ઘઉંના જાડા લોટની છૂટી છૂટી દાણાદાર લાપસી / કંસાર.
ઘઉંના જાડા લોટની છૂટી છૂટી દાણાદાર લાપસી
કોઈપણ શુભ પ્રસંગે બનાવાતી આ લાપસી જો તમારાથી હજી પણ પરફેક્ટ નથી બનતી તો આવીરીતે બનાવો. ઘણા મિત્રોને એવી કમ્પ્લેન હોય છે અમારી લાપસી ચોંટી જાય છે, બળી જાય છે અને ઢીલી બને છે. તો એ બધા સવાલના છે આ જવાબ. જો તમે આ રીત ફોલો કરીને બનાવશો તો હવે જયારે પણ તમે લાપસી બનાવશો એ એકદમ પરફેક્ટ જ બનશે અને ઘરમાં બધાને પસંદ આવશે.
લાપસી બનાવવા માટેની જરૂરી સામગ્રી
- ઘઉંનો જાડો લોટ – એક મોટી વાટકી
- પાણી – એક વાટકીમાં થોડું ઓછું
- ગોળ – બે નાના ટુકડા
- તેલ – મોણ ઉમેરવા માટે
- દળેલી ખાંડ / બૂરું ખાંડ – જરૂર મુજબ
- ઘી – લાપસીમાં ઉપરથી ઉમેરવા માટે
દાણાદાર લાપસી બનાવવા માટેની પરફેક્ટ રેસિપી :
1. સૌથી પહેલા આ પરફેક્ટ લાપસી બનાવવા માટે આપણે એક કઢાઈમાં પાણી ગરમ કરવા મુકીશું. જે વાટકી કે બીજા કોઈ માપનો તમે લોટ લેવાના હોવ તેનાથી થોડું ઓછું પાણી ગરમ કરવા મૂકવું.
2. હવે આ પાણીમાં આપણે ગોળ ઉમેરીશું. તમે ગોળને છીણીને અથવા સમારીને પણ ઉમેરી શકો છો.
3. હવે ઢાંકીને આ આંધણ તૈયાર થવા દઈશું.
4. થોડીવારમાં ઢાંકણ ખોલીને જોશો તો ગોળ ઓગળી ગયો હશે જો ના ઓગળ્યો હોય તો વિડીઓમાં બતાવ્યા પ્રમાણે વેલણની મદદથી ગોળને તોડી નાખવો એટલે ઓગળી જશે. હવે આંધણમાં લોટ ઉમેરીએ એ પહેલા આપણે ઉકળતા આંધણમાં એક ચમચી તેલ ઉમેરી લઈશું.
5. હવે આપણે લાપસીમાં ઉમેરવા માટે લોટ તૈયાર કરીશું. એક થાળી કે ડીશમાં લોટ લો અને તેમાં મુઠી પડતું તેલ ઉમેરવાનું છે જેથી આપણી લાપસી પરફેક્ટ બને.
6. હવે તૈયાર થયેલ લોટને ઉકળી રહેલ પાણીમાં ઉમેરી લઈશું. તરત આ લોટને હલાવવાનો નથી બસ તે લોટને ફક્ત પાણી પર ફેલાવી લેવાનો છે.
7. હવે ડીશ કે ઢાંકણ ઢાંકીને આ લોટને સીજવા દેવાનો છે.
8. થોડીવારમાં તમે જોશો કે પાણી જે હતું તે લોટમાં શોષવાઈ ગયું છે.
9. હવે તમે વેલણની મદદથી વિડીઓમાં બતાવ્યા પ્રમાણે હલાવી લઈશું.
10. હવે હલાવીને પણ થોડીવાર માટે ઢાંકીને લાપસીને સીજવા દઈશું.
11. બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લેવું લાપસી એકદમ દાણાદાર તૈયાર થઇ ગઈ હશે.
12 હવે ગરમાગરમ લાપસીને એક ડીશમાં લઇ લો. અને તેની પર બૂરું ખાંડ એટલે કે દળેલી ખાંડ ઉમેરીશું અને સાથે થોડું ઘી પણ ઉમેરો.
બસ તો તૈયાર છે આપણી પરંપરાગત લાપસી જે કોઈપણ શુભ પ્રસંગે તમે બનાવી શકો છો. મારી આ રેસિપી પરફેક્ટ શીખવા માટે અહીંયા આપેલ વિડિઓ જુઓ. જયારે પણ લાપસી બનાવો મારા આ સ્ટેપ ફોલો કરજો જેનાથી એકદમ પરફેક્ટ લાપસી બનશે જે ઘરમાં બધાને પસંદ આવશે.
વિડિઓ રેસિપી :