વરસાદની સિઝનમાં હવે ઘરે બનાવો ઓનિયન રિંગ્સ, ક્રિસ્પી અને ગરમાગરમ ખાવાની ખૂબ મજા પડી જશે.
વરસાદ આવતા જ આપણાં ગુજરાતીઓને ભજીયાની યાદ આવી જતી હોય છે. ભાગ્યે જ કોઈ એવું ગુજરાતી ઘર હશે જયા વરસાદ આવતા તેલનો તાવડો નહીં ચઢતો હોય. પણ જો તમે પણ એકના એક ભજીયા ખાઈને કંટાળી ગયા છો તો આજે હું તમારી માટે એક નવીન ડુંગળીના રિંગ્સના ભજીયા લઈને આવી છું. આ ભજીયા બનતા બહુ વાર પણ લાગતી નથી એટલે હવે જ્યારે પણ વરસાદ આવે ત્યારે બહુ વિચાર કરવો નહીં અને ફટાફટ આ ભજીયા બનાવી વરસાદ, ભજીયા અને ગરમાગરમ ચા કોફીનો આનંદ ઉઠાવજો.
સૌથી પહેલા આપણે આ ભજીયા બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ.
- ડુંગળી (ડુંગળી મોટી લેવી જેથી તેની ગોળ ગોળ રિંગ્સ સારી નીકળે)
- મેંદો
- કોર્ન ફ્લોર
- ચીલી ફ્લેક્સ
- બ્રેડ ક્રમ્સ અથવા તો કોર્ન ફ્લેક્સ (ક્રશ કરેલ)
- મિક્સ હર્બસ
- તેલ તળવા માટે
- મીઠું
ડુંગળીની રિંગ્સના ભજીયા બનાવવા માટેની સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રીત
1. સૌથી પહેલા ડુંગળીની રિંગ્સ બનાવી લઈશું. તેની માટે પહેલા ડુંગળીને છોલી લેવી પછી તેને ગોળ ટુકડા કરી જાડી જાડી રિંગ્સ કાપી લેવી. આ પછી રિંગ્સને ડુંગળીના પૈતામાંથી રિંગ્સ છૂટી પાડી અલગ અલગ કરી લેવી. એક પીસમાંથી ઘણી બધી રિંગ્સ અલગ અલગ કરી શકાશે. બે થી ત્રણ ડુંગળીથી જ ઘણીબધી રિંગ્સ તૈયાર થઈ જશે.
2. હવે એક બાઉલ લો તેમાં સો ગ્રામ મેંદો લો, સાથે બે ચમચી કોર્નફ્લોર ઉમેરો હવે આ બંને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો આ સાથે એક ચમચી ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ ઉમેરો. હવે આ મિશ્રણમાં પાણી ઉમેરો. ઘાટું અને જાડું ખીરું તૈયાર કરવાનું છે એ એટલે બહુ પાણી ઉમેરવું નહીં. બેટર એવું તૈયાર કરવું કે તેમાં કોઈ ગાંઠા રહી જવા જોઈએ નહીં.
3. હવે ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું. જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય પછી ડુંગળીની રિંગને પહેલા તૈયાર કરેલ બેટરમાં ડૂબાડો, આ પછી એક પ્લેટમાં બ્રેડ ક્રમસ અથવા તો કોર્ન ફ્લેક્સ ક્રશ કરી રાખવા. હવે બેટરમાંથી ડુંગળીની રિંગ કાઢીને બ્રેડ ક્રમસવાળી પ્લેટમાં મૂકો. રિંગ પર બેટર ભીનું હોવાથી તે રિંગ પર બ્રેડ ક્રમસ સારી રીતે ચોંટી જશે. આ પછી ફરી એકવાર તે તૈયાર થયેલ ડુંગળીની રિંગને બેટરમાં મિક્સ કરો.
4. હવે જ્યારે રિંગ પર સારી રીતે બેટર કોટ થઈ જાય પછી આ રિંગને ગરમ થયેલ તેલમાં મૂકી દો અને પછી તેને સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો.
5. તો તૈયાર છે તમારી ડુંગળીની રિંગ્સના ભજીયા જે એકવાર બનાવશો તો વારંવાર બધાને પસંદ આવશે. બહાર આ રિંગ્સના ભજીયા તૈયાર મળે છે જએ ખૂબ મોંઘા પણ હોય છે તો હવે આ રિંગ્સના ભજીયા તમે જાતે જ તમારા રસોડે જ બાનવી શકશો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો.
હું અશ્વિની ઠક્કર, માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો, કોઈપણ સજેશન હોય તો પણ જણાવજો અમને તમારા સજેશન જરૂર ગમશે. મારા સાસુ ખુબ મહેનતથી આ રેસિપી બનાવે છે અમને તો બધાને ખુબ પસંદ આવે છે તમે પણ ટ્રાય કરજો ઘરમાં બધાને પસંદ આવશે. અમારી યુટ્યુબ ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો. (અહીંયા ક્લિક કરો.) અમે અનેક અવનવી રેસિપી તમારા માટે મુકતા જ રહીશું. તમારા મિત્રો અને પરિવાર સાથે પણ આ પોસ્ટ શેર કરજો.