દાલ પકવાન બનાવવા બહુ સરળ છે, એકવાર આ રીતે બનાવજો, ઘરમાં બધાને પસંદ આવશે.

કેમ છો મિત્રો? આજે હું એક બહુ ખાસ રેસિપી તમારી માટે લાવી છું. અહીંયા અમદાવાદમાં લો ગાર્ડન એરિયા બાજુ આ રેસિપી ખુબ પ્રખ્યાત છે. મતલબ કે ત્યાં આ વાનગીના ઘણા સ્ટોલ હોય છે અને લોકો ત્યાં જઈને બહુ આનંદથી આ વાનગી ખાતા હોય છે.

દરેક મહિલા મિત્રને વિનંતી કે આ રેસિપી બહુ સરળ છે અને બહુ મહેનત પણ નથી તો પરિવારને બહારનું હમણાં ના ખવડાવશો કે ખાવા દેશો અને ઘરે જ બનાવી આપજો આ ટેસ્ટી રેસિપી. તો ચાલો ફટાફટ શીખી લઈએ પકવાન પરફેક્ટ બનાવવા માટેની સરળ રેસિપી.

સામગ્રી

  • મેંદો – 400 ગ્રામ
  • અજમો – એક ચમચી
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • તેલ મોણ માટે અને પકવાન તળવા માટે.

દાલ પક્વાનમાં ખવાતા પકવાન બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રીત

1. સૌથી પહેલા લોટ બાંધવાના વાસણમાં આપણે મેંદાનો લોટ લઈશું અને તેમાં અજમો ઉમેરીશું (કોઈપણ લોટ બાંધવામાં અજમો ઉમેરો ત્યારે અજમાને એક હાથની હથેળીમાં લઈને બીજા હાથની હથેળીથી મસળીને જ લેવો.)

2. હવે તેમાં મીઠું અને તેલ ઉમેરો

3. હવે બધું બરાબર મિક્સ કરી લો, તમારે મોણનું માપ પરફેક્ટ લેવાનું છે અહીંયા ફોટોમાં બતાવ્યા પ્રમાણે મુઠ્ઠી બંધાય એટલું તેલ મોણ માટે લેવાનું છે.

4. હવે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધીશુ. લોટ બંધાઈ જાય પછી તેને રેસ્ટ આપવા માટે એકબાજુ મુકવાનો છે.

5. હવે લોટમાંથી પ્રમાણસર ગુલ્લાં બનાવી લો.

6. હવે એમાંથી એક એક પુરી બનાવીશું, પૂરીને પાતળી વણવાની છે અને પુરી વણાઈ જાય એટલે કાંટા ચમચીની મદદથી આખી પુરીમાં નાના કાણા બનાવવાના છે. આમ કરવાથી પકવાન બહુ ફુલશે નહિ અને મસ્ત ક્રિસ્પી બનશે.

7. હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકવું. વાસણ એવું લેવું કે પકવાન આખા ડૂબે નહિ એક જ બાજુ ડૂબે એવું વાસણ લેજો. કટલેશ અને પેટીસ જેમ આપણે સેલો ફ્રાય કરીએ છીએ એમ જ આને પણ કરીશું.

8. હવે તેલમાં પક્વાનને ધીમે ધીમે તળી લઈશું.

9. એક બાજુ થોડો લાઈટ રંગ થાય એટલે તેને પલટાવી લઈશું આ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પકવાનને અહીંયા ફોટોમાં બતાવ્યા પ્રમાણે જારાથી થોડું થોડું દબાવીને તળવાના છે. બહુ હલકા હાથે દબાવજો નહિ તો તેલનું તાંસળું પડી જશે તો વધુ પ્રોબ્લેમ થશે.

10. હવે રેડી છે આપણા પકવાન જેને તમે સિંધી દાલ સાથે લઈ શકો છો.

વિડીયો રેસીપી :

error: Content is protected !!