લવ મેરેજ? – લગ્ન પહેલાનું જીવન અને લગ્ન પછી જયારે જવાબદારીઓ વધે.
લવ મેરેજ?
સુબોધ જ્યાં સુધી સ્વરાને દિવસમાં ત્રણથી ચાર વાર જુએ નહિ ત્યાં સુધી તેને ચેન ના પડે. છેલ્લા 7 થી 8 વર્ષથી તેઓ એકબીજાના પાડોશી હતા. શેરીમાં રમતા અને સાથે ભણતા ક્યારેય તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા એ તેમને ખબર જ પડી નહિ. શેરીમાં આવતા જતા બંને એકબીજાને જોતા, એકબીજાની આંખો મળતી અને સુબોધની નજર સ્વરા પર પડતા જ સ્વરાની આંખો નીચી નમી જતી. શરમની મારી તે ઘરમાં ભાગી જતી.
જયારે પણ સુબોધ ઘરની ગેલેરીમાં ઉભો હોય અને સ્વરા નીકળતી અને ત્યારે અચાનક બંનેની નજર એક થતી અને સ્વરાને જોઈને સુબોધનું હૃદય એક ધબકારો ચુકી જતો. સ્વરા સુંદર સ્માઈલ આપતી અને પછી ચાલી જતી પોતાના ઘરમાં. સુબોધની ઉંમર 18 વર્ષ અને સ્વરાની ઉંમર 16 વર્ષની. યુવાનીના ઉંમરે હજી પગ મુક્યો જ હતો ને બંને એકબીજાને દિલ દઈ બેઠા.
એકવાર બંને પોતપોતાના ઘરની ગેલેરીમાં ઉભા ઉભા એકબીજાને નિહાળી રહ્યા હતા. જાણે કેટલીય વાતો એકબીજાને આંખોથી જ કહી રહ્યા હતા. કેટકેટલી વાતો એ બંને યુવાન હૃદય એકબીજા સાથે કરવા માંગતા હતા પણ બંનેના ઘરની વચ્ચે જે દુરી હતી એ પાર કરવી એ હમણાં શક્ય નહોતું. પણ એ યુવાન હૈયા જે રીતે એકબીજાની સામે જોઈ રહ્યા હતા એ કોઈ બીજાની નજરમાં પણ આવી ગયું હતું. તે બંનેના ઘરના રસ્તેથી જમનાકાકી શાક લઈને ત્યાંથી નીકળી રહ્યા હતા અને આ બંનેની નજરોની વાતો એ જમનાકાકીની નજરમાં આવી ગઈ હતી.
બે જ દિવસમાં તો બંને ઘરમાં હોહા થઇ ગઈ. સ્વરાની તો રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ હતી પ બીજી તરફ જયારે સુબોધના માતા પિતા દ્વારા તેને આ વિષે પૂછવામાં આવે છે ત્યારે તે જવાબ આપે છે કે, “લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ. મને તેના વગર ચાલશે નહિ.” સુબોધની વાત સાંભળીને તેના માતા પિતા તેને સમજાવે છે.
સુબોધની માતા, “દીકરા તેની ઉંમર હજી નાની છે એ બહુ કાચી ઉંમરની છે તેને હજી કશીજ ખબર પડે નહિ.”
સુબોધ, “તે મારેય ક્યાં કાલે લગ્ન કરવા છે હજી હું પણ પગભર નથી થયો તો લગ્નની તો વાત હમણાં વિચારતો જ નથી. પણ જયારે પણ લગ્ન કરીશ સ્વરા સાથે જ કરીશ. અને તમને બંનેને જણાવી દઉં આ વિષયમાં મને બીજી કોઈ વાતચીત જોઈએ નહિ. જો તે મને નહિ મળે તો હું આત્મહત્યા કરીશ.” સુબોધની આ વાતો સાંભળીને માતા પિતા બંને હેરાન પરેશાન થઇ જાય છે અને દીકરાના આમ ઊંચા અવાજે વાત કરવા સામે માતા પિતા બંનેમાંથી કોઈપણ કશું કહી શકતા નથી.
