસ એતો દરેક વસ્તુમાં પોતાની જાતને શોધતી હશે.
લેખક : અશ્વિની ઠક્કર “રાધા”
આ વાત વિષે તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. અમારી સાથે જોડાયેલા રહેજો.
Very Heart Touching
Thank You