દિવાળીની રાત્રે કરવામાં આવતા આ બે દિવાવાળા વ્રત વિષે તમે જાણો છો?
દિવાળી આ એક એવો તહેવાર છે જેની રાહ લગભગ બધા જ જોતા હોય છે. અમીર વ્યક્તિઓ પોતાના વ્યસ્ત ટાઈમથી થોડા ફ્રી થઇ પરિવાર સાથે ક્યાંક દૂર ફરવા જાય. આપણા જેવા મિડલ ક્લાસ વ્યક્તિઓ દિવાળીની રાહ એટલા માટે જોતા કે દિવાળી પર બોનસ મળશે એટલે કે ઘરમાં થોડા પૈસા એક્સ્ટ્રા આવશે તો થોડું ઘણું સોનુ ખરીદી શકીશું અથવા તો અમુક એવા કામ કે જે પૈસાને કારણે ધકેલતા આવ્યા હતા એ પુરા કરી શકીશું. જયારે ગરીબ વ્યક્તિ દિવાળી માટે એટલે રાહ જોતો હોય કે તેને કામ વધારે મળશે લોકોના ઘરમાં સાફ સફાઈ કે પછી કોઈપણ કામ વધારે કરીને પરિવારનું ગુજરાન ચલાવશે. સાથે સાથે થોડી એવી પણ આશા હોય કે કોઈ વ્યક્તિ આવશે જે તેના નાના બાળકો માટે થોડો નાસ્તો, મીઠાઈ કે પછી કોઈના જુના કે ના કામના કપડાં અને બીજી વસ્તુઓ મેળવી શકે.
દિવાળી ઉજવવા માટેની બધાની રીત પણ અલગ અલગ હોય છે ઘણા લોકો દાન અને પૂજા અર્ચના કરતા હોય છે. ફટાકડા ફોડવા અને એવા તો બીજા ઘણા કામ કરવામાં આવતા હોય છે. દિવાળીના સમયમાં ઘરમાં બનેલ જે અલગ અલગ નાસ્તા અને મીઠાઈ ખાવાની જે મજા આવે કે ના પૂછો વાત. અમે તો આ વર્ષે ગળ્યા ઘૂઘરા, બે અલગ અલગ પ્રકારના ચેવડા, મઠિયા, શીંગ કતરી એવી વાનગીઓ બનાવી છે. તમે દિવાળી નિમિતે શું બનાવ્યું છે એ મને કોમેન્ટમાં જણાવજો. ચાલો હવે વાત આડે પાટે નથી ચઢાવતી તમને હવે મેઈન વાત જણાવું.
દિવાળીના રાત્રે અમે વર્ષોથી આ ઉપાય કરીએ છીએ. હું લગ્ન કરીને આવી ત્યારે મમ્મી એટલે કે મારા સાસુ નહોતા કરતા પણ લગ્ન પછીની પહેલી દિવાળી પહેલા મારા નંણદ ઘરે આવ્યા અને તેમણે મને આ વિષે વાત કરી. ત્યારથી દર દિવાળી રાત્રે હું આ દિવા કરું છું અને તેની સાથે ધ્યાન રાખું છું કે દિવા રામ (ઓલવાય)ના થઇ જાય. પહેલા આ પ્રોસેસના અમને શું ફાયદા થયા એ તમને જણાવી દઉં. (આ વ્રતનું લાઈવ હું કાલે પેજ પર કરીશ. તમને કાંઈ ના સમજાય તો કોમેન્ટમાં જણાવજો હું મમ્મીને પૂછી લઈશ.)
પૈસાની તંગી જેવી પહેલા અનુભવતા હતા એવી હવે નથી. ઘરમાં પણ સુખ અને શાંતિ બની રહે છે. મારા લગ્નને 10 વર્ષ પુરા થવા આવ્યા છે પણ આજ સુધી મારે અને મમ્મીને ક્યારેય બોલ-ચાલ કે પછી કોઈપણ વાત માટે એકબીજાને ટોકવાની જરૂરત પડી નથી મતલબ કે અમારી વચ્ચે ક્યારેય ઝઘડા થયા નથી. બસ આટલું હોય પછી બીજું હોઈએ શું? ચાલો હવે તમને જણાવી દઉં કે દિવાળીની રાત્રે હું શું કરું છું.
