કોપરા પાક – બહાર મીઠાઈની દુકાન પર મળે એવો જ.
કોપરા પાક
આજે હું લાવી છું કોપરા પાક બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. તમે કોઈપણ વાર અને તહેવાર માટે બહાર મીઠાઈની દુકાનમાંથી કોપરા પાક લાવતા હશો. પણ આજે હું જે રેસિપી લાવી છું એ રેસિપી બહાર દુકાનવાળા બનાવે છે એનાથી પણ વધુ શુદ્ધ અને નરમ કોપરા પાક બનશે તો એકવાર તમે જરૂર બનાવજો.
કોપરા પાક બનાવવા માટેની જરૂરી સામગ્રી
- દૂધ – અડધી વાટકી
- ખાંડ – એક વાટકી
- કોપરાનું છીણ – બે વાટકી
- પીળો ખાવાનો રંગ – એક ચપટી
- ચાંદીની વરખ – ઓપશનલ
- ઈલાયચી પાવડર – એક ચપટી
કોપરા પાક બનાવવા માટેની સરળ રેસિપી
1. સૌથી પહેલા એક જાડા તળિયા વાળા પેનમાં અથવા કઢાઈમાં આપણે દૂધ લઈશું. જાડા તળિયાનું વાસણ લેવાથી દૂધ નીચે બહુ ચોંટી જતું નથી.
2. હવે એ દૂધમાં આપણે ખાંડ ઉમેરી લઈશું.
3. હવે ખાંડ અને દૂધને બરાબર મિક્સ કરી લઈશું.
4. હવે આ મિશ્રણમાં આપણે ખાવાનો પીળો રંગ ઉમેરીશું.
5. હવે ઉકળે એટલે તેમાં સૂકા ટોપરાનું છીણ ઉમેરી લેવી.
6. છીણ અને દૂધનું મિશ્રણ બરાબર મિક્સ કરી લેવું.
7. થોડીવાર પછી તમે જોશો કે દૂધ શોષવાઈ ગયું હશે અને થોડું થીક મિશ્રણ તૈયાર થયું હશે.
8. હવે એ કોપરા અને દૂધના મિશ્રણમાં ઈલાયચી પાવડર ઉમેરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું.
9. હવે જે તે ડીશ કે વાસણમાં તમે તેને ઠારવા માંગતા હોવ તેમાં આ મિશ્રણ કાઢી લેવું.
10. હવે તમારી પાસે ચાંદીની વરખ હોય તો તેને યોગ્ય ધ્યાન આપીને એ ડીશ પર પાથરી લો.
11. થોડીવારમાં જ તમે જેવું પાથર્યું હશે તેનાથી થોડું થીક થઇ ગયું હશે.
કોપરા પાક એ એકદમ ચોસલા પડે એવો કઠણ ખાવાની બહુ મજા નહિ આવે એટલે થોડો નરમ જ રાખવો. તમારા ઘરમાં નાના મોટા દરેકને આ મીઠાઈ પસંદ આવશે જ એટલે એકવાર જરૂર બનાવજો. આ મીઠાઈ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. કોપરા પાક એ તહેવારના દિવસોમાં ઘરે આવતા મહેમાનો માટે પણ બનાવી શકો છો.
તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.