ક્રિસ્પી ભાખરી – રસાવાળા શાક, ચા કે કોફી, અથાણાં સાથે પણ ખાઈ શકાય

કેમ છો મિત્રો, આજે હું તમારી માટે લાવી છું એક ભાખરીની સરળ રેસિપી. આપણા ઘરમાં અવારનવાર રોટલી, ભાખરી, થેપલા, ચોપડા અને બટર નાન જેવી અનેક રોટલીઓ ખાતા અને બનાવતા જ હશો, પણ હવે બનાવજો આ ભાખરી જે ઘરમાં બધાને પસંદ આવશે. આ ભાખરી પર બાળકોને થોડો કેચઅપ, ચીઝ અને બીજા થોડા શાક ઉમેરીને આપશો તો પીઝા સમજી ને પણ ખાઈ જશે.

જયારે ઘરમાં કોઈ વડીલ હોય તેમને તમે રસાવાળા શાકમાં ચોળીને ખાવાથી પણ બહુ મોજ આવે છે એમાં પણ સાથે સમારેલી ડુંગળી અને તળેલા મરચા મળે તો તો ટેસડો પડી જાય.

સામગ્રી

  • ઘઉંનો જાડો લોટ – 500 ગ્રામ
  • મીઠું – સ્વાદ અનુસાર (અહીંયા મેં એક ચમચી લીધું છે.)
  • મોણ – મુઠ્ઠી પડતું લેવાનું તેનો ફોટો નીચે રેસિપીમાં આપું છું.
  • અજમો અથવા જીરું (આ બંને ઓપશનલ છે નાખવું હોય તો નાખી શકો છો.)

ભાખરી બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા લોટ બાંધવાના વાસણમાં આપણે ઘઉંનો જાડો લોટ લઈશું અને લોટની ઢગલી કરીને તેમાં એક ખાડો કરીશું.

2. હવે એ ખાડામાં મીઠું ઉમેરીશું.

3. હવે એ ખાડામાં મોણ માટે તેલ ઉમેરો.

4. બધું બરોબર મિક્સ કરો અને તમે ફોટોમાં જોઈ શકો છો કે બધું મિક્સ કરીએ એટલે લોટની આ ફોટો પ્રમાણે મુઠ્ઠી બનવી જોઈએ.

5. હવે સપ્રમાણ પાણી ઉમેરીને કઠણ લોટ બાંધવાનો છે. લોટ રેગ્યુલર તેલ કે ઘી વાળી ભાખરી કરીએ એનાથી વધુ કઠણ લોટ બાંધવાનો છે.

6. હવે આ બંધાયેલ લોટને 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું.

7. હવે બંધાયેલ લોટમાંથી એક મોટું લુવો લો. તેને પાટલી પર થોડો મસળી લો.

8. આનાથી એક મોટી ભાખરી વણી લો, ફોટોમાં બતાવ્યા પ્રમાણે ભાખરીની જાડાઈ હોવી જોઈએ તો જ તમારી ભાખરી અંદરથી નરમ અને બહારથી ક્રિસ્પી બનશે.

9. વણેલ મોટી ભાખરીમાં ગ્લાસ કે વાટકી કે કટરની મદદથી નાની સર્કલમાં કાપી લો.

10. હવે તમે બધી એકસાથે પહેલા વણીને પછી શેકી પણ શકો છો, અને બંને સાથે સાથે ફાવે તો પણ કરી શકો છો.

11. હવે એક લોઢી ગરમ કરો.

12. લોઢીમાં ફોટોમાં બતાવ્યા પ્રમાણે ભાખરીઓ ગોઠવો.

13. એક તરફ થોડી ભાત (થોડા ડાઘ) પડે એટલે આ ભાખરીને પલટાવી લો.

14. હવે આ પલટાવેલ ભાખરીને આપણે કપડાંની મદદથી હલકા હાથે દબાવીને શેકી લઈશું. આવીરીતે બાકીની ભાખરીઓ પણ શેકી લેવાની છે.

15. ભાખરીને બંને બાજુ હલકા હાથે વજન દઈને રૂમાલ વડે શેકી લેવાની છે.

16. ભાખરી ગરમ ગરમ ઉતરે એટલે આપણે આ તૈયાર ભાખરી પર ઘી લગાવી દઈશું.

બસ તો હવે તૈયાર છે આ મસ્ત ક્રિસ્પી બિસ્કિટ ભાખરી. મને તો આ ભાખરી બટાકાના રસાવાળા શાકમાં ચોળીને પણ ભાવે છે અને તેની સાથે ઘી ગોળ ખાવાની પણ મજા આવે છે. તમને આવી ભાખરી શેની સાથે ભાવે છે એ કોમેન્ટમાં જણાવજો અને આ રેસિપી તમને કેવી લાગી એ પણ કોમેન્ટમાં જણાવજો.

આવજો ત્યારે ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

error: Content is protected !!