ઝટપટ લસણિયા બટેટા – તીખુ ખાવાના શોખીન લોકો માટે ખાસ આ મસાલેદાર સબ્જી.
નામ લેતાની સાથે જ મોમાં પાણી આવી જાય તેવા લસણીયા બટેટા એ એક કાઠિયાવાડી મસાલેદાર સબ્જી છે. જે ખાસ બેબી પોટેટો-નાના બટેટામાંથી બનાવવામાં આવે છે. તીખુ ખાવાના શોખીન લોકો માટે આ મસાલેદાર સબ્જી ખાવીએ ખૂબજ આનંદદાયક બાબત છે. યંગ્સ આ સબ્જીને ચોખાના પાપડ, ભુંગળા કે ફ્રાયમ્સ કે બ્રેડ સાથે ખાવાનો આનંદ લ્યે છે. મોટા લોકો તેને પરોઠા પુરી કે ફુલકા રોટલી સાથે ભોજનમાં લેતા હોય છે. અહીં હું આપ સૌ માટે ઇંસ્ટંટ લસણીયા બટેટા બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ટેસ્ટમાં બેસ્ટ છે. ખૂબજ જલ્દી અને સરળતાથી બની જાય છે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.
ઇંસ્ટંટ લસણિયા બટેટા બનાવવા માટેની સામગ્રી :
- 8 નાના બટેટા ( બેબી પોટેટો)
- 10-12 લસણની ફોલેલી કળી
- 1 ઓનિયન બારીક કાપેલી
- 1 ઇંચ આદુ – ખમણેલું
- 2 થી 3 ટેબલ સ્પુન ઓઇલ
- 2 સુકા લાલ મરચા – વઘાર માટેના
- 1 બાદિયાન
- 1 તજ પત્તુ
- ½ ટી સ્પુન આખુ જીરુ
- 1 ટેબલ સ્પુન આંબલીનો ખાટો -મીઠો પલ્પ
- ½ ટી સ્પુન કસુરી મેથી
- સ્વાદ મુજબ સોલ્ટ
- 1 ટી સ્પુન સુગર
- 2 મિડિયમ સાઈઝનાં ટમેટા – સમારેલા
- 3 ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર
- 1 ટી સ્પુન આખું જીરુ(મસાલા માટે)
- 1 ટી સ્પુન + 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તીખું મરચુ પાવડર
- ¼ ટી સ્પુન હળદર પાવડર
- ¼ ટી સ્પુન ચાટ મસાલો
- ¼ ટી સ્પુન ગરમ મસાલો
- 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
ઇંસ્ટંટ લસણિયા બટેટા બનાવવાની રીત :
(લસણીયા બટેટા બનાવવા માટે નાના બટેટાના હોય તો મોટા બટેટાની છાલ કાઢી તેના થોડા મોટા સ્ક્વેર કરી લેવા).
નાના બટેટા(બેબી પોટટો) લઇ તેની છાલ કાઢી પાણીથી ધોઇ તેમાં બન્ને સાઇડ ( ઉપર નીચે ) ચપ્પુ વડે 1-1 કાપો કરી લેવો. ( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ). ત્યારબાદ પાણીમાં રાખવા. તેમ કરવાથી પાડેલા કાપા થોડા ખૂલી જશે. (જેથી મસાલો અંદર સુધી ચડી શકે).
*હવે લસણીયો મસાલો કરવા માટે બધા મસાલા ગ્રાઇંડરના જારમાં ઉમેરી ગ્રાઇંડ કરવાના છે. તેના માટે નાનો ગ્રાઇંડર જાર લઇ તેમાં 10-12 લસણની ફોલેલી કળી મૂકો. ત્યારબાદ તેમાં 3 ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર, ¼ ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તીખું મરચુ પાવડર ( જેઓ વધારે તીખુ ખાતા હોય તેઓએ મરચુનું પ્રમાણ વધારે લેવું-લસણની તીખાશ પણ આવશે તે પ્રમાણે મરચુ પાવડર લેવો.) ઉમેરો.
