જિંદગી… તારો શુ ભરોસો – મિત્રોને મળવાના પ્લાનીંગમાં ને પ્લાનીંગમાં સીધી આપના બેસણામાં જ મુલાકાત થાય ત્યારે શું?

આજે બપોરથી જ મન જાણે ત્યાં જ ચોંટી ગયું છે. બપોરે 12 વાગ્યાની આસપાસ મને ટીવીના જાણીતા કલાકાર સિદ્ધાર્થ શુકલાના અવસાન વિશે ખબર પડી, એક ક્ષણ માટે તો જાણે હું થંભી ગઈ. કોઈ અંગત સંબંધ તો નહોતો એમની સાથે પણ સાવ 40 વર્ષની ઉંમરમાં કોઈ વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બને અને આ દુનિયા છોડીને ચાલ્યો જાય એ વાત જાણે મને રહી રહીને દુઃખી કરી રહી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સિદ્ધાર્થના મિત્રો, એમના પરિવારજનો, એમના સહકલાકારો અને એમના ફેન એમના આમ અચાનક થયેલા અવસાનથી ઊંડા શોકમાં છે.

સિદ્ધાર્થના આમ અચાનક ચાલ્યા ગયા પછી એમના ઘણા મિત્રોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે કોઈ કહી દો કે આ સમાચાર ખોટા છે. ટૂંકમાં સિદ્ધાર્થના અવસાનને સહજ સ્વીકારી શકાય એમ તો નથી જ. કાલ સુધી હસતો માણસ આજે લોકોની ફક્ત યાદો બનીને રહી ગયો, એની પાછળ એની માતા અને બહેનોને નિરાધાર કરીને મુકતો ગયો.

ક્યારેક એવું લાગે કે આ જીંદગી ખૂબ જ ક્રૂર છે, આપણે પેંશન સ્કીમનો લાભ લઇ શકાય એવા પ્લાનિંગ કરીને બેઠા હોય ને આ જિંદગી પળવારમાં આપણી જીવનદોરી ખેંચી લે. અને આપણી પાછળ રહી જાય આપના પરિવારજનોના રડતા ચહેરા. એ ચહેરાઓ પણ સમયની સાથે એડજસ્ટ થવા લાગે. પણ એ અચાનક ચાલ્યા ગયેલા માણસના અધૂરા સપનાઓનું શુ?

આજે મહેનત કરી લઈએ, તો કાલ શાંતિથી વિતાવી શકાય, એવી ગણતરીઓ ખોટી પડે ત્યારે શું? નાનકડા દીકરા કે દીકરીને રવિવારે આઈસ્ક્રીમ ખવડાવવાનો વાયદો આપી તો દઈએ પણ એ રવિવાર આવે જ નહીં તો શું? મિત્રોને મળવાના પ્લાનીંગમાં ને પ્લાનીંગમાં સીધી આપના બેસણામાં જ મુલાકાત થાય ત્યારે શું? મનગમતી વ્યક્તિને દિલની વાત કહેવાનો મોકો શોધી રહ્યા હોય પણ એ દિવસ આવે એ પહેલાં જ શ્વાસ થંભી જાય ત્યારે શુ?

ખરેખર આ જિંદગીનો કઈ ભરોસો નથી. જેની સાથે અઢળક વાતો કરવી હોય એ વ્યક્તિ ફક્ત યાદો બનીને રહી જાય એવી પળોનો સામનો કરવો ખરેખર કપરો બની જાય છે. જે કાલને ભવ્ય અને સુખમય બનાવવા માટે આજનો આપણે ભોગ આપી રહ્યા છે એ કાલ કદાચ ન પણ આવે એવું પણ બને. એના કરતાં એવું કેમ ન કરી શકાય કે દરેક દિવસને આજે જ માણી લઈએ, જેમ દુઃખને આપણે મુલતવી નથી રાખી શકતા એમ સુખને પણ મુલતવી ન રાખીએ. જિંદગીની દરેક ક્ષણને એ જ ક્ષણે માણી લઈએ. મનગમતી વ્યક્તિના હાથમાં હાથ પરોવીને આજે જ જીવી લઈએ, મિત્રોના ટોળામાં એકાદ જોક સંભળાવી હસતા હસતા એકબીજાને તાળી આજે જ આપી દઈએ.

આવતીકાલે દીવાલ પર ફોટો બનીને લટકી જઈએ એ પહેલાં એ ફોટા માટે લોકોને સિલેક્શન કરવું પડે એટલી અઢળક યાદો આજે જ ભેગી કરી લઈએ…અને કહી દઈએ હકથી આ જિંદગીને કે અમે તો મન ભરીને માણી લઈશું તને…બાકી તારો શુ ભરોસો.

લેખક : કોમલ રાઠોડ “અનિકા”

તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!