મિત્રતા – એક મિત્ર પોતાના બીજા મિત્રનો જીવ બચાવવા માટે ઉઠાવે છે ખૂબ જહેમત પણ અચાનક.

‘મિત્રતા’

“એક તેરી યારી કા હી સાતો જન્મ હકદાર હું મેં …તેરા યાર હું મેં………”””અંશ અને આદિ લહેકા તાણી તાણી ને ગાડી માં વાગતા આ ગીત સાથે તાલ મિલાવતા અમદાવાદ થી પાલનપુર જઇ રહ્યા હતા…અંશ અને આદિ ની મિત્રતા સાથે આ ગીત એકદમ બંધબેસતું હતું એટલે એ બન્ને ને આ ગીત ખૂબ ગમતું..

આજથી 3 વર્ષ પહેલાં કોલેજ ના પ્રથમ દિવસે જ આદિ અને અંશ વચ્ચે મિત્રતા કેળવાઈ ગયી હતી…આદિ અમદાવાદ નો જ વતની જ્યારે અંશ પાલનપુર નો રહેવાસી..અમદાવાદ ની કોલેજ માં એડમિશન મળેલું એટલે હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતો..અંશ અને આદિ ને થોડા જ સમય માં એકબીજા સાથે એટલું ફાવી ગયેલું કે બન્ને હમેશા સાથે ને સાથે જ દેખાતા..એમની મિત્રતા આખી કોલેજ માં જાણીતી…

પ્રોફેસર પણ આ બન્ને ની મિત્રતા ની મિશાલ આપતા થાકતા નહિ…લોકો આ બન્ને ની મિત્રતા જોઈ મોઢામાં આંગળા નાખી જતા.આદિ ના પરિવાર સાથે પણ અંશ ને ખૂબ જ ભળતું..આદિ ની મમ્મી કઈક નવું બનાવે એટલે એ અંશ માટે આદિ જોડે ચોક્કસ મોકલાવતી…કોલેજ માં….રજા ના દિવસે…મુવી જોવા… ફરવા..ક્યાંય પણ જવાનું હોય અંશ અને આદિ જોડેને જોડે જ..સગા ભાઈઓ કરતા પણ વિશેષ બની ગયા હતા હતા બન્ને એકબીજા માટે..

કોલેજ નું ભણતર પૂરું થયું એટલે હવે છુટા પડવાનો વારો આવ્યો…અંશ આદિ ના ઘરે ઘણીવાર જઇ આવ્યો હતો પણ આદિ આજ સુધી ક્યારેય અંશ ના ઘરે પાલનપુર નહોતો ગયો..અલબત્ત અંશ ના માતા પિતા સાથે ફોન પર એ ઘણીવાર વાતો કરતો.એટલે અંશ ના માતાપિતા પણ આદિ ને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા..આજે અંશ ના ખૂબ જ આગ્રહ ના કારણે આદિ અને અંશ આદિની ગાડી લઇ પાલનપુર જઇ રહ્યા હતા..

બન્ને ખૂબ જ ખુશ હતા..બન્ને વાતો કરતા અને ગીતો ગનગણાવતા આગળ વધી રહ્યા હતા..આદિ ગાડી ચલાવી રહ્યો હતો..અચાનક જ એક મોટી ટ્રક સામેથી આવી અને આદિ ની નજરચુક થતા એ ટ્રક આદિ અને અંશ ની ગાડી સાથે ધડામ કરી ને અથડાઈ…આદિ ફંગોળાઈ ને બહાર પડ્યો…એના માથા માંથી અપાર લોહી વહી રહ્યું હતું..આદિ ત્યાં જ બેભાન થઈ ગયો..

અંશ એ રસ્તા પર જતી એક ગાડી ની મદદ થી આદિ ને દવાખાને પહોંચાડ્યો..આદિ ની હાલત ખૂબ જ ગંભીર હતી..અંશે આદિ ને તાત્કાલિક સારવાર મળે એ માટે આખું દવાખાનું માથે લીધું હતું..આમ તેમ ગાંડા ની જેમ દોડતો અંશ એક ડૉક્ટરની નજર માં આવ્યો..અને એ ડોકટરે અંશની વાત સાંભળી આદિ ને તાત્કાલિક ICU માં ખસેડયો..