સ્વરાના ભાઈએ સ્વરાને ખુબ મારી હતી, સ્વરા હીબકે ચઢી હતી. સ્વરાની માતાએ પોતાના દીકરાને શાંત કર્યો અને સ્વરાને શાંતિથી સમજાવવા માટે વિચાર્યું. સ્વરાની માતા અને ભાઈ તેને રૂમમાં એકલી છોડીને બહાર નીકળી ગયા. સ્વરા ખુબ રડી રહી હતી એટલે માતા તેની માટે પાણી લઈને સ્વરાના રૂમ તરફ જાય છે. ત્યાં જઈને જુએ છે તો દીકરી સ્વરા પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકી રહી હતી અને તડપી રહી હતી. સ્વરાની માતાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. તેમની ચીસ સાંભળીને સ્વરાના પિતા અને તેનો ભાઈ ત્યાં આવી પહોંચ્યા. જલ્દીથી તેઓ બંને થઈને સ્વરાને નીચે ઉતારે છે. સ્વરા નીચે આવતા જ બેભાન થઇ ગઈ હતી. સ્વરાની આ પરિસ્થિતિ જોઈને ત્રણે જણ એકબીજાની સામે જોવા લાગ્યા અને ખુબ દુઃખી થયા.
સવારની આવી હાલત જોઈને તેમણે બધાએ એક નિર્ણય કર્યો અને તેના લગ્ન સુબોધ સાથે લગ્ન કરાવવાનું નક્કી કરી લીધું. દીકરી માટે પિતા પોતાના એક મિત્ર ડોક્ટરને ઘરે બોલાવે છે. સ્વરાના ભાનમાં આવતા જ ઘરમાં બધાને રાહત થઇ. સવારના પિતા દીકરીની પાસે બેઠા તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું,
“તારા જીવથી વધારે અમને કશું જ વ્હાલું નથી. જો તું એ સુબોધ સાથે જ તારું જીવન વિતાવવા માંગતી હોય તો અમે પણ તારી ખુશીમાં ખુશ છીએ. અમે તારું લગ્ન કરાવશું પણ તારી ઉમર હજી નાની છે એટલે તારે લગ્નની ઉંમર સુધી પહોંચે ત્યાંસુધી રાહ તો જોવી જ પડશે અને તારે અમને વચન આપવું પડશે કે તું આવું ફરી ક્યારેય નહિ કરે અને જો આ સમય દરમિયાન તને એમ લાગે છે કે સુબોધ કરતા પણ સારું પાત્ર તને મળે એમ છે તો તારે તેના માટે પણ તૈયાર રહેવું પડશે અથવા અમે જે છોકરાઓ તને બતાવીએ એમાંથી જો તને કોઈ સુબોધથી પણ વધારે પસંદ આવે તો તેની સાથે લગ્ન કરવા પડશે.”
સુબોધ સાથે લગ્ન થશે એ વાત સાંભળીને જ સ્વરાના શરીરમાં એક અનોખું જોમ આવી જાય છે. તે પિતાની બધી વાતથી સહમત થાય છે અને પિતાએ આપેલ બધા વચન પાળશે એવું કહે છે. પ્રેમીઓ વિષે તો તમે પણ જાણો જ છો કે તેઓ એકબીજા માટે કશું પણ કરવા માટે તૈયાર થઇ જતા હોય છે. એવી જ રીતે સ્વરા પણ પોતાની લગ્નની ઉંમર 18 વર્ષ થવા સુધી રાહ જુએ છે અને તે દરમિયાન તેને માતા પિતા દ્વારા 5 છોકરા બતાવવામાં આવે છે પણ સ્વરા પોતાના મનમાં સુબોધને જગ્યા આપી ચુકી હોય છે એટલે તે કોઈપણ છોકરાને પસંદ કરતી નથી. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ તેને સુબોધને મળવા માટે વધુ ને વધુ ખેવના જાગે છે.
આખરે એ દિવસ આવી જાય છે જયારે સ્વરા 18 વર્ષની થઇ જાય છે. સવારના માતા પિતા દીકરીના વર્તનથી જાણી જાય છે કે તે સુબોધ સિવાય કોઈપણ બીજા છોકરા સાથે લગ્ન કરશે નહિ. એટલે તેઓ સ્વરા અને સુબોધના સંબંધ માટે રાજી થઇ જાય છે. પછી સ્વરાના જન્મદિવસના દિવસે જ સ્વરા અને સુબોધની સગાઇ કરીને સંબંધ નક્કી કરે છે. સ્વરા અને સુબોધને સાથે જોઈને સુબોધના પરિવારમાં તો બધા જ ખુશ હોય છે. તો બીજી બાજુ સ્વરાના માતા પિતા પણ કમને તેમની સાથે જોડાય છે. ધીરે ધીરે તેઓ પણ આ સંબંધને મંજૂરી આપે છે.