સાથે તેમાં ¼ ટી સ્પુન ચાટ મસાલો, ¼ ટી સ્પુન ગરમ મસાલો, સ્વાદ મુજબ સોલ્ટ, 1 ટી સ્પુન આખું જીરું ઉમેરી, બધા મસાલા ગ્રાઇંડ કરી લ્યો. હવે તેમાં 2 મિડિયમ સાઈઝ્ના સમારેલા ટમેટા ઉમેરી ફરીથી ગ્રાઇંડ કરી સ્મુધ પેસ્ટ બનાવો.આ લસણીયા બટેટા પ્રેશર કુકરમાં કરવાથી ખૂબજ જલદી અને સ્વાદિષ્ટ બને છે અને બધો લસણિયો મસાલો બટેટામાં ખૂબ સરસ રીતે ચડી જાય છે.
પ્રેશર કુકરમાં 2-3 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો.( લસણીયા બટેટામાં વધારે ઓઇલ લેવાથી વધારે સ્વાદિષ્ટ સબ્જી બનશે) તેને મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. તેમાં 2 સુકા વઘાર માટેના લાલ મરચા, 1 બાદિયાન, 1 તજ પત્તુ અને ½ ટી સ્પુન આખુ જીરું ઉમેરી વઘાર કરો. બરાબર સાંતળાય એટલે તેમાં 1 બારીક કાપેલી ઓનિયન અને 1 ઇંચ ખમણેલું આદુ ઉમેરી મિક્ષ કરી સાંતળો.
બરાબર સંતળાય એટલે તેમાં ગ્રાઇંડ કરેલા મસાલાની લસણ-ટમેટા વાળી સ્મુધ પેસ્ટ ઉમેરો. મિક્ષ કરી, તેને સતત હલાવતા જઈ તેને સાંતળો. ટમેટાની કચાશ દૂર થાય અને તેમાંથી ઓઇલ છુટું પડતુ દેખાય ત્યાં સુધી સાંતળો. તેમાં 1 ટી સ્પુન કાશ્મીરી મરચું ઉમેરો. ( ગ્રેવીમાં વધારે રેડ કલર લાવવા માટે ).
ત્યારબાદ ગ્રાઇંડર જારમાં ¾ કપ પાણી ઉમેરી, (જેથી તેમાં લાગેલા બધા મસાલા આવી જાય અને બટેટા સરસ કૂક થઈ જાય) બનેલી લસણીયા ગ્રેવીમાં ઉમેરી મિક્ષ કરી લ્યો. સાથે તેમાં કાપા પાડેલા બટેટા ઉમેરી દ્યો. તેમાં 1 ટેબલ સ્પુન આંબલીનો ખાટો-મીઠો પલ્પ, જરુર મુજબ સુગર અને ½ ટી સ્પુન કસુરી મેથી ઉમેરી મિક્ષ કરો.
હવે કૂકરનું ઢાંકણ બંધ કરી માત્ર 3 જ વ્હીસલ કરી ઇંસ્ટંટ લસણીયા બટેટાની સબ્જી કૂક કરો. કુકર ઠરે એટલે ખોલીને મિક્ષ કરી તેમાં બારીક સમારેલી કોથમરી ઉમેરો. સર્વ કરવા માટે ગરમા ગરમ, કલર ફુલ, તેલના રસાદાર, ટેસ્ટી ઇંસ્ટંટ લસણીયા બટેટા રેડી છે. ઇંસ્ટંટ લસણીયા બટેટાની સબ્જીને ફુલ્કા રોટી, પરાઠા, પુરી સાથે લંચ કે ડીનરમાં સર્વ કરી શકાય.
તેમજ યંગ્સ પાપડ, ભુંગળા કે ફ્રાયમ્સ કે બ્રેડ સાથે ખાવા વધારે પસંદ કરશે. ખૂબજ તીખા તમતમતા અને ચટપટા, ટેસ્ટી ઇંસ્ટંટ લસણીયા બટેટાની મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ બનાવજો. બધાને ચોક્કસથી ભાવશે. મારી આ રેસીપી આપ સૌને પસંદ પડી હોય તો જરૂરથી કોમેન્ટ બોક્ષમાં તમારો ઓપીનીયન લખશો.
સાભાર : શોભના વણપરિયા
યૂટ્યૂબ ચેનલ : Leena’s Recipes (અહીંયા ક્લિક કરો)
દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.