નર્સે અંશ પાસે દવાખાના ના ફોર્મ પર સહી કરાવી આગળ ની ઉપચાર પ્રક્રિયા શરૂ કરી..માથા માંથી ઘણું લોહી વહી જવા ને કારણે આદિ ની હાલત અત્યંત નાજુક હતી..18 કલાક સુધી ચાલેલા આદિ ના ઓપરેશન દરમ્યાન અંશ ઓપરેશન થિયેટર ની સામે થી એક સેકન્ડ માટે પણ ખસ્યો નહોતો…ઓપરેશન બાદ ડોકટરે અંશ ને આદિ હવે ખતરા ની બહાર છે પણ એને ભાન માં આવતા 48 કલાક જેવું લાગશે એ જણાવ્યું.

48 કલાક આદિ ના ભાન માં આવવાની રાહ અંશે કાગડોળે જોઈ..એ એક મિનિટ માટે પણ આદિ પાસે થી ખસ્યો નહોતો…3 દિવસ થી એને અનાજ તો શું પાણી નું એક ટીપું પણ એના મોઢામાં નાખ્યું નહોતું..આખું હોસ્પિટલ અંશ ની આદિ માટે ની મિત્રતાના વખાણ કરતા થાકતું નહિ..આદિ ની અંશ ના જીવ માટે કુદરત સાથે ની લડત નું સાક્ષી આખું હોસ્પિટલ હતું..આખરે આદિ ને ભાન આવ્યું..ડોકટરે આ વાત અંશ ને જણાવી.

“ડોકટર સાહેબ..તમે આદિ નું ધ્યાન રાખજો..થોડીવાર માં એના પરિવાર ના સદસ્યો આવી જશે…હું જાઉં છું” અંશ ડોકટર ને એટલી વિનવણી કરી ત્યાં થી નીકળી ગયો “અરે પણ તમે એકવાર આદિ ને મળી તો લો” ડોકટરે લગભગ બૂમ પાડી ને કહ્યું પણ અંશ તો જાણે કાઈ સાંભળતો જ ન હોય તેમ હોસ્પિટલ ની બહાર નીકળી ગયો

થોડીવાર માં આદિ ના માતાપિતા હોસ્પિટલ પહોંચી ગયા…એમને રિસેપ્સન પરથી આદિ ને ક્યાં રૂમ માં રાખ્યો છે એની માહિતી મેળવી લીધી હતી એટલે સીધા જ એ આદિ પાસે પહોંચી ગયા..રસ્તા માં જ ડોકટરનો ભેટો થતા એમને ડોકટર ને આદિ ની તબિયત વિશે પૂછ્યું..આદિ હવે ભાન મા આવી ગયો છે એ સાંભળી બધા ના જીવ માં જીવ આવ્યો.બધા આદિ પાસે પહોંચી ગયા..થોડીવાર માં એક પોલીસ ઓફિસર પણ અકસ્માત નો કેસ હતો એટલે આદિ નું સ્ટેટમેન્ટ લેવા આવી પહોંચ્યા.

આદિ હવે થોડો સ્વસ્થ જણાઈ રહ્યો હતો..પોલીસ ઓફિસરે એને થોડા સવાલો પૂછ્યા જેનો આદિ એ જવાબ આપ્યો…ડોકટરે પણ પોલીસ ઓફિસર ને આદિ ને કઇ હાલત માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એની માહિતી આપી અને સાથે જ આદિ નો જ મિત્ર જે એની સાથે ગાડી માં હતો પણ હેમખેમ બચી ગયેલો અને એ જ એને હોસ્પિટલ લઈ આવેલો એ વાત પણ જણાવી..સમગ્ર સ્ટેટમેન્ટ ને પોતાના રેકોર્ડ માં નાખી પોલીસ ઓફિસર ફરી આદિ પાસે આવી બોલ્યા

