અધુરો પ્રેમ – કોઈને પ્રેમ કરો છો? તો મનમાં ના રાખશો, વાત કરવાથી જ વાત બને છે.
અધુરો પ્રેમ
ચારુલતા એ રીક્ષા માંથી ઉતરી રામપુર ગામ માં આવેલા પોતાના જુના ઘર નો જાંપો ઉઘાડયો. કડડડડ કરતા જાંપો ઉઘડયો અને જાંપા ની સાથે ચારુલતા ના દિલના કોઈ ખુણા માં પુરી રાખેલી યાદોનું પોટલું પણ ખુલી ગયું. ચારુ ઘર ની બહાર આવેલા વરંડા માં પ્રવેશી. કઈ કેટલાય સંસ્મરણો એના માનસપટ પર તાજા થઈ ગયા.
ચારુલતા અને અપૂર્વ નું બાળપણ બસ આ જ વરંડામાં રમતા રમતા પસાર થયું હતું. ચારુ મુખ્ય દરવાજા પાસે આવી ઉભી રહી. દરવાજા પર લટકતા તાળા ની ચાવી પર્સ માંથી શોધી એને તાળું ખોલ્યું. વર્ષો થી બંધ ઘર ના તાળા ને સ્વાભાવિકપણે જ કાટ લાગી જાય એટલે તાળું ઉઘડતા થોડી વાર લાગી..પણ ચારુ ના મન માં ધરબાઈ ગયેલી એની આ ઘર સાથે ની યાદો ને ઉઘડતા જરા સરખી પણ વાર ન લાગી..બારણું ખુલતા જ જાણે ઘર ના ખૂણે ખૂણેથી હજારો સ્મૃતિઓ ચારુ સામે ડોકિયાં કરવા લાગી..બેઠકખંડ માં મુકેલી બેઠક પર ઓઢાડેલું સફેદ કપડું ચારુ એ ખસડેયું.એની સામે બેઠક ની પાછળ સંતાયેલા અપૂર્વ અને અપૂર્વ ક્યાં છુપાયો છે એ જોયા પછી પણ એને શોધવાનો ડોળ કરતી ચારુ નું ચિત્ર ખડું થઈ ગયું. ચારુ એ રસોડા તરફ નજર કરી.ગરમ રોટલી માટે લડતા અપૂર્વ ને એ આજે પણ ભૂલી નહોતી શકી.
ચારુ અને અપૂર્વ સમવયના હતા..એટલે એમની શાળા નું ભણતર સાથે જ શરૂ થયું.. બન્ને એકબીજા ના પડોશી એટલે શાળા સિવાય ના સમયમાં પણ લગભગ બન્ને સાથે જ હોય.. એકમેક ના પરિવાર માં ખૂબ જ ભળતું એટલે વાર તહેવાર હોય કે પછી ક્યાંક બહારગામ ફરવા જવાનું હોય બન્ને સાથે ને સાથે જ હોય… ચારુ અને અપૂર્વ એકબીજા ના ખાસ મિત્ર બની ગયા હતા… શાળા ના ગૃહકાર્ય થી લઈને કોલેજ ના પ્રોજેક્ટ સુધી નું બધું કામ બન્ને સાથે મળીને જ કરતા. પોતાની અંગત વાત પણ એકબીજા ને કહ્યા વગર રહેતા નહિ.
ચારુ ઉપર ના રૂમ તરફ ગઈ. એ રૂમ માં એક હીંચકો જ્યાં કલાકો બેસી ને ચારુ અને અપૂર્વ ગપ્પા મારતા. એ જ રૂમ ની બાલ્કની તરફ ચારુ ના પગ ઉપડ્યા.. મહાપરાણે બારણું ઉઘાડી ચારુ બાલ્કનીમાં આવી.. એને એક ઊંડો શ્વાસ લીધો.. બાલ્કનીમાંથી એ સાવ જર્જરિત થઈ ગયેલું અપૂર્વ નું જૂનું મકાન જોઈ શક્તી હતી. અપૂર્વ જયારે વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયેલો ત્યારે એને આ જ બાલ્કની માંથી ડુસકા ભરતા ભરતા એને વિદાય આપેલી.. કેટલું રડી હતી તે એ દિવસે.. ચારુ ભૂતકાળ માં ખોવાઈ ગયી.
