ઘરે બનાવેલ દહીંથી પરફેક્ટ બનશે આ મઠો, તો શીખો કેવીરીતે બનાવશો ક્રીમી મઠો
ડ્રાયફ્રુટ મઠો
અમારા વેવાઈ સુરતના છે અને દરેક ઉનાળા વેકેશનમાં વહુ પિયર જાય ત્યારે વેવાઈ ત્યાં મળતો ક્રીમી પાઈનેપલ મઠો અમારી માટે મોકલે છે પણ આ કોરોનની કઠણાઈને કારણે સુરત જવું પોસિબલ નહોતું એટલે હવે આ ઉનાળામાં વહુને અહીંયા ઘરે જ સુરત મળે છે તેવો ક્રીમી મઠો બનાવી આપ્યો, તો આવો તમને પણ શીખવાડી દઉં કે કેવીરીતે આ મઠો બનાવ્યો.
સૌથી પહેલા જણાવી દઉં કે આ મઠો બનાવવા માટે તમારે ઘરનું બનાવેલ દહીં જ જોઈશે એટલે આની સાથે પરફેક્ટ દહીં મેળવવાની રીત પણ જણાવી રહી છું. ઉનાળો છે એટલે દહીં સમયમાં બની જતું હોય છે એટલે વધુ સમય બહાર રાખતા નહિ નહિ તો ખાટું થઇ જશે અને પછી મઠો બનાવવામાં વધુ ખાંડ ઉમેરવી પડશે. તો ચાલો જાણી લો મઠો બનાવવાની સરળ રેસિપી.
જરૂરી સામગ્રી : ( ચાર વ્યક્તિઓ માટે)
- દૂધ 1 લીટર (ફૂલ ફેટ વાળું)
- ખાંડ (મઠો બનાવવા મસ્કો જેટલો બને એનાથી થોડી ઓછી ખાંડ લેવી)
- દહીં 1 ચમચી (મેળવણ માટે)
- કાજુ, બદામ, દ્રાક્ષ, ચારોળી, જાયફળ અને ઈલાયચી – સ્વાદ પ્રમાણે (ઈલાયચી ના ફાવે તો ના નાખતા)
બનાવવાની સરળ રીત:
1. સૌથી પહેલા દહીં બનાવીશું તો દૂધને થોડું ગરમ કરી લેવું (ઉકાળશો નહિ તો ચાલશે.) ત્યારબાદ દૂધ રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થાય એટલે એ દહીં બનાવવા માટે રેડી છે એમ સમજવું.
2. જે પાત્રમાં દહીં બનાવવાના હોય તેમાં દહીંને (મેળવણ) ચારે તરફ ફેલાવી દેવું,
3. એ પાત્રમાં નોર્મલ થયેલ દૂધ ઉમેરવું, અને અહીંયા ફોટોમાં બતાવ્યા પ્રમાણે બે થી ત્રણ વાર ઉપર નીચે કરવું. (એક વાસણમાંથી બીજામાં અને બીજા વાસણમાંથી પહેલા વાસણમાં ટ્રાન્સફર કરવું) આ પ્રોસેસ કરવાથી દહીં બહુ જ ક્રીમી અને ચોસલા પડે એવું બનશે. (ઉનાળામાં બે થી ત્રણ કલાકમાં દહીં બની જશે.)
4. હવે બનેલ દહીંમાંથી આપણે મઠો બનાવવા માટે મસ્કો બનાવીશું.
5. કાણાંવાળા વાટકાને એક બાઉલ પર મુકો.
6. ત્યારબાદ એ વાટકામાં એક પાતળો થોડો ઘસાઈ ગયેલ હાથરૂમાલ અથવા કોટનનું કપડું પાથરવું.
7. એ કપડામાં હવે બનેલ દહીં લો.
8. ફોટોમાં બતાવ્યા પ્રમાણે દહીંને એ રૂમાલમાં બાંધી દેવું.
9. પછી એ તૈયાર થયેલ પોટલીને એવી જગ્યાએ લટકાવી કે જેથી તેમાંથી બધું પાણી ધીરે ધીરે નીતરી શકે. (જ્યાં મુકો ત્યાં નીચે કોઈ વાસણ મુકજો જેથી પાણી નીતરે તો તમારી એ જગ્યા ગંદી ના થાય.)
10. 5 થી 6 કલાક આ પોટલી લબડાવી રાખવાની છે જેથી બધું પાણી તેમાંથી નીકળી જાય.
11. તમે જોઈ શકો છો મસ્કો બની ગયો છે હવે એક વાસણમાં જેમાં મઠો બનાવવો હોય તેમાં એ મસ્કો લેવો.
12. હવે તેમાં ખાંડ ઉમેરવી.
13. હવે બંને વસ્તુઓને બરોબર મિક્સ કરી લેવી (ટ્રાય કરો કે એક જ દિશામાં ફેંટી શકો, જેનાથી મઠાનું ટેક્ષર એકદમ ક્રીમી આવશે)
14. બરોબર મિક્સ થશે એટલે તમે જોઈ શકો છો કે એ મિશ્રણ એકદમ લિસ્સું અને સાઇની થઇ ગયું હશે.
15. હવે તેમાં જરૂર પૂરતા ડ્રાયફ્રુટ ઉમેરવા (જાયફળ જીણી છીણીથી છીણવું)
16. તો તૈયાર છે આ ક્રીમી મઠો (થોડો ચાખી લેજો અને પછી ઠંડો થવા ફ્રીઝમાં મૂકી દેવો.)
17. જે મિત્રોને કેસર મઠો ખાવો હોય તે કેસરના બે તાંતણા પણ ખાંડ ઉમેરો તેની સાથે ઉમેરી શકો.
આ મઠો તમે રોટલી, તીખી પુરી, લોચા પુરી, ભાખરી, તીખી ભાખરી, પરોઠા વગેરે સાથે ખાઈ શકો છો, એમ ને એમ પણ ખાઈ શકો.