“આદિ તમારી ગાડી ઍક્સિડન્ટ સ્પોટ પર જ બ્લાસ્ટ થઈ ગયી હતી જેમાંથી અમને એક મૃતદેહ મળ્યો છે..તમારા 3 મિત્રો માંથી તમે અહીંયા છો ..એક મૃત્યુ પામ્યા છે..અને આશ્ચર્ય ની વાત એ છે કે ડોકટર ના કહેવા પ્રમાણે તમારા 3જા મિત્રને જરા સરખી પણ આંચ નથી આવી..”પોલીસ ઓફિસરે જણાવ્યું

“પણ ઓફિસર ગાડી માં અમે 3 નહિ ફક્ત 2 જ મિત્ર હતા…હુ અને અંશ” આદિ એ ફોડ પડતા કહ્યું “what?? એ કેવી રીતે શક્ય છે? ડોકટરના કહેવા પ્રમાણે તમને અહીંયા તમારો મિત્ર જ લાવ્યો છે જેનું નામ અંશ હતું..તો પછી ગાડી માં જ મૃતદેહ હતો એ કોનો હતો?”ઓફિસરે એકસાથે ઘણા સવાલો કર્યા

મૃતદેહ પાસે થી મળેલી વસ્તુઓ આદિ ને બતાવવા માં આવી.અને આ બધી જ વસ્તુ અંશ ની જ હતી..એટલે એ મૃતદેહ અંશ નો જ હતો એ સાબિત થઈ ગયું.તો પછી આદિ ને હોસ્પિટલ પહોંચાડનાર કોણ હતું એ જાણવા ઓફિસરે ડોકટર પાસે cctv ના ફૂટેજ માગ્યા..સમગ્ર ફૂટેજ માં ક્યાંય અંશ ન દેખાયો..આદિ ને હોસ્પિટલ લાવ્યા ત્યાર થી લઈ ને અંશ હોસ્પિટલ માંથી નીકળ્યો ત્યાં સુધી દરેક વખતે નર્સ અને ડોકટર જાણે હવા માં કોઈની સાથે વાતો કરી રહ્યા હોય એવું જણાતું હતું…

આદિ ના માથા પર કોઈ હાથ ફેરવી રહ્યું હતું એવી એના માથા ના વાળ ની હલચલ પરથી ફૂટેજ માં સાફ જોઈ શકાતું હતું..પણ એની આસપાસ કોઈ હતું જ નહીં.ડોકટર અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ આ જોઈ સ્તબ્ધ હતો..આ કેવી રીતે શક્ય હોય..જે માણસ ને રાત દિવસ એ લોકોએ આદિ ની સેવા ચાકરી કરતા જોયો હતો એ આમ cctv ફૂટેજ માંથી ગાયબ કઈ રીતે થઈ શકે..

નર્સ ફટાફટ હોસ્પિટલ નું ફોર્મ લઈ આવી જેમાં અંશે સહી કરી હતી..એમાં પણ અંશ ની સહી અદ્રશ્ય થઈ ગઈ હતી..આદિ ના પરિવાર માં પણ અંશે જ ફોન કરી ને જણાવ્યું હતું પણ આદિ ના પિતા ના મોબાઈલ માંથી એ નંબર પણ આપમેળે ડિલિટ થઈ ગયો હતો..જાણે કોઈ ચમત્કાર થયો હોય એવું સૌ અનુભવી રહ્યા હતા…અચાનક આદિ ના કાન ચમક્યા..એને જાણે દૂર દૂર પેલું ગીત સંભળાઈ રહ્યું હતું “એક તેરી યારી કા હી સાતો જન્મ હકદાર હું મેં…..તેરા યાર હું મેં……..”” આદિ સફાળો ઉભો થઇ હોસ્પિટલ ના એ રૂમ ની બહાર જોવા લાગ્યો…સામે આકાશ માં ખૂબ જ આછા પ્રકાશ માં જાણે એને અંશ દેખાઈ રહ્યો હતો.

લેખક : કોમલ રાઠોડ “અનિકા”

તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.

error: Content is protected !!