નસીબદાર દીકરો

દરરોજ આપણે આપણી આજુબાજુ ઘણા બધા કિસ્સાઓ જોતા હોઈએ છે. આજે હું પણ આ પ્રતિલિપિ એ આપેલ ટોપિક જેવો જ એક કિસ્સો તમને જણાવવા માંગુ છું.

વાત એમ હતી કે હું ઓફીસ જઈ રહી હતી ત્યાં મેં એક પેડલ રીક્ષા જોઈ તે પેડલ રીક્ષા એક કાકા કે જેમની ઉમર 60 કે 65 જેટલી લાગતી હતી તે ચલાવી રહ્યા હતા. તેમાં પાછળ લારી જેવી જગ્યા હતી જ્યાં એક ઘરડી ડોશી જેવી લાગતી મહિલા બેઠી હતી. તે ડોશી એક ફાટેલી ગોદડી પાથરી હતી તેની પર બેઠી હતી.

ઉનાળાનો આકરો તાપ હતો એટલે ડોશીએ માથે સાડીનો છેડો ઓઢયો હતો. તેનો એક ખૂણો તેણે પોતાના મોઢામાં દાંતમાં દબાવી રાખ્યો હતો જેથી તાપમાં છેડો માથામાં સારી રીતે રહે.

એ પેડલ રીક્ષા અમારી આગળ ધીમે ધીમે ચાલી રહી હતી પછી છાયા વાળી જગ્યા છોડી ને એ રીક્ષા તાપ વાળી જગ્યાએ આગળ વધે છે ત્યારે પેલી ડોશી પોતાના માથે થી ઉડી ગયેલ છેડાની પણ પરવા કરતી નથી અને અને જલ્દી થી તેની બાજુમાં પડેલ છત્રીથી સાઇકલ ચલાવનાર દીકરા પર છાંયો કરે છે.

દીકરાને છાંયડો આપી રહેલ માતા ના મોઢામાં દબાવી રાખેલ છેડો તો ક્યારનો ઉડી ગયો હોય છે. તે સાઇકલ ચલાવી રહેલ પોતાના દીકરાને સાઇકલ બાજુમાં ઉભી રાખીને પાણી પીવા માટે કહી રહી હોય છે.

હજી આગળ વધુ કાંઈક સાંભળું કે જોઉં એ પહેલાં મારી ઓફીસ આવી જાય છે. ઓફિસમાં જઈને પંચિંગ કરવાનું મારા ધ્યાન બહાર જતું રહે છે અને ઓફીસ થી દુર જતા એ માતા અને દીકરા ને હું જોયા કરું છું.

નસીબદાર છે એ દીકરો જેને આ ઉંમરે પણ માતાનો આવો પ્રેમ મળી રહ્યો છે.

– અશ્વિની ઠક્કર ‘રાધા’

error: Content is protected !!