સાબુદાણાના ઢોંસા – વ્રત ઉપવાસમાં કાઈક નવીન ખાવાનું મન થાય છે તો હવે આ ઢોંસા બનવજો.

શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલો સોમવાર પણ પૂરો થઈ ગયો છે. આ દરમિયાન ઘણા મિત્રો હોય છે જેઓ આ આખો મહિનો ઉપવાસ કરતાં હોય છે તો ઘણા મિત્રો ફક્ત સોમવારના દિવસે ઉપવાસ કરતાં હોય છે. આ દિવસો દરમિયાન વ્યક્તિને અલગ અલગ વસ્તુઓ ખાવાનું મન થતું હોય છે. એવામાં ઘણીવાર વ્યક્તિ બહાર ફરસાણની દુકાને મળતી ફરાળી વસ્તુઓ ખાવાનું વિચારતા હોય છે તો ઘણા લોકો ઘરે જ કાઈક નવીન બનાવીને ખાવાનું વિચારે છે.

તો જો તમે પણ ઘરે જ કોઈ સારી અને ટેસ્ટી વાનગી બનાવીને ખાવા માટે વિચારો છો તો આજે અમે તમારા માટે એક નવીન ફરાળી નાસ્તો બનાવવા માટેની રેસીપી લાવ્યા છીએ. આ વાનગી તમે બનાવજો અને જો તમે પણ ઉપવાસ કરો છો કે પછી તમારા પરિવારમાં કોઈ ઉપવાસ કરે છે તો તેમને પણ બનાવી આપજો. તો ચાલો તમને જણાવી દઈએ સાબુદાણાના ઢોંસા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસીપી.

સાબુદાણાના ઢોંસા બનાવવા માટેની જરૂરી સામગ્રી:

  • સાબુદાણા – અડધો કપ
  • મોરૈયો – અડધો કપ
  • ફરાળી લોટ – અડધો કપ (જો લોટ ના મળે તો તમે રાજગરાનો લોટ અથવા તો સિંઘોડાનો લોટ મિક્સ કરી શકો છો.)
  • ફરાળી મીઠું – સ્વાદ મુજબ
  • ઘી
  • લીલા મરચાં – 2-3 નંગ
  • આદું – એક નાનો ટુકડો
  • જીરું – અડધી ચમચી
  • બટાકાની સૂકીભાજી – ઢોંસામાં પુરણ કરવા માટે

સાબુદાણાના ઢોંસા બનાવવા માટેની સૌથી સરળ અને પરફેક્ટ રેસીપી.

1. સૌથી પહેલા સાબુદાણા અને મોરૈયો અલગ અલગ વાસણમાં પલાળવા માટે મૂકી રાખો. થોડીવાર પછી ફરાળી લોટને પલાળી દેવો. બહુ પાણી ઉમેરીને પલાળવો નહીં.

2. હવે 3 કલાક પછી સાબુદાણા અને મોરૈયો એ બરાબર પલળી ગયા હશે તેને મિક્ષરમાં ક્રશ કરી લો. આ બંને અલગ અલગ ક્રશ કરીને એક મોટા વાસણમાં મિક્સ કરવું.

3. હવે આ તૈયાર થયેલ ખીરુંને 2-3 કલાક માટે ઢાંકીને મૂકી રાખો. જેવીરીતે રેગ્યુલર ઢોંસા બનાવવા માટે કરીએ છીએ એ જ પ્રોસેસ કરવી.

4. હવે તમે જોશો તો ખીરું બરાબર આથો આવીને તૈયાર થઈ ગયું હશે. તેને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે ખીરુંમાં હવે લીલા મરચાંને સમારી લઈશું. જો તમને પતલા ઢોંસા પસંદ હોય તો તમે મરચાંની પેસ્ટ બનાવીને ઉપયોગ કરી શકો. આ સાથે આદું પણ જીણું છીણી લેવું. આમ કરવાથી ઢોંસાનો ટેસ્ટ બેગણો વધી જશે.

5. હવે ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એક નોનસ્ટિક તવો લઈ લેવો. તેને થોડો ગરમ થવા દો. હવે થોડું ઘી તવા પર લગાવો. આ પછી આંગળીથી થોડા પાણીના છાંટા તવા પર છાંટો. તવા પરના પાણીને એક કોટનના કપડાંથી લુસી લેવું એટલે તવા પર ઘી અને પાણીનું મિશ્રણ ફેલાઈ જશે.

6. હવે કડછી અથવા ચમચાની મદદથી ખીરું તવા પર મૂકીને ગોળ ઢોંસો પાથરી લો. થોડું ઘી ઢોંસાની આજુબાજુ મૂકો. તમે ઘી બહુ ના પસંદ કરતાં હોય તો તમે આ ઢોંસા બનાવતા સમયે તેલ પણ વાપરી શકો છો.

7. હવે ઢોંસાને પલટાવી લેવો. તમે જોશો કે ઢોંસો તૈયાર થઈ ગયો છે. હવે તેને ફરી પલટાવી લેવો અને જો તમને મસાલા સાથે ખાવો છે તો તમારે બનાવેલ સૂકીભાજીનું પુરણ કરવું.

8. જો તમે મસાલો ભરીને ઢોંસો નથી ખાવો તો તમે આ બનેલ ઢોંસા પર ગરમ મસાલો અને લાલ મરચું છાંટો.

9. ઢોંસો તૈયાર છે. તેને તમે આનંદ સાથે ખાઈ શકો છો. એટલે હવે જ્યારે પણ તમે વ્રત ઉપવાસ કરો ત્યારે આવીરીતે આ ઢોંસો બનાવીને પણ ખાઈ શકો છો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ સિવાય જો તમે કોઈ બીજી રેસીપી શીખવા માંગો છો અથવા તો તમને કોઈ વાનગી વિષે કશું પૂછવું કે જાણવું છે? તો અમને કોમેન્ટમાં જણાવજો.

તમે ઇનબૉક્સમાં msg પણ કરી શકો છો. આવી જ અવનવી વાનગીઓ અને રસપ્રદ વાતો માટે જોડાયેલા રહો મારા પેજ સાથે.

error: Content is protected !!