આલુ મસાલા ઢોસા -માપનો સોડા ઉમેરીને બનાવી શકશો પરફેક્ટ ઢોસા
ઢોસા એક એવી વાનગી છે જે દરેક ઉંમરના વ્યક્તિઓને ભાવે જ. પણ ઘણીવાર પ્રયત્ન કરવા છતાં પણ ઘરે પરફેક્ટ ઢોસા નથી બનાવી શકતા. -કોઈવાર ઢોસા બનાવીએ તો ઢોસા બરાબર ઉખડતાં નથી તો ઘણીવાર ઢોસા આખા નથી ઉખડતાં પણ તૂટી જાય છે. તો આજે હું તમને ઢોસામાં નાખવાના સોડાના પરફેક્ટ માપ સાથે જણાવીશ કે ઘરે જ પરફેક્ટ ઢોસા કેવીરીતે બનાવી શકીએ.
થોડા દિવસ પહેલા મેં ઘરે જ પરફેક્ટ ખીરું બનાવવા માટેની રેસિપી જણાવી હતી તેની પણ લિંક તમને અહીંયા આપું છું. ખીરું બનાવવા માટેની રેસિપી જાણવા અહીંયા ક્લિક કરો.
તો હવે ચાલો તમને જણાવી દઉં ઢોસા બનાવવાની પરફેક્ટ રેસિપી. ઢોસા બનાવવા માટે આપણે પહેલા સામગ્રી જોઈ લઈએ.
- બનાવેલ ખીરું – જરૂર મુજબ
- બાફેલા બટાકા – 2 મીડીયમ સાઈઝ
- ડુંગળી – 1 મીડીયમ સમારેલ
- લીલા મરચાં – થોડા લાંબા સમારેલા વધારે તીખું જોઈએ તો વધારે મરચાં લેવા નહિ તો ફક્ત 2)
- અડદની દાળ – એક ચમચી
- રાઈ – અડધી ચમચી
- હળદર – અડધાની અડધી ચમચી
- ગરમ મસાલો – અડધાની અડધી ચમચી
- ધાણાજીરું – અડધી ચમચી
- મીઠું – અડધી ચમચી
- તેલ વઘાર કરવા અને ઢોસા ઉતારવા માટે
મસાલા ઢોસા બનાવવા માટેની સરળ રેસિપી.
1. સૌથી પહેલા આપણે આલુ મસાલો રેડી કરીશું તેના માટે સૌથી પહેલા એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરો.
2. હવે એ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને મીઠો લીમડો ઉમેરો.
3. હવે આ તેલમાં અડદની દાળ ઉમેરો, અડદની દાળને એમજ કોરી જ ઉમેરવાની છે. આનાથી મસાલામાં ટેસ્ટ વધુ સરસ આવશે.
4. હવે દાળ થોડીવાર તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો.
5. ડુંગળીને થોડી સાંતળાઈ જાય પછી તેમાં લાંબા સમારેલા લીલા મરચા ઉમેરો.
6. થોડીવારમાં મરચા પણ ફ્રાય થઇ જશે પછી તેમાં બાફીને સમારેલા બટાકા ઉમેરો.
7. હવે આ મિક્સમાં આપણે મસાલો કરીશું તેના માટે હવે તેમાં હળદર, ગરમમસાલો, મીઠું અને ધાણાજીરું ઉમેરો.
8. હવે બરોબર બધું મિક્સ કરી લો. હવે આ આલુ મસાલો ઢોસા સાથે ખાવા માટે તૈયાર છે.
9. હવે વારો આવે છે ઢોસા ઉતારવાનો તો સૌથી પહેલા ઢોસાના ખીરુંમાં મીઠું અને સોડા ઉમેરો. એક કિલોની આસપાસ ખીરું હોય ત્યારે તેમાં આ ફોટોમાં બતાવ્યા પ્રમાણેનો સોડા ઉમેરો. જો તમારી પાસે માપની ચમચી નથી તો ઘરમાં વપરાતી નોર્મલ ચમચીનું માપ લેવું. ખીરુંમાં અડધાની અડધી ચમચી સોડા લેવો. ઘણા મિત્રો ઢોસાના ખીરુંમાં સોડા નથી ઉમેરતા હોતા પણ હું ઉમેરું છું જેનાથી મારા ઢોસા ક્રિસ્પી બને છે.
10. હવે ખીરુંમાં મીઠું અને સોડા ઉમેરો પછી સોડા પર થોડું પાણી ઉમેરો અને પછી ચમચાની મદદથી ખીરુંને બરાબર હલાવી લો. પ્રયત્ન કરો કે ખીરું એક જ દિશામાં હલાવીને ફીણી શકો જેનાથી ખીરુંમાં નાના બબલ્સ થશે અને તમારું ખીરું ઢોસા બનાવવા માટે પરફેક્ટ તૈયાર છે.
11. હવે એક નોનસ્ટિક પેનને ગેસ પર મુકો અને તેના એક કે બે ચમચી પાણી લો.
12. હવે એક કપડાંથી બધું પાણી બરોબર આખી લોઢીમાં ફેરવી લો જેનાથી લોઢી બરાબર ક્લીઅર થઇ જશે અને ઢોસા બનાવવા માટે રેડી થઇ જાય. નોનસ્ટિક લોઢી પર આ પાણી ઉમેરીને લૂછવાની પ્રોસેસ એક એક ઢોસા ઉતરે એટલે તરત કરવાની રહેશે આમ કરવાથી લોઢી ઠંડી પણ પડી જશે અને જયારે તમે બીજા ઢોસા બનાવવા માટે ખીરું લોઢી પર પાથરસો તો ઢોસો સરળ રીતે પથરાશે.
13. હવે તૈયાર થયેલ ખીરુંમાંથી એક કે બે ચમચા ખીરું લોઢી પર લો.
14. હવે એ ખીરુંને લોઢી પર બરોબર ફેલાવી લો. પ્રયત્ન કરો કે ગોળ થાય પણ જો નકશા પણ થશે તોય ખાનારા તો ખાવાના જ છે બસ ફક્ત તેને સ્ટેટ્સ પર નહિ મૂકી શકો.
15. હવે પથરાયેલ ઢોસાની ફરતે તેલ ઉમેરો આમ તો આ ઢોસાને પલટાવીને ચઢવા દેવાની જરૂરત નથી પણ તેમ છતાં તમારાથી ઢોસો વધુ જાડો પથરાઈ ગયો છે તો પલટાવીને પણ ચઢાવી શકો.
16. હવે આ ઢોસાની વચ્ચે તમે બનાવેલ શાક ભરીને પણ ખાઈ શકો છો અમારા ઘરમાં અમે આવા સાદા ઢોસા બનાવીએ અને પછી તેના ટુકડા કરીને બનાવેલ શાક ઉમેરીએ અને તેમાં ગરમાગરમ સંભાર ઉમેરીને ખાઈએ અને સાથે કોપરાની ચટણી હોય તો મોજ આવી જાય.
તો તમને મારી આ ઢોસાની રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા આની સાથે શરૂઆતમાં આપેલ ખીરુંની રેસિપી જોવાનું ભૂલતા નહિ. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.