ખોખરા ચણા – નાસ્તામાં ખવાય એવા ચણા બનાવવા માટેની સરળ રેસિપી.

કેમ છો મિત્રો? દેશી ચણાને આપણે શાક બનાવવા, પાણી પુરીના મસાલામાં વગેરે જેવી અનેક વાનગીઓમાં લેતા હોઈએ છીએ પણ આજે હું લાવી છું નાસ્તામાં ખવાય એવા ચણા બનાવવા માટેની સરળ રેસિપી. તમે અવારનવાર દુકાનમાંથી મળતા મસાલા ચણા લાવતા હશો પણ શું તમે ક્યારેય ઘરે બનાવવા માટે પ્રયત્ન કર્યો છે? જો ના તો અહીંયા બહુ સહેલી રીતથી તમને બનાવતા શીખવીશ.

ઘરમાં નાના મોટા દરેકને ખુબ પસંદ આવશે આ ચણા. અમારા ઘરમાં રાત્રે જમી લીધા પછી અને સુવાના થોડા સમય પહેલા બધાને કાંઈકને કાંઈક ખાવા જોઈએ જ તો રોજ તો એપલ કે બીજા ફ્રૂટ અને શીંગ ચણા ખાતા હોઈએ છીએ પણ હવે આ ખોખરા ચણા પણ તેમાં ઉમેરાઈ ગયા છે. તો આવો શીખી લઈએ ફટાફટ અને હા તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો.

સામગ્રી

  • દેશી ચણા – 250 ગ્રામ
  • તેલ – તળવા માટે
  • લાલ મરચું – અડધી ચમચી
  • શેકેલું જીરું પાવડર – અડધી ચમચી
  • સંચળ – અડધાની અડધી ચમચી
  • હિંગ – એક ચપટી
  • મીઠું – જરૂર મુજબ
  • મરીયા પાવડર – અડધાની અડધી ચમચી
  • આમચૂર પાવડર – અડધી ચમચી
  • ધાણાજીરું – અડધી ચમચી

ખોખરા ચણા બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા દેશી ચણાને આખી રાત પલાળી રાખો. અથવા 6 થી 7 કલાક પણ પલાળી શકો.

2. હવે પલળેલા ચણાને પાણીમાંથી નિતારીને એક દુપટ્ટામાં કે કોટનના કોઈ કપડામાં છુટા પથારી દો જેથી તે એકદમ કોરા થઇ જાય.

3. હવે કોરા કરેલ ચણાને ગરમ થયેલ તેલમાં તળવા માટે ઉમેરી લો. ચણા તેલમાં ઉમેરશો ત્યારે તે નીચે બેસી જશે અને પછી ધીમે ધીમે ઉપર આવશે.

4. ગેસ એકદમ ધીમો રાખવાનો છે જેથી ચણા અંદરથી બરાબર ક્રન્ચી થઇ જાય.

5. એક ખાસ વાત કે જયારે ચણા તળાતા હોય ત્યારે એ ગેસથી દૂર રહેજો કેમ કે જયારે ચણા ફૂટશે તો તેમાંથી તેલ ઉડશે જેનાથી તમે દાઝી પણ શકો છો.

6. તમે ઈચ્છો તો થોડીવાર એ તેલના તાંસળાંને ઢાંકી પણ શકો છો જેથી ચણા ફૂટે ત્યારે તેલ બહુ ઉડે નહિ.

7. થોડીવાર પછી તમે જોશો કે ચણા તેલમાં ઉપર આવી ગયા હશે અને બહુ હલકા ફુલ્કા થઇ ગયા હશે. આવું થાય ત્યારે સમજો કે ચણા બરાબર તળાઈ ગયા છે.

8. હવે ચણાને કાઢી લો જો તમને વધારે તેલ પસંદ નથી તો તમે ચણાને ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી તેલ શોષવાય જાય.

9. હવે ચણાને એક બાઉલમાં લઈ લો.

10. હવે મસાલો બનાવવા માટે એક ડીશમાં લાલ મરચું, મીઠું, સંચળ, આમચૂર પાવડર, હિંગ, ધાણાજીરું, મરીયા પાવડર અને શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું.

11. હવે બધો મસાલો બાઉલમાં કાઢેલ ચણામાં ઉમેરી લો.

12. હવે ચણા અને મસાલો બધું બરાબર મિક્સ કરી લો. તમે જોઈ શકશો કે મસાલો ચણા પર બરાબર ચોંટી ગયો છે.

બસ તો તૈયાર છે આ સરળ ચણા બનાવવાની રેસિપી. બાળકો જયારે ઘરે ટીવી જોતા હોય અને પોપકોર્ન કે વેફર ખાવા માંગે ત્યારે તેમને આ ક્રન્ચી ચણા આપજો. તેમને ભાવશે પણ જરૂર અને ચણા ખાવા એ સ્વાસ્થ્ય માટે બહુ સારા છે. તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.

આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

error: Content is protected !!