બાળકો કાંઈક નવીન અને ટેસ્ટી ખાવાની ફરમાઈશ કરે તો આ અપ્પમ જરૂર બનાવી આપજો.

અપ્પમ નાના નાના એ ક્રિસ્પી અપ્પમ ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવતા હોય છે. આમ તો જનરલી ઈડલીના ખીરુંથી જ અમે અપ્પમ બનાવતા હોઈએ છીએ પણ ગઈકાલે હાંડવો બનાવ્યો હતો અને તેમાંથી અમારા મેડમને એટલે કે અમારી સાક્ષીને નાના નાના હાંડવા ખાવા હતા એટલે મેં તેને અપ્પમ બનાવી આપ્યા. તમારા ઘરમાં પણ બાળકો તો હશે જ જે લગભગ દરેક વાનગીમાં કાંઈકને કાંઈક વાંધા કાઢતા જ હોય.

તો તેવા બાળકો માટે આજે લાવી છું કાંઈક અલગ અને નવીન લાગે એવી વાનગી. હવે જયારે પણ બાળકો કાંઈક નવીન અને ટેસ્ટી ખાવાની ફરમાઈશ કરે તો આ અપ્પમ જરૂર બનાવી આપજો. હવે થોડા સમયમાં ફરીથી તમારી માટે લાવીશ ઇન્સ્ટન્ટ અપ્પમની રેસિપી જેમાં આથો લાવવાની પણ જરૂરત નથી.

સામગ્રી

સૌથી પહેલા આપણે ખીરું બનાવવાની રીત અને સામગ્રી જોઇશુ આ ખીરુંથી તમે ઢોકળા, હાંડવો, ખાટા વડા (ભજીયા) અને તીખા પુડા (ડંગેલા) પણ બનાવી શકશો.

ખીરું બનાવવા માટે સામગ્રી

  • ચણાની દાળ – 1 કપ
  • તુવેરની દાળ – અડધો કપ
  • ચોખા – બે કપ

અપ્પમનો મસાલો કરવા માટે

  • દૂધી – 250 ગ્રામ
  • લીલા મરચા – 5 થી 6 નંગ (તીખું જોઈએ તો વધારે ઉમેરી શકો.)
  • આદુ – એક નાનો ટુકડો
  • લસણ – 10 થી 15 કળી
  • લીલા ધાણા – બે ચમચી
  • મેથી (લીલી ના હોય તો સુકવણી કરેલી પણ ઉમેરી શકો.)- બે ચમચી
  • લાલ મરચું – 1 ચમચી
  • હળદર – અડધી ચમચી
  • ધાણાજીરું – અડધી ચમચી
  • ગરમમસાલો – અડધી ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • ખાંડ – બે ચમચી (ઓપશનલ)
  • સોડા – અડધી ચમચી
  • હિંગ – એક એક હાંડવો વાઘરતી વખતે જોઈશે
  • રાઈ – વઘારમાં જરૂર મુજબ
  • તલ – વઘારમાં જરૂર મુજબ
  • તેલ – વઘાર કરવા માટે

રીત

1. સૌથી પહેલા ખીરું બનાવવા માટે ચોખા, ચણાની દાળ અને તુવેરની દાળ એક તપેલીમાં લો.

2. હવે તેને બરાબર ધોઈ લેવું, બે થી ત્રણ વાર ધોઈ લેવું જેથી દાળ પર રહેલ તેલ અને દિવેલ નીકળી જાય.

3. હવે આ દાળ અને ચોખાના મિશ્રણને ત્રણ થી ચાર કલાક પલાળવું,

4. હવે પલળી ગયા પછી મીક્ષરના કપમાં આપણે તેને ક્રશ કરી લઈશું. આટલું બધું એકસાથે નહિ ક્રશ થાય એટલે થોડું થોડું કરીને બધું બરોબર ક્રશ કરી લઈશું.

5. ક્રશ કરવાના સમયે દાળ ચોખા સાથે થોડું દહીં પણ ઉમેરવું

6. હવે તૈયાર થયેલ ખીરુંને આથો લાવવા માટે થોડી ગરમ જગ્યા પર મુકીશું જો તમને બહુ ખટાશ ના ફાવતી હોય તો એમજ રસોડા પર પણ ઢાંકીને મૂકી શકો છો.

7. હવે આ ખીરું આથો આવીને 5 કલાકમાં તૈયાર થઇ જશે. હવે તૈયાર થયેલ ખીરુંમાં આપણે અપ્પમ માટેનો મસાલો કરીશું.

8. સૌથી પહેલા મિક્સરના એક કપમાં આદુ, મરચા અને લસણ ક્રશ કરીશું.

9. હવે દૂધીને છોલીને છીણી લો અને તૈયાર થયેલ ખીરુંમાં ઉમેરી દો.

10. હવે ક્રશ કરેલા આદુ, મરચા અને લસણ તેમાં ઉમેરો.

11. હવે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું, ખાંડ, લીલા ધાણા અને મેથી ઉમેરો

12. હવે બધો મસાલો બરાબર મિક્સ કરી લો. હવે જયારે પણ અપ્પમ બનાવવાનો સમય થાય ત્યારે જ તેમાં સોડા ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે એક જ બાજુ હલાવીને મિક્સ કરીએ તેનાથી સોડાની અસર બરાબર થશે અને બધા ખીરામાં બરોબર મિક્સ થઇ જશે.

13. હવે અપ્પમ બનાવવા માટેની લોઢીને ગેસ પર ગરમ કરવા માટે મુકીશું. તેના દરેક ખાનામાં આપણે તેલ લગાવી લઈશું.

14. હવે તૈયાર કરેલ ખીરુંને આપણે અપ્પમની લોઢીમાં ઉમેરી લઈશું. અપ્પમના દરેક ખાનામાં એક સરખું ખીરું ચમચીની મદદથી ભરો.

15. હવે ઢક્કન ઢાંકીને અપ્પમ ચઢવા દઈશું.

16. હવે થોડીવારે ચેક કરી લો જો ખીરું ચઢી જાય એટલે કે ભીનાશ ના રહે એવા અપ્પમ થાય એટલે બે ચમચીની મદદથી બધા અપ્પમ પલટાવી લો.

17. હવે થોડીવારે નીચેની તરફ ચઢી જવા દેવું. જરૂર લાગે તો ઉપરથી થોડું તેલ પણ ઉમેરી શકો છો. આમ કરવાથી અપ્પમ ક્રિસ્પી બનશે.

18. હવે બનેલ અપ્પમને સોસ, ગ્રીન ચટણી સાથે ખાવ.

તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

error: Content is protected !!