દેશી ચણાનું ટેસ્ટી શાક – રસોઇયા બનાવે છે તેનાથી પણ વધુ ટેસ્ટી શાક.

કેમ છો મિત્રો? જય જલારામ. તમને પેલું શાક તો યાદ જ હશે ને કે જે આપણે લગ્ન પ્રસંગમાં કે વાસ્તુ પૂજામાં જેવા અનેક પ્રસંગમાં પંગતમાં બેસીને ખાતા હતા? એવા ટેસ્ટનું શાક આપણે આજે પણ અનેક પ્રસંગમાં ખાતા હોઈએ છીએ પણ પંગતમાં બેસીને ખાવાની મજા જ કાંઈક અલગ હતી હે ને? સારું ચાલો આજે શીખીએ એવું જ શાક જે એ સમયે આપણે ખાતા હતા.

તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ સાથે હું મારી યુટ્યુબ ચેનલની લિંક જલારામ ફૂડ હબ આપું છું તો અહીંયા ક્લિક કરીને મારી ચેનલની મુલાકાત જરૂર કરજો. ચાલો જોઈ લઈએ પ્રસંગમાં ખવાય એવું દેશી ચણાનું શાક. જાણી લઈએ પહેલા તેની સામગ્રી.

સામગ્રી

  • દેશી ચણા – 200 ગ્રામ
  • તેલ – જરૂર મુજબ
  • મીઠો લીંબડો – ત્રણ થી ચાર નંગ
  • સૂકા લાલ મરચા – બે નંગ
  • ચણાનો લોટ – બે ચમચી
  • હળદર – અડધી ચમચી
  • લાલ મરચું – અડધી ચમચી
  • ધાણાજીરું – એક ચમચી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • ગોળ – એક નાની વાટકી
  • લીંબુ રસ – બે ચમચી
  • લીલા ધાણા – સજાવટ માટે

1. સૌથી પહેલા દેશી ચણાને આખી રાત પલાળીને સવારમાં બાફી લેવા. બાફતા સમયે તેમાં મીઠું પણ ઉમેરી શકો છો.

2. હવે એક કઢાઈમાં આપણે તેલ લઈશું અને તેમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું.

3. હવે આ મિશ્રણમાં ચણાનો લોટ ઉમેરો.

4. હવે લોટને બરાબર શેકી લો. આ મિશ્રણ તેલમાં ફરશે ત્યારે તમે ફોટોમાં જોઈ શકો છો એવા બબલ થશે.

5. હવે એ લોટ અને તેલના મિશ્રણમાં આપણે બાફેલા ચણા ઉમેરી લઇશું.

6. હવે આપણે આમાં આપણે મસાલો કરી લઈશું. મસાલા માટે આ ચણા સાથે હળદર, મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી લઈશું.

7. હવે તેમાં આપણે થોડો ગોળ ઉમેરી લઈશું. ગોળ ઉમેરવાથી તમારા ચણાનું શાક એકદમ એવું જ બનશે કે જેવું રસોઈયા બનાવતા હોય છે.

8. હવે તેમાં આપણે લીંબુનો રસ ઉમેરી લઈશું. તમને આંબલી ફાવતી હોય તો તમે આંબલી પલાળીને તેનો પલ્પ બનાવીને પણ ઉમેરી શકો છો.

9. હવે આ શાકમાં જરૂર પૂરતું પાણી લેવાનું છે. જો તમે બાફેલા ચણાનું પાણી શાકમાં ઉમેર્યું હશે તો બહુ પાણી ઉમેરવાની જરૂરત નહિ રહે.

10. હવે આ શાકને બરાબર ઉકળવા દેવાનું છે.

11. બરાબર ઉભરો આવી જાય અને તેનો રસો જરૂર મુજબ થીક થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને પછી ગેસને બંધ કરી લો.

બસ તો તૈયાર છે અનેક પ્રસંગમાં રસોઈયા દ્વારા બનાવવામાં આવતું દેશી ચણાનું શાક. તમારા ઘરમાં બધાને પસંદ આવશે તો એકવાર જરૂર બનાવજો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને મારી આ રેસિપી કેવી લાગી. આવી જ બીજી કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો.

error: Content is protected !!