અપૂર્વ ના અમેરિકા ગયા પછી જાણે ચારુ સાવ એકલી થઈ ગયી હતી. શાળા કે કોલેજ માં એને ક્યારેય અપૂર્વ સિવાય કોઈ મિત્ર ની જરૂર જ નહોતી પડી.. અપૂર્વ અમેરિકા ગયા પછી પણ એકાદવાર ચારુ ને ફોન કરતો. પણ રૂબરૂ મળવાનું બંધ થયું હતું એની સીધી અસર ચારુ પર દેખાવા લાગી… નાનપણ ની દોસ્તી માં પ્રેમ ના અંકુર ફૂટી નીકળ્યા છે એ વાત નો અહેસાસ ચારુ ને થઈ ગયો હતો.એ રોજ અપૂર્વ ના ફોન ની રાહ જોયા કરતી…જે દિવસે અપૂર્વ નો ફોન આવે એ દિવસે તો જાણે ચારુ ની ખુશી નો પાર ન રહેતો અને જે દિવસે ફોન ન આવે એ દિવસે એ એના અને અપૂર્વ ના જુના ફોટા જોયા કરતી. આમ ને આમ 3 વર્ષ વીતી ગયા.. ચારુ ને ઘણીવાર અપૂર્વ ને પોતાના દિલ ની વાત કહેવાની ઈચ્છા થઈ.. પણ એ જ્યારે પોતાના પ્રેમ નો એકરાર અપૂર્વ સમક્ષ કરે ત્યારે અપૂર્વ ના ચહેરા ના હાવભાવ જોવા માંગતી હતી એટલે એને અપૂર્વ ના ભારત પરત ફરવાની રાહ જોવાનું નક્કી કર્યું.
એક સાંજે ફોન રણક્યો.. ચારુ ના પિતા એ ફોન ઉપાડ્યો.. ફોન પર અપૂર્વ હતો. ચારુ ના પિતા એ અપૂર્વ સાથે સાહજિક વાત કરી ફોન ચારુ ને આપ્યો. “ચારુ, મારે તને એક ખૂબ જ અગત્ય ની વાત કરવી છે” “શુ વાત છે અપૂર્વ?” “હમણાં નહિ.. રૂબરૂ મળીશું ત્યારે કહીશ.. હું 2 દિવસ પછી ઇન્ડિયા પરત ફરું છું ત્યારે મળી ને બધી વાત કરીશુ.. મારા દિલ ની વાત તને કીધા વગર કેમ ચાલે યાર” એટલું કહી અપૂર્વે ફોન મૂકી દીધો.
ચારુ તો ખુશ ખુશ થઈ ગયી.. એ સમજી ગયી હતી કે જેવી લાગણી એ અપૂર્વ માટે અનુભવે છે એવી જ લાગણી અપૂર્વ ને પણ એના માટે છે.એ અપૂર્વ ની કાગડોળે રાહ જોવા લાગી. 2 દિવસ માંડ માંડ પસાર થયા. અપૂર્વ આવવાનો હતો એ દિવસે ચારુ સવારથી જ એની રાહ જોતી હતી.. કંઈ કેટલીય વાર બાલ્કની માં જઇ ડોકિયું કાઢી આવી હતી. અચાનક ગાડી નો હોર્ન સંભળાયો એ દોડતી વરંડા માં પહોંચી ગયી.. ચારુ અને અપૂર્વ ના પિતા અપૂર્વ ને એરપોર્ટ પર લેવા ગયા હતા.. ચારુ અપૂર્વ ને જોઈ રાજીના રેડ થઈ ગઈ. અપૂર્વ આવવાનો હતો એટલે આજે ચારુ ના પરિવાર નું જમવાનું અપૂર્વ ના ઘરે જ હતું.
