હવે બાળકોને આલુ પરાઠા જ નહિ પણ આ ટેસ્ટી પરાઠા પણ ખવડાવો.
કેમ છો મિત્રો? આજે હું તમારી માટે લાવી છું પરાઠા બનાવવા માટેની એક નવીન રેસિપી. અવારનવાર બાળકોના પ્રિય એવા આલુ પરાઠા તો તમે બનાવતા અને ખાતા જ હશો પણ હવે જયારે બાળકો પરાઠા ખાવાની જીદ્દ કરે તો તો તેમને આ શાકભાજીના સ્ટફિંગ વાળા પરાઠા બનાવીને ખવડાવો જેથી બાળકો શાકભાજી પણ ખાઈ જશે અને પીઝા જેવો ટચ આપવાને લીધે ઘરમાં બધાને પસંદ આવશે.
હવે જયારે પણ પરાઠા બનાવવાનું વિચારો ત્યારે આ સ્ટાઇલ જરૂર આપનાવજો.
સામગ્રી
- વધેલો રોટલીનો બાંધેલો લોટ (જો લોટ વધ્યો ના હોય તો તમે પરાઠાનો લોટ બાંધી લો.)
- લીલી ડુંગળી
- કેપ્સિકમ
- ટામેટું
- કોબીઝ
- ફુલાવર
- ગાજર
- ચીલી ફ્લેક્સ
- મીઠું
- પીઝા હર્બ્સ
- ચીઝ
- પનીર
નોંધ : બધું શાક અને રોટલીનો લોટ જરૂર મુજબ લેવું.
વેજ ચીઝ પરાઠા બનાવવા માટેની સરળ રેસિપી.
1. જો લોટ બાંધેલો ના હોય તો સૌથી પહેલા આપણે ઘઉંના લોટમાં મીઠું મોણ ઉમેરીને લોટ બાંધી લઈશું.
2. હવે આપણે લીધા હતા એ શાક ભાજીને જીણા જીણા સમારી લઈશું. (તમારી પાસે કટર હોય તો તમે એ પણ વાપરી શકો.) શાક એવું જીણું કરવાનું કે પરાઠા વણો ત્યારે સહેલાઈથી વણી શકાય.
3. હવે જીણું સમારેલ બધું શાક એક બાઉલમાં લો અને તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ પીઝા હર્બ્સ ઉમેરી લેવું. બધું બરાબર મિક્સ કરી લો.
4. હવે એક રોટલી વણો બહુ મોટી નથી વણવાની આલુ પરોઠાનું સ્ટફિંગ ભરવા માટે વણીએ એવી નાની વણવાની છે.
5. હવે બનાવેલ સ્ટફિંગને તેમાં વચ્ચે વચ્ચ મુકો. હવે તેની પર પનીર છીણી લો, હવે આજુબાજુ વણેલ રોટલીને પોટલીની જેમ ભેગું કરો અને એક લુંવું બનાવો તેમાંથી હવે હલકા હાથે પરોઠું વણી લો.
6. પરોઠું બરાબર વણાઈ જાય એટલે તેને લોઢીમાં શેકવા માટે મુકીશું. બને બાજુ થોડી ભાત (ડાઘ) પડે એટલે તેને તેલ કે બટર મૂકીને શેકી લઈશું. હવે તમને પરાઠા બનાવવાની બીજી ટેક્નિક શીખવાડી દઉં.
7 સૌથી પહેલા એક રોટલી વણો, આમાં પહેલેથી જ મોટી રોટલી વણવાની છે. વણેલ રોટલીને સાઈડ પર મુકો અને સેમ એ જ સાઈઝની બીજી એક રોટલી વણી લો.
8. હવે એ વણેલ રોટલી પર બનાવેલ શાકનું મિશ્રણ પાથરી લો. બધી બાજુ બરાબર પાથરવાનું છે. અને ફોટોમાં બતાવ્યા પ્રમાણે ધાર એટલે કે રોટલીના કિનારા છોડી દેવાના છે.
9. હવે પાથરેલા મિશ્રણ પર પનીર છીણીને ઉમેરો.
10. હવે પહેલા વણીને સાઈડ પર રાખેલ રોટલીને આ મિશ્રણ પાથરેલ રોટલી પર મૂકી દો.
11. હવે કાંટા ચમચીની મદદથી રોટલીની બધી બાજુ બરાબર દબાવી લઈશું જેથી શેકીએ ત્યારે પડ છુટા પડે નહિ.
12. હવે આ તૈયાર થયેલ પરાઠાને લોઢી પર શેકવા માટે મુકીશું. બંને બાજુ થોડી ભાત (ડાઘ) પડે એટલે તેલ, બટર કે ઘી મૂકીને આ પરાઠા શેકી લઈશું.
13. હવેનું સ્ટેપ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જેનાથી પરાઠામાં ટેસ્ટ વધી જશે. શેકાયેલ પરાઠાને એક થાળીમાં લો.
14. હવે કટરની મદદથી એ પરાઠાને ફોટોમાં બતાવ્યા પ્રમાણે કટ કરી લો.
15. હવે તેના પડને વચ્ચેથી ખોલી લઈશું, ફોટોમાં તમે જોઈ શકો છો એવી જ રીતે પડ ખોલવાના છે.
16. હવે તેની પર આપણે ફટાફટ ચીઝ છીણી લઈશું. (આ સ્ટેપ પરાઠા ગરમ હોય ત્યારે જ ફટાફટ કરવાનો છે જેથી ચીઝ મેલ્ટ થાય. જો પરાઠા ઠંડા થઇ ગયા હશે તો ચીઝ મેલ્ટ થશે નહિ.)
17. બસ હવે ચીઝ છીણીને પરાઠાના ખોલેલા પડ ફરી બંધ કરી લઈશું. હવે આ પરાઠા ખાવા માટે રેડી છે જેને તમે કેચઅપ કે ચટણી સાથે ખાઈ શકો છો.
બસ તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.