ગોળવાળા મરચાં – થેપલા, ઢેબરાં, ભાખરી, રોટલી કે પછી પુરી પરાઠા સાથે ખાવામાં એકદમ બેસ્ટ છે આ મરચા.
શિયાળામાં મસ્ત ઠંડી પડતી હોય અને આપણે ગુજરાતીઓ અવનવાઈ દેશી વાનગીઓ બનાવીને ખાતા હોઈએ. શિયાળામાં ફ્રેશ મૂળા ખાવાની પણ ખુબ મજા આવતી હોય છે. મૂળા, ડુંગળી, લસણની ચટણી, તળેલા મરચા આવું બધું ખાવા સાથે મળે તો આનંદ આવી જતો હોય છે. મને કોઈપણ ભોજન સાથે જો મરચા મળી જાય તો મારા માટે તો સ્વર્ગ અહીંયા જ છે. દરેક પ્રકારના મરચા મને ભાવે જ. તળેલા મરચા, શેકેલા મરચા, ભરેલા મરચા, મરચાના ભજીયા, આથેલાં મરચા અને ઘણીવાર તો હું કાચું મરચું પણ ખાવા સાથે લેતી હોવું છું.
લગ્ન પછી મારા સાસુએ એકવાર મેથીના ઢેબરાં બનાવ્યા હતા. તે ઢેબરાં સાથે તેમણે ગોળવાળા મરચા બનાવ્યા હતા. એ મરચા મારા સસરાને ખુબ પસંદ જયારે પણ ઘરમાં મેથીના ઢેબરાં બને એટલે આ ગોળવાળા મરચા બનાવવા જ પડે. એ મરચા બાજરીના રોટલા સાથે પણ ખુબ મસ્ત લાગે છે. શિયાળાની સીઝનમાં અમારા ઘરમાં તો આ મરચા બનાવીને અમે ફ્રીઝમાં સ્ટોર કરી દેતા હોઈએ છે આ મરચા ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી સારા રહે છે. તો ચાલો તમને ફટાફટ જણાવી દઉં આની રેસિપી.
1. મરચા જો તમને તીખા પસંદ હોય તો મરચા એવા પસંદ કરજો. શિયાળામાં જે લાંબા મરચા આવે છે એ પસંદ કરવા. આપણે રોજિંદા વપરાશમાં જે મરચા વાપરતા હોઈએ છે એ મરચા પણ તમે લઇ શકો. ખાસ ધ્યાન રાખવું કે જે સુરતી મરચી આવે છે તે આમાં નથી વાપરવાની. એ મરચી તો ભુકા કાઢી નાખે એવી તીખી હોય છે. હવે તમે પસંદ કરેલ માર્ચના ટુકડા કરો બહુ નાના નહિ અને બહુ મોટા નહિ. એક મરચાના ત્રણ ટુકડા એવી રીતે કટ કરી લેવા.
2. હવે એક તાંસળાંમાં એક ચમચી જેટલું તેલ મુકો. હવે પછી એ તેલમાં અજમો ઉમેરો.
3. હવે તેમાં હિંગ ઉમેરો પછી તેમાં મરચા ઉમેરો. તે મરચાને તેલમાં થોડા તળી લેવાના છે. પછી થોડા તળાઈ જાય એટલે તેમાં હવે આપણે હળદર ઉમેરીશું.
4. મરચા બરાબર તળાઈ જાય પછી તેમાં પાણી ઉમેરવું. પાણીની સાથે હવે તેમાં સ્વાદમુજબ મીઠું ઉમેરવું. પાણી ઉમેરવાથી આ મરચામાં સરસ રસો બને છે.
5. મરચા પાણીમાં ઉકલશે પછી તે ઉપર તરવા લાગશે એટલે સમજી જવાનું કે મરચા બરાબર ચઢી ગયા છે.
6. હવે ઉકળતા પાણીમાં તમારે ગોળ ઉમેરવાનો છે. ગોળ આખો કે પછી ટુકડામાં ઉમેરવો નહિ. ગોળને ચપ્પાથી સમારીને ઉમેરવો. મોટા ટુકડા નાખશો તો તે ઓગળવામાં વાર લાગશે અને ત્યાંસુધીમાં બધું પાણી બળી જશે તો આપણે જોઈએ એવા મરચા થશે નહિ.
7. હવે ગોળ ઓગળે અને રસો થોડો જાડો થાય ત્યાં સુધી તેને ઉકાળો. તમને જોઈએ એટલો રસો તમે જાડો રાખી શકો છો. પણ બહુ જાડો રસો રાખવો નહિ પછી તે ટેસ્ટમાં વધારે ગળ્યું પણ લાગશે અને ખાવામાં મજા આવશે નહિ.
8 બસ તો તૈયાર છે ગોળવાળા મરચા. જો તમે ક્યાંય બહાર જવાના હોવ તો થેપલા અને પૂરીઓ તો લઇ જ જતા હશો તો આ મરચા ખુબ ટેસ્ટી લાગે છે. અમુક મિનિટનો જ છે આ વિડિઓ તો એકવાર જરૂર ચેક કરજો.