બપોરે બધા સાથે જમ્યા.. અપૂર્વ ને બધા વિદેશ અંગે જાત જાત ના સવાલો પૂછ્યા કરતા અને અપૂર્વ એના જવાબો આપ્યા કરતો પણ અંદર થી અપૂર્વ ચારુ ને મળવા અને એને એના દિલ ની વાત કરવા ઉત્સુક હતો. ચારુ પણ એ ક્ષણ ની આતુરતા થી રાહ જોતી હતી. ચારુ ભૂતકાળ માંથી બહાર આવી. એને હાથ પગ ધોયા અને થોડી ફ્રેશ થઈ એટલે ઘર બહાર નીકળી ઘર ની પાછળ જ આવેલા નદીકિનારે પહોંચી ગયી. નદીકિનારે પહોંચતા જ ફરી એનો ભૂતકાળ ડોકિયું કરવા લાગ્યો.
એ સાંજે જ્યારે અપૂર્વ ઘર પરિવાર માંથી જરા નવરો થયો એટલે એ અને ચારુ ઘર ની પાછળ જ આવેલા નદી કિનારે ચાલતા થયા.. બન્ને જણા સમજણા થયા ત્યારથી જ્યારે પણ પોતાની અંગત વાત એકબીજા ને કહેવાની થાય ત્યારે એ જ નદીકિનારે ઉપડી જતા.. નદી ના પટ પર બન્ને મૌન રહી ચાલતા હતા. ચારુ થી રહેવાયું નહિ એટલી ને વાત ઉખેડી.
“બોલ અપૂર્વ શું જરૂરી વાત કરવાની હતી” “મારે તને મારા દિલ ની વાત કહેવી છે.. તને ખબર છે ને હું કઈ પણ વાત તને ના જણાવું ત્યાં સુધી મને ચેન નથી પડતું” શરમ ના શેરડા ચારુ ના મુખ પર દેખાતા હતા. એ નદી સામું જોવા લાગી. અને અપૂર્વ એ બોલવાનું શરૂ કર્યું “ચારુ, હું કોઈના ગળાડૂબ પ્રેમ માં છું” ચારુ ના ધબકારા વધી ગયા. એ અપૂર્વ ના મુખથી નીકળેલા શબ્દો આગળ સાંભળવા ઉત્સુક હતી
“મારી સાથે જ અમેરિકા ની યુનિવર્સિટીમાં નિશા નામ ની એક છોકરી છે એ મને અનહદ ચાહે છે અને એને જ એના પ્રેમ નો એકરાર મને કર્યો. હું શું જવાબ આપું એની મને કાઈ સૂઝ ન પડતા મેં એની પાસે થોડો સમય માંગી લીધો.. નિશા ખૂબ જ સુંદર છે એટલે અમારી કોલેજ ના બધા જ યુવાનો એની પાછળ લટ્ટુ છે. પણ એ બધા માં એને મને પસંદ કર્યો છે એને એના માતાપિતા ને પણ મારા વિશે વાત કરી લીધી છે.. અમે બન્ને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છએ છે. પણ ચારુ તને ખબર છે ને મારા મમ્મી પપ્પા એમ જલ્દી માની જાય એમ નથી.. અને બસ એટલે જ મારે તારી મદદ ની જરૂર છે.. મને ખબર છે તું એમને સમજાવીશ તો એ ચોક્કસ સમજી જશે. ચારુ… ચારુ સમજાવીશ ને તું મારા મમ્મી પપ્પા ને?”
