સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે ખાવા મળતો આ ટેસ્ટી અને મસાલેદાર સંભાર.
ઈડલી, ઢોસા, ઉત્તપ્પા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગીઓ સાથે ખવાતો સંભાર (સાંભાર) આજે શીખો વિગતવાર.
અન્નાની લારીએ અને ફૂડ સ્ટોલ પર સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે ખાવા મળતો આ ટેસ્ટી અને મસાલેદાર સંભાર હવે તમારા રસોડે બનાવી શકશો. આજે જે સંભાર બનાવ્યો છે એ એકદમ સિમ્પલ છે તેમાં વધારાના શાકભાજી ઉમેર્યા નથી કેમ કે મારા ઘરના બાળકોને સંભારમાં કાંઈ પણ વધારાનું આવે એ પસંદ નથી.
સામગ્રી
- તુવેરની દાળ – એક વાટકી
- ડુંગળી – જીણી ક્રશ કરેલી – 2 મીડીયમ સાઈઝ
- ટામેટા – જીણા ક્રશ કરેલા – 2 મીડીયમ સાઈઝ
- આદુ – એક નાનો ટુકડો
- તેલ – વઘાર કરવા માટે
- મીઠો લીમડો – 4 થી 5 પાન
- અડદની દાળ – અડધી ચમચી
- રાઈ – અડધી ચમચી
- હિંગ – અડધાની અડધી ચમચી
- લાલ મરચું – એક ચમચી (વધારે તીખું જોઈએ તો વધારે)
- હળદર – અડધી ચમચી
- ધાણાજીરું – અડધી ચમચી
- સંભાર મસાલો – અડધી ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- લીલા ધાણા
સંભાર બનાવવા માટેની સરળ રીત
1. સૌથી પહેલા તુવેરની દાળને ધોઈને થોડીવાર પલાળી રાખવી અને પછી તેને બાફવા માટે મૂકી દેવી
2. દાળ ચઢી જાય એટલે બ્લેન્ડરથી દાળને ક્રશ કરી લેવી, અને ગેસ પર ગરમ કરવા માટે મુકવી
3. ક્રશ કરીને ગેસ પર મુકેલી દાળમાં હવે જરૂર મુજબનું પાણી ઉમેરો અને ગેસ ચાલુ જ રાખો જેથી દાળ ઉકળવાની શરૂઆત થઇ જાય.
4. હવે આ દાળમાં જરૂર મુજબનું મીઠું ઉમેરવું
5. હવે દાળમાં લીંબુનો રસ ઉમેરવો,
6. હવે તેમાં લીલા ધાણા ઉમેરવા (આ તમે લાસ્ટમાં કરશો તો પણ ચાલશે.)
7. હવે દાળમાં વઘાર કરવાની પ્રોસેસ કરીશું. સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મુકીશું અને તેમાં રાઈ ઉમેરીશું અને સાથે મીઠો લીમડો પણ ઉમેરી લઈશું
8. હવે તેલમાં અડદની દાળ અને હિંગ ઉમેરવી, દાળને બરોબર તતડવા દેવાની છે આ સ્ટેપ કરવાથી દાળ ક્રન્ચી થઇ જશે અને દાળમાં ટેસ્ટ સારો આવશે.
9. હવે આ વઘારમાં જીણા ક્રશ કરેલ ડુંગળી અને ટામેટા ઉમેરો.
10. ટામેટા અને ડુંગળીને તેલમાં બરાબર મિક્સ કરી લો.
11. હવે આ મિશ્રણમાં આપણે મસાલો કરીશું, હળદર, મરચું, ધાણાજીરું, સંભાર મસાલો ઉમેરો.
12. બધું બરાબર મિક્સ કરી લો. ટામેટા અને ડુંગળી બરોબર સાંતળાઈ જાય એવું કરો. હવે આ મિશ્રણમાં એક ગ્લાસ પાણી ઉમેરો.
13. વઘારને બરોબર ઉકાળો, આનાથી મસાલો બરાબર મિક્સ થઇ જશે અને ચઢી પણ જશે.
14. બરાબર ઉકળી જાય એટલે આ વઘારને બીજા ગેસ પર ઉકળી રહેલ દાળમાં ઉમેરી લો.
15. દાળમાં વઘાર બરોબર મિક્સ કરો અને તેને બરોબર ઉકાળવા દો
16. બસ હવે આ સંભાર ખાવા માટે રેડી છે. આની સાથે અહીંયા અમુક ટિપ્સ આપું છું એ ખાસ ધ્યાન આપજો તેનાથી તમે બનાવશો એ સંભાર બહાર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને પરફેક્ટ બનશે.
સરળ ટિપ્સ
- જો સંભારનો સાચો અને અસલી ટેસ્ટ માણવો હોય તો આ કામ ખાસ કરજો. સંભાર જયારે ખાવાનો હોય તેના બે થી ત્રણ કલાક પહેલા સંભાર બનાવીને રાખી દો અને જમવાના સમયે ગરમ કરીને ખાવ.
- સંભારને વધુ ટેસ્ટી કરવા માટે તેમાં તમે અમુક શાક પણ ઉમેરી શકો છો. જેમ કે દૂધી અને સરગવો. દૂધી એ દાળ બાફતા સમયે દાળની સાથે ઉમેરવી અને સરગવો એ દાળ જયારે ઉકળવા મુકો ત્યારે ઉમેરવાનો છે.
- દાળને જલ્દી બાફવા માટે દાળને પલાળી રાખો આમ તો ના પલાળીએ તો પણ દાળ ચઢી તો જાય જ છે પણ આ તો દાળ પલાળેલી હોય તો ગેસ ઓછો બળે.
તો તમને આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો, ચાલો આવજો ત્યારે ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ વાનગી સાથે.