આલુ સાબુદાણા પૂરી – ફરાળી સુકીભાજી સાથે આ પૂરી બનાવીને ખાવ, ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે.
શ્રાવણ મહિનો શરૂ થતાં જ મહાદેવના ભક્તો ભગવાન ભોળાનાથને મનાવવા માટે આ મહિને વ્રત અને ઉપવાસ કરતાં હોય છે. તમને જણાવી દઈએ કે આ મહિના દરમિયાન ઘણા ભક્તો એ આખો મહિનો ઉપવાસ કરતાં હોય છે તો ઘણા ભક્તો એવા પણ હોય છે જેઓ આ શ્રાવણ મહિનામાં ફક્ત સોમવારે જ ઉપવાસ કરીને વ્રત કરતાં હોય છે.
ઘણા મિત્રો હોય છે જેઓ પોતાની ભૂખને કંટ્રોલ કરી શકતા હોય છે અને આ વ્રત ઉપવાસ તેઓ પ્રોપર રીતે કરી શકતા હોય છે. પણ ઘણા એવા પણ મિત્રો હોય છે જેઓ બહુ સ્ટ્રિક્ટ રીતે વ્રત ઉપવાસ કરી શકતા નથી. તેઓને ભૂખ લાગતી હોય છે. જો કે ભૂખ બધાને જ લાગતી હોય છે પણ અમુક મિત્રો હોય છે જએ ભગવાનની ભક્તિ તો કરવા માંગે છે પણ તેમનાથી બહુ ભૂખ્યું રહી શકાતું નથી.
તો જે મિત્રો ખાતા પિતા ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માંગે છે તેમની માટે હું આજે એક ખાસ રેસીપી લઈને આવી છું. તમે સાબુદાણાના પાપડ, સાબુદાણાની ખિચડી, સાબુદાણાની ખીર અને સાબુદાણાની બીજી ઘણી વાનગીઓ ખાધી હશે. પણ શું તમે ક્યારેય પણ સાબુદાણાની પૂરી ખાધી કે પછી બનાવી છે? તો હવે જ્યારે પણ શ્રાવણમાં કોઈપણ વ્રત ઉપવાસ કરો તો આ ઉપરી જરૂર બનાવજો.
સૌથી પહેલા નોંધી લો આ પૂરી બનાવવા માટેની સામગ્રી.
- પલાળેલા સાબુદાણા – 1 કપ
- સિંઘોડાનો લોટ – 1 કપ
- બાફેલા બટાકા – 2 નંગ
- જીણા સમારેલા લીલા મરચાં – 2 નંગ
- જીણા સમારેલા લીલા ધાણા – 1 ચમચી
- સિંધવ મીઠું – સ્વાદ અનુસાર
- મરી પાવડર – એક ચપટી
- ઘી – 1 કપ
હવે તમને જણાવી દઈએ આ પૂરીઓ બનાવવા માટેની સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.
1. સૌથી પહેલા બાફેલા બટેકાને મેશ કરો પછી તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરો. આ બંને બરાબર મિક્સ કરી લો. ધ્યાનમાં રાખો આ મિશ્રણનો લોટ બાંધવાનો છે એટલે એ રીતે બટાકા અને સાબુદાણા બંને બરાબર મિક્સ થઈ જવા જોઈએ.
2. હવે તેમાં સિંઘોડાનો લોટ ઉમેરો આ બધુ બરાબર મિક્સ કરી લેવું. હવે આ મિશ્રણમાં લીલા મરચાં, લીલા ધાણા, સિંધવ મીઠું અને મરી પાવડર ઉમેરી દેવો.
3. આ બધુ બરાબર મિક્સ કરીને બહુ સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ બાંધી દો.
4. હવે ગેસ પર એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકો. તમે જો તેલમાં પૂરી તળવા માંગો છો તો તેલ પણ ગરમ કરવા મૂકી શકો.
5. તેલ ગરમ થાય ત્યાં સુધી હવે બાંધેલ લોટમાંથી નાના નાના ગુલ્લા (લુવા) બનાવી લો. હવે આ નાની નાની પૂરીઓ વણી લેવી.
6. જો પૂરી વણવામાં મુશ્કેલી થાય તો તમે થોડો કોરો લોટ લઈ શકો છો. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કોરો લોટ ખૂબ ઓછો લેવો પડે.
7. હવે ગરમ થયેલ તેલ કે ઘીમાં મૂકીને તળી લો. થોડી જ સેકન્ડમાં ફુલેલી ફુલેલી પૂરીઓ થઈ જશે તૈયાર. આને તમે ચટણી, દહી કે પછી ફરાળી શાક બનાવો તેની સાથે ખાઈ શકો છો.