અપૂર્વ એ પીઠ ફેરવી ને ઉભેલી ચારુ ને વિનવણી કરવાની શરૂ કરી..ચારુ આ બધું સાંભળી આથમતા સૂરજ સામું જોઈ રડી રહી હતી..એને સપના માં પણ નહોતું વિચાર્યું કે અપૂર્વ એને આવું કાંઈક કહેવાનો હશે.એને પોતાની જાત પર કાબુ મેળવ્યો..અપૂર્વ ને આજ સુધી ક્યારેય કોઈ વાત માટે ના નહોતી પાડી શકી ચારુ..અને આજે પણ એ ના ન પડી શકી. અપૂર્વ ની ખુશી ને ધ્યાન માં રાખી બસ એટલું જ કહ્યું “હા અપૂર્વ હું ચોક્કસ કાકા અને કાકી ને તારા અને નિશા ના લગ્ન અંગે મનાવી લઇશ.” “હું જાણતો જ હતો તું મારી મદદ કરીશ જ”
અપૂર્વ ની વાત સાંભળ્યા વગર જ ચારુ એ ઘર તરફ પ્રયાણ કર્યું. એ દિવસે રાત્રે જમી ને તરત જ એ અપૂર્વ ના ઘરે ગઈ.અને અપૂર્વ ના મમ્મી અને પપ્પા ને અપૂર્વ અને નિશા ના પ્રેમસંબંધ ની વાત કરી..શરૂ માં તો અપૂર્વ ના માતાપિતા બિલકુલ તૈયાર ન હતા આ સંબંધ માટે પણ ચારુ ના સમજાવવા થી એ લોકો સમજી ગયા.અને બીજા જ દિવસે અપૂર્વ અને નિશા ના લગ્ન ની તરીખ લેવાઈ ગયી.
ચારુ અંદર થી એકદમ તૂટી ચુકી હતી. એ પોતાના દર્દ ને મુખ પર આવવા નહોતી દેતી. એ અપૂર્વ ને ખુશ જોવા માંગતી હતી.પણ પોતાની સ્થિતિ પર કાબુ ન રહેતા એ અપૂર્વ ને કીધા વગર જ પોતાના મામા ના ઘરે બેંગ્લોર ચાલી ગયી.થોડા જ દિવસ માં અપૂર્વ ના લગ્ન હતા ચારુ એ લગ્ન માં પણ હાજરી ન આપી.. આમ ચારુ ના અચાનક ચાલ્યા જવાથી અપૂર્વ ને ખૂબ ખોટું લાગ્યું. અપૂર્વ લગ્ન કરી વિદેશ ચાલ્યો ગયો અને આ બાજુ ચારુ પણ મામા એ શોધી રાખેલા યશ સાથે સાદાઈ થી પરણી ગઈ.
અપૂર્વ ને ચારુ વગર જરાય ચાલે એમ નહોતું એટલે એના અબોલા બઉ ટક્યા નહીં. એને ચારુ ના પિતા પાસે થી ચારુ ની સાસરી નો નંબર લઇ ચારુ અને યશ ને લગ્ન ની શુભેચ્છાઓ પાઠવી. યશ પણ ચારુ અને અપૂર્વ ની ગાઢ મિત્રતા વિશે જાણતો હતો. સમય જતાં અપૂર્વ અને યશ પણ સારા મિત્રો બની ગયા…
અને બીજી બાજુ નિશા પણ ચારુ ની મિત્ર બની ગયી.. બન્ને પરિવાર એકબીજા થી દુર રહેતા હોવા છતાં ફોન થી હંમેશા જોડાયેલા રહેતા..ચારુ ને ત્યાં દીકરી રિયા અને અપૂર્વ ને ત્યાં દીકરા જય નો જન્મ થયો..વર્ષો આમ જ વીતતા રહ્યા..એ દરમ્યાન 4-5 વાર અપૂર્વ પોતાના પરિવાર સાથે ઇન્ડિયા આવ્યો અને જ્યારે પણ આવ્યો ચારુ અને એના પરિવાર ને ચોક્કસ મળ્યો.બન્ને ના સંતાનો મોટા થઈ ગયા..ચારુ ની દીકરી રિયા ભણીગણી ને સારી જગ્યા એ જોબ કરતી હતી.અને અપૂર્વ નો જય પણ પોતાના પિતા ના બીઝનેસ ને આગળ વધારતો હતો.