સગાઈના ત્રણ મહિના પછી બંનેના લગ્ન કરવામાં આવે છે. લગ્ન રોકવા માટે સ્વરાના પરિવાર દ્વારા ઘણા પ્રયત્ન કરવામાં આવે છે જેમાં તેઓ કહે છે કે તેઓ લગ્નમાં બહુ ધૂમધામ નહિ કરે, તેઓ આર્ય સમાજમાં લગ્ન કરશે, લગ્નમાં જાનમાં ફક્ત ગણતરીના માણસોને જ લાવવા વધારે વ્યક્તિઓ તેમને પોસાય એમ નથી. એટલે સુધી કે તેઓ સ્વરાને લગ્નમાં બહુ કરિયાવર પણ આપવામાં માનતા નથી. આવું કરવા પાછળ તેમનો ફક્ત એટલો જ આશય હોય છે કે કદાચએ સ્વરાનું મન બદલાઈ જાય અને તે લગ્ન માટે ના કહી દે. પણ કશો જ ફરક પડતો નથી. તેમના લગ્ન પણ થઇ જાય છે.
લગ્નના બીજા જ દિવસે સ્વરાના ઘરે સ્વરાના માતા પિતા એક આખી રીક્ષા ભરીને સામાન મુકવા આવે છે અને તેઓ કહે છે કે “લગ્ન ના થાય તેની માટે અમે ઘણા પ્રયત્ન કર્યા પણ હવે જયારે લગ્ન થઇ જ ગયા છે તો પછી હવે કશું જ કરી શકાય એમ નથી. એટલે આ બધી વસ્તુઓ અમે સ્વરા માટે રાખી હતી કે તેના લગ્નમાં તેને આપીશું તો તેનો સ્વીકાર કરો આ અમારા આશીર્વાદ છે.”
લગ્ન થતા જ સ્વરાનું જીવન એકદમ બદલાઈ જાય છે. જે રીતે લગ્ન પહેલા સુબોધ પોતાના માતા પિતા સાથે ઊંચા અવાજે વાત કરતો હતો એવી જ રીતે સુબોધ હવે સ્વરા સાથે વાત કરતો હતો. લગ્નના બે ત્રણ મહિના સુધી તો બધું બરાબર ચાલે છે પણ પછી સુબોધ નોકરી જવાનું બંધ કરી દે છે. તે આખો સમય સ્વરાની સામે જ રહે છે અને સતત તેની પર નજર રાખે છે. તેને શંકા હોય છે કે સ્વરા હજી પણ તેને છોડીને ચાલી જશે.
સ્વરાના ઘરમાં આવતા જ સુબોધની માતાનો વ્યવહાર પણ તેના પ્રતે બદલાઈ જાય છે. તેઓ દરરોજ આખો દિવસ કોઈને કોઈ કામને કારણે ઘરની બહાર રહેવા લાગે છે. સવાર થતા જ તે તૈયાર થઇ અને સ્વરા પાસે ટિફિન તૈયાર કરાવડાવીને નીકળી પડતા હતા અને પછી તેઓ ડાયરેક્ટ સાંજે 7 વાગ્યા પછી જ ઘરે આવતા જેથી ઘરનું બધું જ કામ સ્વરાના માથે જ આવતું હતું. તેમ છતાં પણ સ્વરા બધું જ સહન કરતી અને લગ્નના એક જ મહિનામાં તેણે ઘરનું બધું જ કામકાજ સાંભળી લીધું. હવે સ્વરા માટે એવું હતું કે તે માતા પિતાને પણ કશું કહી શકતી હતી નહિ અને તે સુબોધને તો સમજાવીને થાકી ગઈ હતી પણ તેમ છતાં તે કોઈપણ કામ કરવામાં રસ લેતો હતો નહિ.
એક દિવસ સ્વરાને વિચાર આવે છે કે તેણે બરાબર કર્યું કે નહિ? તમે મને અહીંયા કોમેન્ટમાં જરૂર જણાવજો કે સ્વરાએ જે કર્યું એ બરાબર કર્યું કે નહિ?