પાકી કેરીનું ખાટુંમીઠું શાક.
આજે બાળકોની ફરમાઈશ હતી કે રસ અને પડવાળી રોટલી બનાવવી એટલે કેરીની પેટીમાંથી કેરી લીધી અને સમારી ત્યાં અમારા સાક્ષીબેન ચાખીને કહે આ તો બહુ ખાટી છે બા, તો અલગ કરીને ફ્રીઝમાં મૂકી દીધી. રસ રોટલી તો ખવાઈ ગયું પણ હવે સવાલ હતો પેલી ફ્રીઝમાં મુકેલી ખાટી કેરીનો તો તેનું મેં શાક બનાવવાનું વિચાર્યું, વહુને નવીન ખાવાનો શોખ છે એટલે એને ગમશે એટલે બનાવ્યું. સારું બન્યું હતું એટલે તમારા બધા માટે પણ આજે એ શાકની ટેસ્ટી રેસિપી લાવી છું તો ચાલો શીખી લઈએ.
ખાસ વાત આ શાકની એ પણ છે કે કેરીમાંથી નીકળેલ ગોટલો પણ તમે આ શાકમાં ઉમેરી શકો છો, મને તો આ શાક બન્યા પછી તેમાં રહેલ ગોટલો ખાવો વધુ પસંદ છે. તમને પણ પસંદ આવશે જ એટલે એકવાર બનાવજો અને જણાવજો કે કેવું બન્યું છે આ શાક, હા આ લિંક સેવ કરીને રાખજો એટલે જયારે કેરી ખાટી નીકળે ત્યારે બનાવી શકો.
સામગ્રી :
- 2 પાકી કેરી (સમારેલી ગોટલો પણ ઉમેરી શકો)
- 1 ચમચી મરચું
- અડધી ચમચી હળદર
- 1 ચમચી ધાણાજીરું
- અડધી ચમચી ગરમમસાલો (ઓપશનલ)
- 1 નાની વાટકી ખાંડ (જો કેરી વધુ ખાટી હોય તો વધુ ખાંડ જોઈશે, ગોળ પણ લઇ શકો છો.)
- ચપટી હિંગ
- મીઠું સ્વાદાનુસાર
- લાલ સૂકા મરચા 2 નંગ
- વઘાર માટે : રાઈ, સૂકી મેથીદાણા, મીઠો લીમડો
- તેલ જરૂર મુજબ
બનાવવાની સરળ રીત :
કૂકરમાં શાક વધારવા માટે તેલ મુકો.
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સૂકા લાલ મરચા, મેથીદાણા, મીઠો લીમડો ઉમેરો.
થોડીવારમાં રાઈ ફૂટે એટલે હવે તેમાં હિંગ ઉમેરો
હિંગ પછી તરત જ પાકી કેરીના ટુકડા ઉમેરવા (આની સાથે કેરીમાંથી અલગ કરેલ ગોટલો પણ ઉમેરી શકો. પાકી મીઠી કેરીનું શાક પણ સારું લાગે છે એટલે ખાટી કેરી ના નીકળે તો પણ મીઠી કેરીનું શાક પણ બની શકે)
હવે તેમાં મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરવું
ખાંડ પણ આ મસાલાની સાથે ઉમેરી દેવી હવે બધું બરાબર હલાવી લેવું,
હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરવું (પાણી ઉમેરવાથી શાકમાં ટેસ્ટી રસો બનશે જેનાથી કેરીમાં અને ગોટલામાં રસો બરાબર પહોંચશે અને શાક વધુ ટેસ્ટી લાગશે)
હવે કુકર બંધ કરીને ત્રણ સીટી વગાડવી.
હવે શાક બની ગયું છે તમે જોઈ શકશો કે કૂકરમાં તેલ ઉપર આવી ગયું છે. (શાકમાં તેલ ઉપર આવે એટલે સમજવું કે શાક બરોબર થઇ ગયું છે.)
હવે શાક રેડી છે તો થાળીમાં પીરસો અને આનંદ માણો. આ શાક સાથે તીખા થેપલા એટલે કે ચોપડા સારા લાગે છે તમે ઈચ્છો તો આ શાક સાથે રોટલી, પરાઠા, પુરી કે ભાખરી પણ ખાઈ શકો છો.
કેવી લાગી આ રેસિપી કોમેન્ટમાં જરૂર જણાવજો.