રિયા ને પોતાની કંપનીના કામ અર્થે 2-3 મહિના માટે અમેરિકા જવાનુ થયું..આમ તો રહેવાની અને જમવાની સગવડ કંપની તરફ થી કરી આપેલી પણ નિશા અને અપૂર્વ ના ખૂબ જ આગ્રહ ના કારણે રિયા અપૂર્વ ના ઘરે જ રોકાઈ હતી..રિયા પોતાનું કામ સમાપ્ત કરી ઇન્ડિયા પરત ફરવાની હતી એના 3-4 દિવસ પહેલા અપૂર્વ એ ચારુ ને ફોન કર્યો
“ચારુ,તને એક ખૂબ જ અગત્ય ની વાત કરવાની છે”. ભૂતકાળ માં અપૂર્વ દ્વારા બોલાયેલા આવા જ એક વાક્ય ની યાદ આવતા ચારુ થી અનાયાસે જ બોલી જવાયું “આ વખતે કોને મનાવવા ના છે મારે” “આ વખતે તારે નહિ મારે મનાવવાની છે એ પણ તને “અપૂર્વ એ હસતા હસતા જવાબ આપ્યો
“શેના માટે?” “જો ચારુ 3 મહિના માં રિયા અને જય સારા મિત્ર જ નહીં પણ સારા જીવનસાથી બનવા માટે પણ તૈયાર થઈ ગયા છે…બન્ને એકમેક ના પ્રેમ માં છે.અને હું આ પ્રેમ સફળ લગ્ન માં પરિણમે એ ઈચ્છું છું.હું મારા જય માટે તારી રિયા ને માંગુ છું” દર વખત ની જેમ આ વખતે પણ ચારુ અપૂર્વ ને ના ન પાડી શકી.અને એમ પણ જય ખૂબ જ દેખાવડો અને સારા ઘર નો છોકરો હતો એટલે ના પાડવાનું કોઈ કારણ પણ નહોતું.
રિયા અને જય ના લગ્ન ની તારીખ લેવાઈ ગઈ.અપૂર્વ નો એ આગ્રહ હતો કે લગ્ન એમના ગામ ના જુના ઘરે જ કરવામાં આવે.એટલે જ ચારુ લગ્ન ની તૈયારીઓ માટે ગામ આવી હતી. લગ્ન ની તૈયારી નું બહાનું કરી એ બીજા સદસ્યો કરતા એ જરા વહેલી આવી હતી.ચારુ જાણતી હતી કે પોતાના ગામ ના એ ઘર માં પ્રેવશતા ની સાથે જ એનો ભૂતકાળ તાજો થઈ જશે.અને એટલે જ એ એકલી આવી ગઈ હતી..ચારુ એ ઘર સાફસુફ કરી લગ્ન ની તૈયારીઓ આટોપવા માંડી.. 2 3 દિવસ માં જ યશ અને રિયા પણ આવી પહોંચ્યા અને એકાદ દિવસ બાદ અપૂર્વ પણ જય અને નિશા સાથે આવી પહોંચ્યો.બધા એ ભેગા મળી લગ્ન ની તૈયારીઓ કરવા માંડી.લગ્ન ના આગલા દિવસે ઘર મહેમાનો થી ભરાઈ ગયું.
આખરે લગ્ન નો દિવસ આવી જ ગયો.. ચારુ અને યશ એ ભારે હૈયે રિયા નું કન્યાદાન કર્યું.. જય ના હાથ માં પોતાની લાડકવાયી નો હાથ સોંપ્યો. લગ્ન ની વિધિ પત્યાં બાદ જય અને રિયા ને હસતા ચહેરે ભોજન લેતા ચારુ જોઈ રહી હતી.. મનોમન ખુશ હતી કે એની દીકરી નો પ્રેમ એને મળ્યો. અપૂર્વ એ પાછળ થી આવી પોતાની ખુશી વ્યક્ત કરી..
