જો આ રીતે રાખશો હોઠની કાળજી, તો ક્યારે નહિં થઇ જાય ડ્રાય અને બારે માસ રહેશે કોમળ
હોઠ અને આંખને ખૂબ જ નાજુક અંગ તરીકે ગણવામાં આવે છે. જો આંખ અને હોઠ પર કોઇ પણ પ્રકારની તકલીફ થાય તો તરત જ કોઇ સારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આ માટે હોઠ અને આંખ પર દરેક વ્યક્તિએ પૂરતુ ધ્યાન આપવુ જોઇએ. જેમ-જેમ વાતાવરણમાં બદલાવ આવે તેમ-તેમ તેની સીધી અસર હોઠ પર પડતી હોય છે. વાતાવરણમાં બદલાવ આવવાને કારણે ઘણા લોકોના હોઠ ડ્રાય થઇ જતા હોય છે તેમજ હોઠ ફાટી પણ જતા હોય છે.
આમ, જો હોઠને મોઇસ્ચુરાઇઝ કર્યા વિના જો સુકાવા દેવામાં આવે તો એ ફાટી જાય છે અને ક્યારેક એમાંથી લોહી પણ નીકળી શકે છે. સમસ્યા વકરે એ પછી એની સારવાર કરવાને બદલે જો પહેલેથી જ એની કેર કરવામાં આવે તો તમારા હોઠ ક્યારે પણ ફાટતા નથી અને એકદમ સુંવાળા રહે છે. તો જાણી લો તમે પણ હોઠને સુંવાળા અને કોમળ રાખવા માટે કઇ-કઇ બાબતોનુ રાખશો ખાસ ધ્યાન.
જીભ ન ફેરવો
હોઠ પર જીભ ફેરવ્યા કરવાની કેટલાક વ્યક્તિની આદત હોય છે. એમાંય હોઠ સુકાતા જણાય એટલે આપણે એના પર જીભ ફેરવીને એને ભીના કરીએ, પરંતુ આવું કરવાથી એ વધુ સુકાય છે. માટે હોઠ સુકાઈને ફાટે નહીં એવી ઇચ્છા હોય તો હોઠ પર જીભ ફેરવવાનું બંધ કરવું. જો ફ્લેવર્ડ લિપ બામ વાપરવાની આદત હોય તો એનાથી પણ દૂર રહેવું, કારણ કે લિપ બામનો સ્વાદ સારો હશે તો એના પર જીભ જશે અને એ બન્ને રીતે નુકસાન કરશે.
લિપસ્ટિક રીમૂવલ
મેક-અપ ઉતારવાનો અર્થ લાઇનર, આઇ-શેડો અને બ્લશ ઓન કાઢવું એમ નથી થતો. હોઠ પર લગાવેલી ડાર્ક લિપસ્ટિક કાઢવી પણ એટલી જ જરૂરી છે. મેક-અપ રીમૂવરને થોડું કોટનમાં લઈ લિપસ્ટિક કાઢવી. હોઠ પરથી લિપસ્ટિક ન કાઢવાથી એ ડ્રાય થઈ જાય છે. હોઠ પરથી લિપસ્ટિક કાઢવા માટે એને ઘસવા નહીં. ફક્ત હલકા હાથે વાઇપ કરવા. લિપસ્ટિક રીમૂવલ માટે બેબી ઓઇલ પણ વાપરી શકાય.
ટિન્ટેડ લિપ બામ
હોઠની કેર કરવામાં એને ડલ બનાવવાની જરૂર નથી. હોઠ સુંદર દેખાય એને માટે ટિન્ટેડ લિપ બામ વાપરવો. રેડ, પિન્ક, ઓરેન્જ જેવા રંગોવાળો લિપ બામ હોઠને પ્રોટેક્ટ કરશે, પ્લસ સુંદર દેખાશે.
એક્સફોલિએટ કરો
સુંવાળા હોઠ મેળવવા માટે આપણે બધા જ એના પર લિપ બામ અને ચેપસ્ટિક લગાવીએ છીએ, પરંતુ ફાટેલા, ક્રેક્ડ, સુકાયેલા હોઠ પર બ્લામ લગાવવાનો કોઈ અર્થ નથી માટે હોઠને સ્મૂધ બનાવવા માટે રેગ્યુલરલી એક્સફોલિએટ કરવા જરૂરી છે. સ્ક્રબથી એક્સફોલિએટ કરવાથી હોઠ પરથી ડેડ સ્કિન દૂર થશે અને ત્યારબાદ જો લિપ બામ લગાવામાં આવે તો એ હોઠમાં અંદર એબ્સોર્બ થશે અને હોઠ સુંવાળા બનશે.
સન પ્રોટેક્શન
સ્કિનની જેમ હોઠને પણ સૂર્યના તડકાથી પ્રોટેક્ટ કરવા જરૂરી છે. સૂર્ય તમારી સ્કિન ડેમેજ કરવાનું બંધ નથી કરતો એટલે કોઇ પણ સીઝનમાં સન પ્રોટેક્શન લગાવવું જરૂરી છે. હોઠ પર એ ન લગાવવામાં આવે તો એ કાળા પડી શકે છે તેમજ સનબર્ન થવાને લીધે વધુ સેન્સિટિવ પણ થઈ શકે છે.
હાઇડ્રેશન
રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવું. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવો છો તો તમારા હોઠ કોમળ રહે છે અને હાઇડ્રેડ થતા નથી.