રસગુલ્લા – રસગુલ્લા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી

કેમ છો મિત્રો, આજે હું લાવી છું રસગુલ્લા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી, લગભગ દરેક ઘરમાં ગુલાબજાંબુ અથવા રસગુલ્લાના ચાહક કોઈને કોઈ તો હોય જ છે. હવે કોરોનાને કારણે અમે તો બહારની વસ્તુઓ કહેવાનું બંધ કર્યું છે એટલે ઘણી નવી વાનગીઓ ઘરે જ બનાવું છું. તો ચાલો આજે બનાવીએ સોફ્ટ અને જ્યુસી રસગુલ્લા.

સામગ્રી

  • ફૂલ ફેટ દૂધ – 500 ml
  • ખાંડ – 1 કપ
  • વિનેગર – એક નાની વાટકી
  • કોર્ન ફ્લોર – અડધી ચમચી

રસગુલ્લા બનાવવા માટેની સરળ રીત

1. સૌથી પહેલા એક તપેલીમાં આપણે દૂધ ગરમ કરવા માટે મુકીશું.

2. દૂધ થોડું ગરમ થાય એટલે કે થોડો ઉભરો આવવાની શરૂઆત થાય એટલે સમજો કે હવે એ દૂધમાંથી રસગુલ્લા બનાવવા માટેની પ્રોસેસ કરી શકીશું.

3. હવે આ ઉકળેલા દૂધમાં આપણે વિનેગર ઉમેરીશું પણ આ સ્ટેપ બહુ ધ્યાન રાખીને કરજો આ સમયે એક નાની વાટકી વિનેગર અને જેટલું વિનેગર લો એટલું જ પાણી લેવાનું આ બંનેને મિક્સ કરો અને એ મિશ્રણને ઉકળતા દૂધમાં એક એક ચમચી ઉમેરો.

4. થોડીવાર ઉકળે એટલે તેમાં ફરીથી આપણે વિનેગર અને પાણીનું મિશ્રણ ઉમેરી લઈશું.

5. થોડીવારમાં તમે જોશો કે દૂધ ફાટવાની શરૂઆત થઇ ગઈ હશે.

6. જો દૂધ ફાટેલું ના દેખાય તો હજી એક ચમચી વિનેગર અને પાણી વાળું મિશ્રણ ઉમેરી લેવું.

7. હવે ગેસ બંધ કરી લેવો અને તમે જોશો કે દૂધમાંથી પાણી અને ફાટેલા દૂધના ફોદા અલગ થી ગયા હશે.

8. આ પ્રોસેસ ચાલતી હોય ત્યારે સાથે સાથે બીજી પણ એક પ્રોસેસ કરીશું.

9. એક તપેલી લેવી અને તેની પર કાણાવાળો બાઉલ કે કાણાંવાળી થાળી લેવી.

10. હવે એ કાણાંવાળા વાસણ પર એક કોટનનું કપડું પાથરી લો. જેનાથી આપણે ફાટેલ દૂધને ગાળી શકીએ.

11. હવે ફાટેલ દૂધનું મિશ્રણ આ કપડામાં ઉમેરો. જેનાથી દૂધમાંથી છૂટું પડેલ પાણી નીચે તપેલીમાં આવે અને બનેલ ગર એટલે કે પનીર એ કપડામાં રહી જાય.

12. હવે આ કપડામાં રહેલ પનીરને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું અને ઠંડા પાણીથી ધોવાથી ગર ઠંડો પણ થઇ જશે અને વિનેગરની ખટાસ પણ નીકળી જશે.

13. હવે કપડામાં રહેલ ગરને બરાબર નિતારી લો, બને એટલું નિતારી લો જેનાથી સ્મૂધ પનીર બને.

14. હવે કપડામાં રહેલ ગરને એક થાળીમાં કાઢો જો તે એક જોઈન્ટ હોય તો સમજો કે તમે દૂધ બરાબર ફાડ્યું છે કપડામાં બહુ ચોંટવું જોઈએ નહિ. જો એમ થશે તો રસગુલ્લા બરાબર બનશે નહિ અને કાંઈક તો ગડબડ થશે જ.

15. હવે થાળીમાં કાઢેલ ગરને હાથથી બરાબર કસળવાનો છે જયારે બાજરીના રોટલા બનાવીએ અને લોટને આપણે હથેળીની મદદથી જેમ કસળીએ એવી જ રીતે કરવાનું છે ફોટોમાં પણ બતાવ્યું છે.

16. હવે આ પનીર કસળવાની શરૂઆતની સાથે સાથે એક પહોળા વાસણમાં ખાંડ લઈશું.

17. હવે તેમાં પાણી ઉમેરી લો જેથી ચાસણી તૈયાર થઇ જાય.

18. આમાં કોઈ બહુ ધ્યાન રાખવાની જરૂરત નથી ફક્ત એટલું જોવાનું કે બહુ જાડી ચાસણી ના થવી જોઈએ આમાં નોર્મલ જ ચાસણી બનાવવાની છે.

19. હવે પનીર જે રેડી થઈ ગયું છે તેમાં કોર્નફ્લોર ઉમેરો અને ફેરથી કસળી લો. આમ કરવાથી એ પનીર ડો સરસ હલકો અને ફ્લ્ફી બની જશે.

20. હવે તૈયાર થયેલ ડોમાંથી તમને ગમતા હોય એવા શેપમાં રસગુલ્લા બનાવવા, મને આવા પસંદ છે એટલે આવા બનાવ્યા છે તમે ગોળ પણ બનાવી શકો.

21. તૈયાર કરેલ ગોળાને ગરમ થઇ રહેલ ચાસણીમાં ઉમેરો. ચાસણીમાં ઉમેરો એટલે પછી ગોળા ધીમે ધીમે સાઈઝ વધીને ઉપર તરતા દેખાશે અને એ ઉપર આવે એટલે તમે સમજો કે તમારા રસગુલ્લા બરોબર બનશે.

22. હવે બધા રસગુલ્લાને ચાસણીમાં ઉમેરીને 5 મિનિટ તેમાં ઉકળવા દો, તમે ઈચ્છો તો તેની પર થાળી ઢાંકી શકો છો જેનાથી બધા ગુલ્લાં બરાબર ચઢી જાય અને ચાસણી બરાબર બધે ભળી જાય.

હવે આ રસગુલ્લા ખાવા માટે બરાબર તૈયાર છે. તમારા ઘરમાં બધાને પસંદ આવશે એકવાર જરૂર બનવજો. તમને આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જણાવો.

ખાસ નોંધ : જો પહેલી વાર બનાવતા હોય તો બહુ ઓછા પ્રમાણમાં જ બનાવજો. આ અમે ત્રીજી ટ્રાયલે સફળ થયા છે. બને એટલી વિગતવાર બધું જણાવ્યું છે એટલે તમે તો સફળ થશો જ.

error: Content is protected !!