મેજીક મસાલા પુલાવ.

આપણે ઘરમાં નાના મોટા પ્રસંગે વાનગીઓ બનાવતા હોઈએ છીએ અને સાથે પુલાવ પણ બનાવતા હોઈએ છીએ. અનેક પુલાવ તમે સુધી બનાવ્યા અને ખાધા હશે તો એકવાર આ પુલાવ પણ જરૂર ટ્રાય કરજો. ચનાદાલ પુલાવ પછી આ છે એક નવીન મેજીક મસાલા પુલાવ.

મેગી મસાલાનો ટેસ્ટ ઉમેરવાથી ઘરમાં જે બાળકો ખાવા માટે આનાકાની કરતા હશે તેમને પણ આ પુલાવ ખુબ પસંદ આવશે. ચાલો ફટાફટ શીખી લઈએ એક ટેસ્ટી અને મસાલેદાર પુલાવ બનાવવા માટેની રેસિપી.

સામગ્રી

  • બાસમતી ચોખાથી બનાવેલ ભાત – એક બાઉલ
  • ડુંગળી – એક મીડીયમ સાઈઝ
  • બટેકા – એક મીડીયમ સાઈઝ
  • વટાણા – વાટકી
  • ટામેટા – એક નાનું ટામેટું
  • ગાજર – વાટકી જીણું સમારેલું
  • કેપ્સિકમ – એક નાની વાટકી જીણું સમારેલું
  • કોબીઝ – એક નાની વાટકી લાબું સમારેલ
  • આદુ – એક નાનો ટુકડા
  • લીલા મરચા – બે થી ત્રણ નંગ (વધારે તીખું જોઈએ તો વધારે મરચા લેવા)
  • લસણ ચટણી (ઓપશનલ)
  • જીરું – અડધી ચમચી
  • મીઠો લીમડો – ચાર થી પાંચ પાન
  • કસૂરી મેથી – એક નાની ચમચી
  • હિંગ – ચપટી
  • હળદર અડધી ચમચી
  • લાલ મરચું – એક ચમચી
  • ધાણાજીરું – અડધી ચમચી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • મેગી મેજીક મસાલો – અડધું પેકેટ
  • તેલ – વઘાર માટે જરૂર મુજબ

મેજીક પુલાવ બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા આપણે બાસમતી ચોખાને બરાબર ધોઈને ઉકળતા પાણીમાં ચોખાને ઉકાળીને થોડી જ વારમાં પાણીમાંથી કાઢી લઈશું જેથી ભાત છૂટો છૂટો થાય.

2. હવે ભાત ઠંડો થાય એટલે હવે આપણે પુલાવ વધારીશું. તેના માટે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.

3. હવે તેલમાં જીરું અને મીઠો લીમડો ઉમેરો.

4. હવે આ તેલમાં ગાજર અને બટાકા ઉમેરીશું. આ ગાજર અને બટાકાની સાથે થોડું મીઠું પણ ઉમેરીશું જેથી બટાકા અને ગાજર જલ્દી ચઢી જાય.

5. બધું બરાબર હલાવી લો અને ગાજર અને બટાકા થોડા અધકચરા ચઢી ગયા હોય એવા લાગે એટલે તેમાં ડુંગળી ઉમેરી લો.

6. હવે આમાં આપણે બાકીના શાક ઉમેરીશું જેમાં વટાણા (મેં અહીંયા ફ્રોઝન કરેલા લીધા છે એટલે પછી ઉમેર્યા છે તમે કાચા વટાણા લો તો તેને બટાકા અને ગાજરની સાથે ઉમેરી દો.),કુબીઝ, ટામેટા અને કેપ્સિકમ ઉમેરો.હવે આમાં આદુ છીણી લો.

7. હવે બધું બરાબર મિક્સ કરીને તેમાં મસાલા કરીશું, મીઠું (સ્વાદ પ્રમાણે કેમ કે આગળ આપણે બટાકા અને ગાજર માટે મીઠું ઉમેરેલું છે અને ભાત બનાવતા તેમાં પણ મીઠું ઉમેર્યું હશે એટલે એ પ્રમાણે ઉમેરવું.) હળદર, ધાણાજીરું, મરચું અને ગરમ મસાલો ઉમેરીશું.

8. બધો મસાલો બરાબર મિક્સ કરી લો હવે તેમાં કસૂરી મેથી ઉમેરીશું. (કોઈપણ વાનગીમાં કસૂરી મેથી ઉમેરો તો તેને હથેળીમાં મસળીને ઉમેરો આમ કરવાથી ટેસ્ટ અને સુગંધ બહુ મસ્ત આવે છે.)

9. હવે આપણે આમાં બનેલ ભાત ઉમેરીશું.

10. ભાત અને મસાલો બધું બરાબર મિક્સ કરી લો જેથી મસાલા ભાતમાં બરાબર ભળી જાય.

11. હવે ગેસ બંધ કરીને આ પુલાવમાં મેગી મેજીક મસાલો ઉમેરીશું.

12. બધું બરાબર મિક્સ કરી લો.

બસ તો તૈયાર છે તમારો આ ટેસ્ટી અને મસાલેદાર મેજીક પુલાવ. ઘરમાં જયારે પણ ભાજીપાઉં કે છોલે બનાવો તો તેની સાથે આ પુલાવ જરૂર ટ્રાય કરજો મને વિશ્વાસ છે ઘરમાં બધાને પસંદ આવશે. તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

error: Content is protected !!