કોઈપણ નાસ્તામાં ઉમેરવા જીણી સેવ હવે ઘરે જ બનાવો, સસ્તી પણ પડશે.

જયારે પણ ઘરમાં કોઈ નાસ્તો બનાવવાનો હોય તો સેવ આપણે બહારથી મંગાવીએ છીએ. હું પણ પહેલા એવું જ કરતી હતી નાયલોન પૌવાનો કેવડો બનાવું, મસાલા પુરી, સેવ પુરી પછી મમરા પણ વઘારું તો મમરા બહારથી જ લાવતા હતા, પણ પછી આવ્યું લોકડાઉન એટલે હવે ઘરે જ બનાવવાનું શરુ કર્યું. પહેલા પણ સેવ ઘરે બનતી હતી પણ એમાં પરફેક્શન જોઈએ એટલે હવે હું પરફેક્ટ સેવ બનાવવા માટેની પરફેક્ટ રીત તમને જણાવીશ.

તો હવે ચાલો ફટાફટ તમે પણ શીખો અને પરફેક્ટ માપનું ખાસ ધ્યાન રાખજો.

સામગ્રી

  • બેસન – 250 ગ્રામ
  • હળદર (ઓપશનલ) – એક ચપટી
  • મીઠું – અડધી ચમચી
  • પાણી – અડધો કપ
  • તેલ – 3 મોટી ચમચી

સેવ બનાવવા માટેની સરળ રીત

1. સૌથી પહેલા આપણે બેસનનો લોટ બાંધવા માટે એક મિશ્રણ બનાવીશું જેની મદદથી તમારી સેવ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તેના માટે એક મીક્ષરના કપમાં પાણી ઉમેરો.

2. હવે પાણી ઉમેરેલા કપમાં તેલ ઉમેરો.

3. આ મિશ્રણને મીક્ષરની મદદથી બરાબર મિક્સ કરો. મિશ્રણ એકદમ સફેદ થઇ જવું જોઈએ.

4. હવે એક વાસણમાં બધું બેસન જીણી ચારણી વડે ચાળી લો.

5. હવે ચાળેલા લોટમાં હળદર અને મીઠું ઉમેરો

6. હવે બરાબર બધું મિક્સ કરી લો.

7. હવે પાણી અને તેલનું જે મિશ્રણ બનાવ્યું હતું તે ઉમેરીને સેવ બનાવવા માટે લોટ બાંધીશુ, ટ્રાય કરો કે તમે જે તેલ અને પાણીનું મિશ્રણ બનાવ્યું છે તેનાથી લોટ બંધાઈ જ જાય. લોટ વધુ હોય તો એ પ્રમાણે વધારે પાણી અને તેલનું મિશ્રણ તૈયાર કરવું.

8. તેલ પાણીના મિશ્રણથી બરોબર લોટ બાંધી લો, બહુ ઢીલો નહિ અને રોટલીથી થોડો નરમ રાખજો. છેલ્લે લોટ હાથ પર બહુ ચોંટશે એના માટે હાથમાં તેલ લગાવો અને ધીરે ધીરે કણક તૈયાર કરો તેના લીધે હાથ પરનો બધો ચોંટેલો લોટ એ બાંધેલા લોટ સાથે ભળી જશે.

9. હવે આ લોટને બરાબર બાંધી લો, તેલ વાળો હોવાથી બાંધેલો લોટ હાથ પર ચોંટશે નહિ.

10. હવે આપણે સેવ પાડવા માટેના સંચાને તેલ લગાવીશું સંચાની અંદર, સંચાની જાળી પર પણ તેલ લગાવશો.

11. હવે તેલથી ગ્રીસ કરેલા સંચામાં બાંધેલા લોટને સંચામાં બરાબર આવી રહે એ રીતે ભરીશું.

12. ઢાંકણું બંધ કરીને સંચો તૈયાર કરો અને બીજી બાજુ તેલ ગરમ કરવા માટે એક લોયામાં ગેસ પર મુકો.

13. હવે સંચાની મદદથી થોડી વ્યવસ્થિત રીતે તેલમાં છૂટી છૂટી જગ્યાએ સેવ પાડો. (સેવનું ગૂંચળું બરાબર પડે તેના માટે સંચાને સતત ચાલુ રાખો.)

14. તેલમાં સમાય એટલું જ ગૂંચળું પાડવું વધારે પડતું મોટું ગૂંચળું કરવાથી સેવના ગૂંચળાની વચ્ચે રહેલ કાચી સેવ ચઢશે નહિ અને સેવ કાચી રહી જશે.

15. હવે એકવાર સેવના ગૂંચળાને પલટાવી લો જેથી ઉપરની બાજુ રહેલ સેવ પણ બરોબર ચઢી જાય.

16 બસ આવી જ રીતે બાકીની સેવ પણ સંચાની મદદથી ગરમ તેલમાં પાડી લો. (સેવનું ગૂંચળું તેલમાં બરોબર પડી જાય પછી ગેસ થોડો ધીમો કરી દો જેથી સેવ બળે નહિ અને પરફેક્ટ તૈયાર થાય.)

તો હવે કોઈપણ વાનગી કે જેમાં સેવનો ઉપયોગ કરવામાં આવે છે તેની માટે હવે સેવ તમે ઘરે જ બનાવી શકશો. તમને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો જરૂર. આવજો ત્યારે ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!