સૌથી પહેલા તો જે નિયમિત આપણે ઘરના દરવાજે જે દિવા કરીએ એ તો સાંજે કરું જ છું પછી સારું કોઈ મુહૂર્ત જોઈને બીજા બે દિવા કરું છું. એમાં એક દીવો ઘી નો અને બીજો દીવો તેલનો કરું છું. મારા ઘરે પેલા પિત્તળના અખંડ દિવા છે એટલે હું એનો ઉપયોગ કરું છું પણ જયારે એ દિવા નહોતા ત્યારે નાની ડીશમાં આ બે દિવા તૈયાર કરતી હતી. એક દીવો તેલનો અને એક દીવો ઘી નો.
હવે સારો સમય જોઈને આ બંને દિવા પ્રગટાવું છું અને પછી ઘરના દરવાજે આ બંને દિવા મુકવાના. એમાં તેલનો દીવો દરવાજાની જમણી બાજુ અને ઘીનો દીવો દરવાજાની ડાબી બાજુ મુકવો. જો તમે ડીશનો ઉપયોગ કર્યો હોય તો એ ડીશને તમે એક તપેલીમાં મૂકીને તપેલી પર કાણાંવાળું ઢાંકણું ઢાંકી દેવું. આમ કરવાથી દીવો રામ નહિ થાય. હવે વધારે કશું જ કરવાનું નહિ. ફક્ત એ વાતનું ધ્યાન રાખવાનું કે એ દિવા સવારે સૂર્યોદય સુધી રામ થવા જોઈએ નહિ. ઘી ખૂટે તો ઘી ઉમેરવું અને તેલ ખૂટે તો તેલ ઉમેરવું.
ખાસ વાત એ છે કે આમાં જાગરણ કરવાની કોઈ જરૂરત નથી. તમે ઘરના બધા સભ્યો વારાફરતી જાગીને ધ્યાન રાખી શકો છો. હું અને મારા સાસુ અમે બંને વારાફરતી જાગીએ છીએ. હું જાગું ત્યારે મારુ મનગમતું કામ કરું. કોઈ સારી નોવેલ વાંચું, નવાવર્ષની રંગોળી કરું, ફરવા જવાના હોઈએ તો બેગ પેકીંગ કરું, વાળ ધોઈને સ્ટ્રેટનિંગ કરું વગેરે કરું. તમે પણ તમારું મનગમતું કામ કરી શકો.
મારા સાસુ જાગે ત્યારે તેઓ વિષ્ણુસહસ્ત્ર વાંચે, માળા કરે, કોઈ નાસ્તો બનાવવાનો બાકી હોય તો એ બનાવે એવું જે વધારાનું કામ હોય એ કરે. પછી સૂર્યોદય થાય એટલે સુઈ જઈએ. આ વિધિમાં ખાસ ધ્યાન એ જ રાખવાનું કે દીવો રામ ના થવો જોઈએ. સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી દીવો ચાલુ રહેવો જોઈએ. બસ આટલું જ કરવાનું છે.
ઉપર જણાવેલ મારા ઘરની વાત છે જે હું દરવર્ષે કરું છું. તમને લાગતું હોય કે તમે કરી શકશો અને તમારે કરવું જોઈએ તો કરી શકો. આમાં કોઈ જબરજસ્તી નથી હોતી. અને આ દરેક વ્યક્તિની માન્યતા ઉપર નિર્ભર કરે છે. હું આમ તો અંધવિશ્વાસમાં નથી માનતી પણ અમુક વાતો એવી છે જે કરવા અને અપનાવવા માટે હું બહુ વિચારતી નથી. મને ઠીક લાગે એટલે હું કરતી હોવ છું. દિવાળીની રાત્રે ટ્રાય કરીશ આ પૂજા કર્યા પછી લાઈવ ફેસબુક પર મારા પેજમાં બતાવીશ. તમે પણ આવું કોઈ કામ દિવાળીના સમયમાં કરો છો તો કોમેન્ટમાં જણાવજો.
સ્વાનુભવ : અશ્વિની ઠક્કર