વિદ્યાની જેમ આ રીતે કરો સ્કિન ડિટોક્સ, ચહેરા પર આવશે નેચરલ ગ્લો.
વિદ્યા બાલનને અભિનયની સાથે-સાથે ત્વચા સાથે પણ ખૂબ જ લગાવ છે. કહેવાય છે કે, વિદ્યા જેટલુ કામમાં ધ્યાન આપે છે તેટલુ જ ધ્યાન તે તેની સ્કિનની કેવી રીતે કેર કરવી તેની પર પણ આપે છે. વિદ્યાની ચમકતી અને ગ્લોઇંગ સ્કિનની પાછળ કોસ્મેટિક નહિં પરંતુ કુદરતી તત્વો ખૂબ જ જવાબદાર છે. વિદ્યા મેક અપની જગ્યાએ તેના ચહેરા પર નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.
આ માટે કોઇ ઇવેન્ટ હોય કે પછી કોઇ ફંક્શન હોય તેનો ચહેરો હંમેશા જોરદાર ગ્લો કરતો હોય છે. આમ, જો તમે વિદ્યાના જેવો ફેસ એટલે કે ગ્લોઇંગ, ડાઘા-ધબ્બા વગરનો અને કોમળ ત્વચા મેળવવા ઇચ્છતા હોવ તો તેની જેમ આ ટિપ્સ ફોલો કરીને સ્કિનને ડિટોક્સ કરો. આ ટિપ્સની મદદથી તમે તમારી ત્વચાની ચમક વિદ્યા બાલન જેવી સરળતાથી મેળવી શકશો.
જાણો કેમ જરૂરી છે ત્વચા માટે ડિટોક્સ?
શરીરની સાથે-સાથે ત્વચાને સાફ કરવા ડિટોક્સની ખૂબ જ જરૂરિયાત હોય છે. પ્રદુષણ અને વધુ પડતા મેક અપને કારણે ચહેરા પર હાનિકારક બેક્ટેરિયા જમા થાય છે જેને કારણે ચહેરા પર ખીલ થવાની સમસ્યા વધી જાય છે અને સાથે-સાથે સ્કિન અને હોઠ એકદમ ડ્રાય થઇ જાય છે. જો તમને આ બધી બાબતોની જાણ હોવા છતા તમે તેને ઇગ્નોર કરો છો તો આ સમસ્યા દિવસેને દિવસે ખૂબ જ વધી જાય છે અને પછી સ્કિન પર ગમે તેટલા પ્રયોગ કરવા છતા જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી.
માટે જો તમે આ બધી જ સમસ્યાઓમાંથી સમય પહેલા ચેતવા માંગો છો અને તમારી સ્કિનને હેલ્ધી તેમજ પ્રોબ્લેમ ફ્રી રાખવા ઇચ્છો છો તો મહિનામાં ઓછામાં ઓછુ 2 વાર સ્કિન ડિટોક્સ જરૂરથી કરો. સ્કિન ડિટોક્સથી ત્વચાનું પીએચ લેવલ સંતુલિત થાય છે અને સાથે-સાથે તમને તણાવ અને પ્રદુષણથી દૂર રાખવાનું કામ પણ કરે છે. માટે જો તમે અત્યાર સુધી આ બાબત પર ધ્યાન નથી આપ્યુ તો હવે સમય થઇ ગયો છે તમારી સ્કિન પર પ્રોપર ધ્યાન આપવાનો..
આ રીતે કરો ત્વચાનું ડિટોક્સ
– ત્વચાને ડિટોક્સ કરવા માટે રાત્રે સૂતા પહેલા જો તમને રોજ મેક અપ કરવાની આદત છે તો તેને સૌ પ્રથમ સારી રીતે રિમૂવ કરી લો. રાત્રે ઊંઘતા પહેલા ત્વચા પર હાઇડ્રેટિંગ ક્રિમ લગાવો. જો તમે આ ક્રિમનો ઉપયોગ રોજ કરો છો તો તમારી સ્કિન એકદમ સોફ્ટ થઇ જશે અને નિખરે પણ છે.
– સવારમાં ઉઠતાની સાથે જ ચહેરાને સૌ પ્રથમ પાણીથી સાફ કરવાનુ રાખો. આમ, જો તમારી સ્કિન ડ્રાય છે તો ઓઇલ ક્લિનઝર અથવા માર્કેટમાં સરળતાથી ડ્રાય સ્કિન માટેના ફેસ વોશ મળે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. જો તમારી સ્કિન ઓઇલી છે તો તમે વોટર બેસ્ડ જેલનો ઉપયોગ કરશો તો તમારા માટે બેસ્ટ રહેશે.
– ત્યારબાદ એક વાસણમાં થોડુ હુંફાળુ પાણી કરીને તેનાથી નાસ લો. આ પ્રોસેસ કરવાથી ચહેરા પરના નાના-નાના પોર્સ ખુલી જશે. નાસ લઇ લીધા પછી ચહેરાને કોઇ નરમ કપડુ અથવા ટુવાલથી હળવા હાથે લૂંછી લો. ધ્યાન રહે કે, નાસ તમારે 10-15 મિનિટ સુધી લેવાનો રહેશે.
– આ બધી પ્રોસેસ કર્યા પછી ચહેરાને ક્લિન કરવા માટે હોમ મેડ માસ્ક લગાવો. જો તમારી સ્કિન ઓઇલી છે તો કેળાનો ફેસ માસ્ક લગાવો. સ્કિન ડ્રાય છે તો દહીં અને મધને મિક્સ કરીને ચહેરા પર લગાવો. માસ્ક સુકાઇ જાય પછી ચહેરાને પાણીથી ધોઇ લો. આમ કરવાથી સ્કિન એકદમ સોફ્ટ-સોફ્ટ થઇ જાય છે.
– રાત્રે સૂઇ જાઓ તે પહેલા ચહેરા પર સીરમ અને ફેશિયલ ઓઇલ લગાવો. ધ્યાન રહે કે, સ્કિનને ડિટોક્સ કર્યા પછી 2 દિવસ સુધી ચહેરા પર સાબુ કે પછી ફેશ વોશનો ઉપયોગ કરવાનો નથી.