મઠરી – ક્રિસ્પી અને પડવાળી મઠરી પરફેક્ટ બનાવતા શીખો.

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે લાવી છું નાસ્તામાં લઈ શકાય એવી મઠરી બનાવવા માટેની સરળ રેસિપી. આપણા દરેકના ઘરમાં અવારનવાર અનેક નાસ્તા બનાવતા જ હશો. તહેવાર કોઈપણ હોય નાસ્તો તો જોઈએ જ આજે જે નાસ્તો બનાવવાની રેસિપી હું તમને જણાવવાની છું એ તમે દિવાળી, હોળી અને રેગ્યુલર નાસ્તામાં પણ લઈ શકો છો. આ મઠરી તમને ક્યાંય પણ દુકાને લગભગ નહિ જ મળે એટલે ઘરે જ બનાવજો.

નાના મોટા દરેકને પસંદ આવશે આ મઠરી. ખાવામાં ક્રન્ચી, ઘરના વડીલો પણ ખાઈ શકે એવી પોચી પણ છે એટલે ઘરમાં બધાને પસંદ આવશે એકવાર બનાવજો અને વારંવાર ફરમાઈશ સ્વીકારજો અને હા આ રેસિપી સેવ જરૂર કરજો, ફરી ક્યારેક કામ લાગશે.

સામગ્રી

  • મેંદો – 250 ગ્રામ
  • ઘી – મોણ માટે 3 ચમચી
  • મરીયા પાવડર – અડધી ચમચી
  • ચીલી ફ્લેક્સ – અડધી ચમચી
  • અજમો – અડધી ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • તેલ – તળવા માટે

મઠરી બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા લોટ બાંધવાના વાસણમાં મેંદાનો લોટ લઈશું

2. હવે તેમાં ઘીનું મોણ ઉમેરીશું

3. હવે તેમાં મરીયાનો પાવડર અને સાથે અજમો અને ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશું.

4. હવે લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અમે થોડું ચઢિયાતું મીઠું ખાઈએ છીએ એટલે વધારે ઉમેરીએ છીએ.

5. હવે બધું બરાબર મિક્સ કરી લો. બધું બરાબર મિક્સ કરો પછી મુઠ્ઠી વાળી જુઓ જો તરત બંધાઈ જાય તો મોણ બરાબર પડ્યું છે જો મુઠ્ઠી ના વળે તો થોડું ઘી ઉમેરીને ફરીથી બધું મિક્સ કરો.

6. હવે તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરીને લોટ બાંધી લો, લોટને ભાખરી જેટલો કઠણ પણ નથી બાંધવાનો રોટલી જેટલો ઢીલો પણ નથી બાંધવાનો.

7. હવે આ બાંધેલા લોટને 10 મિનિટ ઢાંકીને મૂકી રાખો.

8. હવે આપણે ઘી અને મેંદાની સ્લરી બનાવીશું જેની મદદથી મઠરીમાં સરસ પડ થશે.

9. તેના માટે એક વાટકીમાં ત્રણ ચમચી ઘી લેવું.

10. હવે એ ઘીમાં એક ચમચી કોર્નફ્લોર અને એક ચમચી ચોખાનો લોટ ઉમેરો.

11. આ બધું બરાબર મિક્સ કરવાનું છે, બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે એક જ દિશામાં બરાબર ફીણી શકો આમ કરવાથી સ્લરીમાં કોઈપણ ગઠ્ઠા રહેશે નહિ.

12. હવે બાંધેલા લોટમાંથી એક મોટી રોટલી વણી લઈશું, બને એટલી પાતળી વણવાની જેથી પડ સરળ છુટા છુટા અને ક્રિસ્પી બને.

13. હવે બનાવેલ સ્લરીને એ રોટલી પર પાથરો. જો ચમચીથી બરાબર ના થાય તો હાથથી પણ પ્રમાણસર સ્લરી આખી રોટલી પર લગાવી લો. ફોટોમાં બતાવ્યા પ્રમાણે.

14. હવે આ સ્લરી લગાવેલ રોટલીને એક બાજુથી ધીમે ધીમે ઉખાડીને ફોટોમાં બતાવ્યા પ્રમાણે રોલ વાળી લો.

15. હવે એ રોલમાંથી પ્રમાણસર લુવા કટ કરી લો, ફોટોમાં બતાવ્યા પ્રમાણે કટ કરજો.

16. હવે લુવાને ફોટોમાં બતાવ્યા પ્રમાણે પ્રેસ કરો અને પછી તેને નાની વણી લો. વણતી વખતે થોડી સંભાળ રાખવાની છે આ જ એ મેઈન સ્ટેપ હોય છે જેનાથી તમારી મઠરીમાં બરાબર પડ બનશે.

17. બધી પૂરીઓ બરાબર વણી લો અને પછી મઠરી તળવાની શરૂઆત કરી શકશો.

18. હવે વારાફરતી મઠરી તેલમાં ઉમેરો અને ધીમા તાપે તળો. મઠરી એ સૌથી પહેલા નીચે જ રહેશે અને ધીમે ધીમે તેલ પર ઉપર આવતી દેખાશે.

19. મઠરી બરાબર ક્રન્ચી થશે અને તેલમાં તળાતી હોય ત્યારે જ તેના પડ છુટા પડતા તમે જોઈ શકશો.

20. બસ હવે આ બધી મઠરી તળીને તૈયાર કરી લો. હવે આને તમે એક ડબ્બામાં ભરીને રાખી દો, હવે આને તમે ચા, કોફી અને દૂધ સાથે પણ લઈ શકો છો.

તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

error: Content is protected !!