“હાશ…ચાલો આપણા સંતાનો ને તો એમનો પ્રેમ મળ્યો..એમનો પ્રેમ તો અધુરો ન રહ્યો’ આજે પ્રથમ વખત ચારુ એ અપૂર્વ ને મહેણું માર્યું “તારો પ્રેમ પણ તો પૂરો થયો હતો ને અપૂર્વ…અધુરો તો મારો..”આટલું બોલી ચારુ અટકી ગયી. “કાશ..તું સમજી શકી હોત મારા પ્રેમ ને તો મારો પ્રેમ પણ ચોક્કસ પૂરો થતો” ચારુ અપૂર્વ ના શબ્દો સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. “તું તો નિશા ને પ્રેમ કરતો હતો ને”
“ચારુ તારા થી 3 વર્ષ દૂર અમેરિકા માં રહી હું એટલું તો સમજી જ ચુક્યો હતો કે આપણી મિત્રતા ફક્ત મિત્રતા નહોતી.હું તારા પ્રેમ માં પડી ચુક્યો હતો..તને અનહદ ચાહવા લાગ્યો હતો..અને મને એમ હતું કે તું પણ મને ચાહવા લાગી છે..એટલે જ મેં તને ફોન કરી ને જણાવ્યું હતું કે મારે તને મારા દિલ ની વાત કહેવી છે”
“પણ તે તો કહ્યું હતું કે તું નિશા ને પ્રેમ કરે છે” “હા મેં એમ કહ્યું હતું કારણ મારે તારી મનોદશા જાણવી હતી..મને એમ હતું કે તું મારી સાથે જગડી પડીશ…હું નિશા ને પ્રેમ કરી જ કેવી રીતે શકું એવો હક કરીશ..પણ મેં ધાર્યું હતું એવું કંઈ ન થયું.”
“પણ તે તો મને તારા મમ્મી પપ્પા ને મનાવવા સુધી ની વાત કહી નાખી હતી” “તને મારો સ્વભાવ ક્યાં નહોતી ખબર..તને ખબર જ તો છે તને ચિડવવા ની મને કેટલી મજા આવતી હતી” “તો પછી તે તારો પ્રેમ એકરાર કેમ ન કર્યો” “ચારુ ,તે મને મોકો જ ક્યાં આપ્યો..મારા મમ્મી પપ્પા ને મારા લગ્ન માટે મનાવી તું તો ચાલી ગયી તારા મામા ના ઘરે.. કેવી રીતે જણાવતો હું તને” “તો પછી તારા અને નિશા ના લગ્ન?”
“નિશા મારી સાથે જ ભણતી..અને મને ખુબ ચાહતી પણ મેં ક્યારેય એને ચાહી નહોતી..પણ તું આમ મારા મમ્મી પપ્પા ને મારા અને નિશાના લગ્ન ની વાત કરી ચાલી ગયી એટલે મારે નિશા સાથે લગ્ન કરી લેવા પડયા” ચારુ રડમસ થઈ ગઈ..આખી જિંદગી પોતાના અધૂરા પ્રેમ માટે અફસોસ કરતી ચારુ અપૂર્વ ના હ્ર્દય ના ભાવ કેમ ન સમજી શકી એનો એને પસ્તાવો થવા લાગ્યો..કેમ એ ત્યારે અપૂર્વ સાથે જગડી નહિ એ માટે ખુદ ને દોષી માનવા લાગી.
અપૂર્વ આજે પણ એ વાત થી અજાણ હતો કે ચારુ પણ એને ખૂબ ચાહતી હતી.ચારુ પોતાની દિલ ની વાત અપૂર્વ ને કહી દેવા માંગતી હતી.પણ એની સામે ઉભેલા નિશા અને યશ ને જોઈ ચારુ એક શબ્દ પણ ઉચ્ચારી ન શકી.એને ફરી પોતાની લાગણીઓ પોતાના અંતર ના કોઈ ખુણા માં દાબી દીધી..હંમેશા મજાક ના મૂડ માં રહેતો અપૂર્વ આજે બહુ ગંભીર થઈ ગયો હતો.એના મૂડ ને હળવો કરવા ચારુ બસ એટલું જ બોલી “ચાલો..વેવાઈ હવે જમી લઈએ”
લેખક : કોમલ રાઠોડ “અનિકા”
તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.