પાત્રા/પાંદડા/પતરવેલીયા બનાવવાની આવી રીતે તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય.

જય જલારામ. કેમ છો? આશા છે તમે પરિવાર સાથે સેફ હશો. આપણે ગુજરાતીઓને દરરોજ નાસ્તામાં અને સાંજના જમવામાં કાંઈક નવીન જોઈએ જ. બપોરે તમે દાળ, ભાત, શાક અને રોટલી ખાઈ લેશો પણ મેઈન સવાલ છે રાતના જમવાનો.

આજે એ જ સવાલનો જવાબ લઈને આવી છું. અમે ઘણીવાર રાત્રે જમવામાં પાંદડા એટલે પાત્રા ખાઈ લેતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ આને પતરવેલીયા પણ કહેવામાં આવે છે. તમારી સાથે પણ એવું બનતું હશે કે ઘણીવાર પાંદડા બનાવીએ તો એ ખાઈએ પછી ગળામાં બાજી જાય. ખાઈએ તો ડચૂરા વળે. પણ જો તમે મારી આ રેસિપી ફોલો કરીને બનાવશો તો એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનશે. તો ચાલો ફટાફટ શીખી લઈએ. રેસિપીના અંતમાં વિડિઓ આપેલ છે એ જરૂર જુઓ અને યુટ્યુબ પર અમને ફોલો પણ જરૂર કરજો.

સામગ્રી :

  • અળવીના પાન : 300 ગ્રામ
  • બેસન : 300 ગ્રામ
  • અજમો : એક નાની ચમચી
  • હળદર : અડધી ચમચીથી પણ ઓછી
  • લાલ મરચું : સ્વાદ મુજબ (જો લીલા મરચા નાખવાના હોવ તો એ રીતે લેવું)
  • ધાણાજીરું : એક ચમચી
  • ગરમ મસાલો : અડધી ચમચી
  • મીઠું : સ્વાદ મુજબ
  • તેલ : બે ચમચી
  • ખાંડ : અડધી ચમચી (બેસનના ખીરુંમાં ઉમેરવા)
  • લીંબુ : અડધા લીંબુનો રસ
  • ખાવાનો સોડા : એક ચપટી
  • પાણી : જરૂરિયાત મૂજબ
  • તેલ : ત્રણ મોટી ચમચી
  • મેથી દાણા : આઠ થી દસ દાણા
  • રાઈ : એક ચમચી
  • હિંગ : એક ચપટી
  • મીઠો લીમડો : ચાર પાંચ પાન
  • સૂકું મરચું : એક નંગ
  • લીંબુ : એક મોટા લીંબુનો રસ
  • સફેદ તલ : એક ચમચી
  • ખાંડ : બે ચમચી વઘારમાં ઉમેરવા માટે
  • લીલા ધાણા : ગાર્નિશ કરવા માટે

પાંદડા – પાત્રા બનાવવા માટેની સરળ રીત:

1. સૌથી પહેલા એક પહોળા વાસણમાં બેસન લઇ લઈશું.

2. હવે એમાં અજમો ઉમેરી લઈશું, અજમાને હંમેશા બે હથેળીની વચ્ચે મસળીને જ ઉમેરવો આમ કરવાથી જે તે વાનગીમાં અજમાની ફ્લેવર બહુ સરસ આવે છે.

 

3. હવે બેસનમાં આપણે મસાલો કરીશું. તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું વગેરે મસાલા ઉમેરી લઈશું.

4. હવે આ મિશ્રણમાં બે ચમચી કાચું તેલ, ખાંડ, લીંબુનો રસ અને ચપટી ખાવાનો સોડા ઉમેરી લઈશું.

 

5. હવે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરીશું. પાણી થોડું થોડું જ ઉમેરવું જેથી ખીરું બહુ ઢીલું ના થઇ જાય.

6. સરળ રીતે પાન પર લગાવી શકીએ એ રીતનું બહુ ઢીલું પણ નહિ અને બહુ કઠણ પણ નહિ એવું ખીરું તૈયાર કરીશું.

 

7. હવે ધોઈને સાફ કરીને પાનને કોરા કરી લેવા અને પાનમાં રહેલ જાડી નસોને ચપ્પાની મદદથી કાઢી લેવી.

8. હવે હળવા હાથે તૈયાર કરેલ ખીરુંને પાન પર સરખા ભાગે લગાવી લેવું.

 

9. હવે બરાબર એવી જ રીતે ખીરું લગાવીને તૈયાર થયેલ પાન પર બીજું પાન લગાવી લેવું અને ખીરું લગાવી દેવું. આવી જ રીતે એક ઉપર એક એમ ચાર થી પાંચ પાન લગાવી લેવા.

10. હવે ફોટોમાં દેખાઈ રહ્યું છે એ રીતે તૈયાર થયેલ પાનને એક બાજુથી વાળી લેવું અને તેની પાર ખીરું લગાવી દેવું. એવી જ રીતે બીજી તરફથી પણ પાન વાળી લેવું.

 

11. હવે વિડીઓમાં બતાવ્યા પ્રમાણે પાત્રાનો રોલ તૈયાર કરી લેવો.

12. હવે ઢોકળીયામાં તૈયાર કરેલ પાંદડાંના રોલને બાફવા માટે મુકીશું. હવે ઢોકળીયાને ઢાંકીને પાત્રાના રોલને 30 થી 35 મિનિટ માટે ચઢવા દઈશું.

 

13. 30 થી 35 મિનિટ પછી તમે જોઈ શકશો કે ચપ્પુ ખોસીએ છીએ તો પણ તે સાફ જ નીકળે છે તેનો અર્થ છે કે પાત્રા બરાબર ચઢી ગયા છે.

14. હવે તમને જેવા પસંદ હોય એવા એવા કટ કરી લેવા. તમારે ગોળ કાપવા હોય તો ગોળ પણ કરી શકો અને જો મેં વિડીઓમાં કર્યા છે એ રીતે કરશો તો પણ વધુ સારો ટેસ્ટ આવશે.

 

15. હવે આપણે પાત્રાને વઘારી લઈશુ. તેના માટે એક કઢાઈમાં તેલ લઈશું. તેલમાં મેથી દાણા, રાઈ અને સાથે મીઠો લીમડો પણ ઉમેરી લઈશું. બીજી બાજુ એક વાટકીમાં લીંબુનો રસ કાઢી લઈશું અને તેમાં થોડું પાણી ઉમેરી લઈશું.

16. હવે રાઈ તતડે એટલે તેમાં તલ ઉમેરી લઈશું તલ ફૂટે એટલે તેમાં તૈયાર કરેલ લીંબુ અને પાણીના મિશ્રણને ઉમેરી લઈશું. હવે તેમાં ખાંડ ઉમેરી લો.

 

17. હવે પાણી ઉકળે એટલે કાપીને ટુકડા કરેલ પાંદડા તેમાં ઉમેરી દઈશું અને બરાબર હલાવી લેવું. હવે આના પર ધાણા ઉમેરીને સર્વ કરી લઈશું.

તમને અમારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અમારી ફૂડ યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો. આપ બીજા ઘણા વિડિઓ ત્યાં જોઈ શકશો.

વિડિઓ રેસિપી:

સૌજન્ય : જલારામ ફૂડ હબ (<<<— અમારી બીજી રેસિપીના વિડિઓ જોવા ક્લિક કરો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!